Editorial

પશ્ચિમ એશિયાના તનાવ વચ્ચે ભારતની વેપાર ખાધ વધુ પહોળી થઇ

ભારતની વેપાર ખાધ વધી રહી છે, જેનું મુખ્ય કારણ આયાતમાં થયેલો જંગી ઉછાળો છે. સોના-ચાંદીની ઊંચી માંગ અને તેલના વધતા ભાવને  કારણે આયાત વધી છે, જ્યારે તેની સામે નિકાસમાં નબળી વૃદ્ધિ જોવા મળી છે. આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત વધતા ભારતની વેપાર ખાધ પહોળી થઇ છે.  વૈશ્વિક માંગમાં ઘટાડો, સપ્લાય ચેઇનની  સમસ્યાઓ અને વધતા લોજિસ્ટિક્સ ખર્ચને કારણે નિકાસ અવરોધાઈ છે. નાણાકીય વર્ષ 2026 (FY26)માં વેપાર ખાધ 17.5% વધીને 333.2  અબજ ડોલર થઈ છે, કારણ કે વેપારી માલની આયાતમાં 7.5% નો વધારો થયો છે, જ્યારે નિકાસમાં માત્ર 0.9% ની વૃદ્ધિ થઈ છે.

ભારતની વેપાર ખાધ વધવા માટેના મુખ્ય કારણો આ મુજબ ગણાવી શકાય. ફેબ્રુઆરી 2026 માં આયાતમાં વાર્ષિક ધોરણે 24% નો વધારો થયો હતો. આ વધારા પાછળ મુખ્યત્વે કિંમતી ધાતુઓ  (સોનું/ચાંદી) અને ક્રૂડ ઓઈલની આયાત જવાબદાર છે, જેના કારણે આયાત બિલ ખૂબ વધી ગયું છે. મોટા બજારોમાં માંગમાં ઘટાડો અને સપ્લાય ચેઇનમાં અવરોધોને કારણે નિકાસ પર દબાણ આવ્યું છે. ફેબ્રુઆરી 2026 માં  નિકાસમાં 0.8% નો ઘટાડો થયો હતો. એશિયામાં સંઘર્ષને કારણે લોજિસ્ટિક્સ ક્ષેત્રે મોટા પડકારો ઉભા થયા છે અને નૂર તથા વીમા ખર્ચમાં વધારો  થયો છે.

આની અસર ખાસ કરીને UAE અને સાઉદી અરેબિયા ખાતેના શિપમેન્ટ પર પડી છે, જ્યાં માર્ચમાં નિકાસમાં અનુક્રમે 61.8% અને  45.6% નો ઘટાડો નોંધાયો હતો. અમેરિકી ટેરિફની પણ અસર થઇ છે. અમેરિકા દ્વારા ભારતીય સામાન પર લાદવામાં આવેલા કામચલાઉ ટેરિફને કારણે કપડાં અને એન્જિનિયરિંગ જેવા  શ્રમ-સઘન નિકાસ ક્ષેત્રોને નુકસાન થયું છે અને તેમની સ્પર્ધાત્મકતા ઘટી છે. સસ્તું ક્રૂડ મેળવવાના પ્રયત્નો છતાં, વૈશ્વિક તેલના ઊંચા ભાવ અને વધતી જતી માંગને કારણે આયાત બિલ ભારે રહ્યું છે.

ફેબ્રુઆરી 2026 માં ભારતની વેપારી માલની વેપાર ખાધ વધીને $27.10 અબજ થઈ ગઈ છે, જે અગાઉના વર્ષના $14.42 અબજ કરતા લગભગ  બમણી છે. વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2026 માં કુલ વેપારી માલની વેપાર ખાધ વધીને $333.2 અબજ થઈ છે. જો  કે ખાધ હોવા છતાં, નાણાકીય વર્ષ 2026 માં કુલ વેપાર $1.84 ટ્રિલિયનની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો છે, જે 5.4% નો વધારો દર્શાવે છે.  અલબત્ત, ઇલેક્ટ્રોનિક્સ જેવા કેટલાક ક્ષેત્રોમાં પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ્સ(PLI)ને કારણે વૃદ્ધિ જોવા મળી છે, પરંતુ તે આયાતમાં થઈ રહેલા  એકંદર વધારાને સરભર કરવા માટે પૂરતી નથી.

અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ તથા તેના પરિણામે મુખ્ય જળમાર્ગ હોર્મુઝની સામુદ્રધૂનીની નાકાબંધીને કારણે માર્ચ મહિનામાં  ભારતની મર્ચેન્ડાઇઝ  નિકાસ વાર્ષિક ધોરણે 7.4% ઘટીને 38.92 અબજ ડોલર થઈ છે; પશ્ચિમ એશિયાના ક્ષેત્રમાં થતા શિપમેન્ટમાં 58%નો ઘટાડો  નોંધાયો છે. આ મહિનામાં આયાત પણ 6.5% ઘટીને 59.59 અબજ ડોલર થતા ભારતનો એકંદર વિદેશી વેપાર સંકુચિત થયો છે, જેના પરિણામે  વેપાર ખાધ પ્રમાણમાં ઓછી એટલે કે 20.7 અબજ ડોલર રહી છે. ઓક્ટોબર 2026 પછી પ્રથમ વખત માલસામાનની નિકાસમાં ઘટાડો નોંધાયો  છે, જો કે તાજેતરના મોટાભાગના મહિનાઓમાં શિપમેન્ટ ધીમું રહ્યું  છે.

વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું છે કે, માર્ચમાં  પશ્ચિમ એશિયામાં આપણી નિકાસમાં 3.5 અબજ ડોલરનો ઘટાડો થયો છે. સામાન્ય રીતે આ ક્ષેત્રમાં માસિક નિકાસ લગભગ 6 અબજ ડોલરની હોય  છે, પરંતુ આ માર્ચમાં માત્ર 2.5 અબજ ડોલરની જ નિકાસ થઈ શકી છે. ટકાવારીની દ્રષ્ટિએ આ 57.9% નો ઘટાડો છે. તેમણે કહ્યું કે સરકારને આશા છે કે વેપારની દ્રષ્ટિએ વર્ષ 2026-2027 ઘણું સારું રહેશે. તેમણે  કે, અમને આશા છે કે આજે આપણે જે  પડકારોનો સામનો કરી રહ્યા છીએ તે લાંબો સમય નહીં ટકે. અમલમાં આવી રહેલા મુક્ત વેપાર કરારો (FTAs) પણ નિકાસમાં મદદરૂપ થશે.

ભારત માટે બીજા ક્રમના સૌથી મોટા બજાર એવા સંયુક્ત આરબ અમીરાત(UAE)માં માર્ચમાં નિકાસ 61.9% ઘટીને 1.29 અબજ ડોલર થઈ છે.  સાઉદી અરેબિયાની નિકાસ 45.6% ઘટીને 527.8 મિલિયન ડોલર રહી છે. નિકાસની સાથે આ ક્ષેત્રમાંથી થતી આયાતમાં પણ વાર્ષિક ધોરણે  51.6% નો તીવ્ર ઘટાડો થઈને તે 8.7 અબજ ડોલર નોંધાઈ છે. દેખીતી રીતે આ અખાતી યુદ્ધની અસર જણાય છે. અમેરિકી ટેરિફ અને પશ્ચિમ એશિયામાં યુદ્ધ હોવા છતાં, 2025-26માં ભારતની કુલ નિકાસ (વસ્તુઓ અને સેવાઓ મળીને) 860 અબજ ડોલરને  પાર કરી ગઈ છે, જે 4.2% ની વૃદ્ધિ દર્શાવે છે. વર્ષ 2025-26માં મર્ચેન્ડાઇઝ નિકાસ વાર્ષિક ધોરણે 0.9% વધીને 441.78 અબજ ડોલર રહી, જ્યારે  સેવાઓની નિકાસ 7.9% વધીને 418.31 અબજ ડોલર થઈ છે.

ગયા નાણાકીય વર્ષમાં કુલ આયાત 6.4% વધીને 979.40 અબજ ડોલર થઈ હતી,  જેમાં મર્ચેન્ડાઇઝ આયાત 7.4% વધીને 774.98 અબજ ડોલર અને સેવાઓની આયાત 2.8% વધીને 204.42 અબજ ડોલર રહી હતી. માર્ચમાં એન્જિનિયરિંગ ક્ષેત્રમાં નિકાસ 1.1% વધીને 10.9 અબજ ડોલર થઈ હતી, પરંતુ તેને બાદ કરતાં અન્ય તમામ મહત્વના ક્ષેત્રોમાં ઘટાડો  નોંધાયો છે. આ વર્ષે એક મહત્વની ઘટના એ બની છે કે અમેરિકાને પાછળ મૂકીને ચીન ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બની ગયું છે. જો કે તેની સાથે પણ ભારતની વેપાર ખાધ તો પહોળી જ થઇ છે. ભારતની નિકાસો કરતા આયાત સામાન્ય રીતે વધારે જ રહે છે તે આના પરથી સમજી શકાય છે.

Most Popular

To Top