World

ઈરાનમાં મોટી સૈન્ય જાનહાની

બ્લાસ્ટ ના થયેલા વિસ્ફોટક નિષ્ક્રિય કરતી વખતે IRGCના 14 જવાનોના મોત

Islamic Revolutionary Guard Corps (IRGC)ના 14 જવાનો ઓર્ડનન્સ ક્લિયરન્સ મિશન દરમિયાન થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં મોતને ભેટ્યા છે, જ્યારે વધુ 2 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના ઈરાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઝાંજન પ્રાંતમાં બની હોવાનું સ્થાનિક મીડિયા અહેવાલોમાં જણાવાયું છે.

અહેવાલ મુજબ IRGCના જવાનો એક વિશેષ ઓપરેશન હેઠળ વિસ્તારમાં રહેલા બાકી રહેલા વિસ્ફોટક હથિયારો અને ગોળાબારુદને શોધી નષ્ટ કરવા માટે કાર્યરત હતા. આ દરમિયાન અચાનક અનફાટેલા વિસ્ફોટકમાં વિસ્ફોટ થયો અને મોટી જાનહાની સર્જાઈ. આ મિશનનો મુખ્ય હેતુ વિસ્તારને સુરક્ષિત બનાવવાનો હતો, કારણ કે ત્યાં લાંબા સમયથી અનફાટેલા ગોળાબારુદના કારણે સ્થાનિક લોકો અને ખેતી વિસ્તારમાં જોખમ ઉભું હતું.

સ્થાનિક અહેવાલો અનુસાર ઝાંજન પ્રાંતમાં અંદાજે 1,200 હેક્ટર જેટલો કૃષિ વિસ્તાર અનફાટેલા ગોળાબારુદના જોખમ હેઠળ માનવામાં આવે છે. આ કારણે IRGC દ્વારા ત્યાં નિયમિત રીતે ઓર્ડનન્સ ક્લિયરન્સ અભિયાન ચલાવવામાં આવતું હતું. જોકે આ અભિયાન દરમિયાન થયેલા વિસ્ફોટે સૈન્ય માટે મોટું નુકસાન સર્જ્યું છે. અહેવાલો અનુસાર વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાયેલા વિસ્ફોટકોમાં ક્લસ્ટર બોમ્બ અને એર માઇન જેવા અનફાટેલા હથિયારો સામેલ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જે અગાઉના સંઘર્ષ દરમિયાન વિસ્તારમાં પડ્યા હતા અને હજુ સુધી નિષ્ક્રિય કરવામાં આવ્યા નહોતા.

વિશેષ નોંધનીય છે કે તાજેતરમાં પશ્ચિમ એશિયામાં વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિ અને સૈન્ય અથડામણોની પૃષ્ઠભૂમિમાં આવા અનફાટેલા વિસ્ફોટકોનું જોખમ સતત યથાવત રહ્યું છે. આવા મિશનો સામાન્ય રીતે નાગરિકોની સુરક્ષા અને ખેતી વિસ્તારને સુરક્ષિત બનાવવા માટે હાથ ધરવામાં આવે છે. આ ઘટનાને ઈરાનની સૈન્ય વ્યવસ્થામાં તાજેતરના સમયની સૌથી મોટી જાનહાનિવાળી દુર્ઘટનાઓમાંની એક તરીકે જોવામાં આવી રહી છે. IRGC દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને ઘાયલ જવાનોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

Most Popular

To Top