India

નંદીગ્રામમાં મતદાનથી 48 કલાક પહેલાં મોટો ફેરફાર

ચૂંટણી પંચે પોલીસ ઓબ્ઝર્વર બદલી દીધા, પૂર્વ CBI અધિકારીને સોંપાઈ જવાબદારી

પશ્ચિમ બંગાળની હાઈ-પ્રોફાઇલ નંદીગ્રામ વિધાનસભા બેઠક પર મતદાન પહેલાં માત્ર 48 કલાક બાકી હોય ત્યારે ચૂંટણી પંચ (EC) દ્વારા મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે નંદીગ્રામ માટે નિયુક્ત પોલીસ ઓબ્ઝર્વર હિતેશ ચૌધરીને હટાવીને તેમની જગ્યાએ અખિલેશ સિંહને નવી જવાબદારી સોંપી છે. આ નિર્ણયથી રાજ્યની રાજકીય પરિસ્થિતિ વધુ ગરમાઈ ગઈ છે.

ચૂંટણી પંચે આ ફેરફાર શા માટે કર્યો તે અંગે સત્તાવાર રીતે કોઈ કારણ જાહેર કર્યું નથી. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ નંદીગ્રામ બેઠકની સંવેદનશીલ પરિસ્થિતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. એટલુજ નહી આ નિર્ણય એ સમયે લેવામાં આવ્યો છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસ (TMC) દ્વારા સ્થાનિક પોલીસની કામગીરી અંગે પક્ષપાતના આરોપો લગાવવામાં આવ્યા હતા. પક્ષના કાર્યકરો દ્વારા નોંધાવેલી ફરિયાદો પર યોગ્ય કાર્યવાહી ન થતી હોવાના મુદ્દે ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી હતી, જેના પછી આ ફેરફાર કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

નંદીગ્રામ બેઠક રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે અને અહીં કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. મતદાનને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા સરહદ વિસ્તારો સીલ કરવામાં આવ્યા છે તેમજ પોલિંગ સ્ટેશનોની આસપાસ સુરક્ષા વધારવામાં આવી છે. આ બેઠક પર રાજકીય ટક્કર ખૂબ જ રસપ્રદ બની છે, કારણ કે આ વિસ્તારમાં મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે.

મતદાન પહેલાં આ પ્રકારનો વહીવટી ફેરફાર રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને તેની અસર મતદાનની પ્રક્રિયા પર પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે ચૂંટણી પંચના આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની ગઈ છે કે શું આ પગલું નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે કે પછી તેની પાછળ અન્ય કોઈ રાજકીય કારણ છે. હવે મતદાનના પરિણામો પર તમામની નજર ટકેલી છે.

Most Popular

To Top