Dakshin Gujarat Main

નેતાઓએ ફોટા પડાવી ભુલકાઓ પાસેથી કીટ પરત લઇ લીધી, કોંગ્રેસી મહિલા આગેવાને ફેસબુક પર પોસ્ટ મુકી

નવસારી : નવસારીના સાંસદ સી.આર. પાટીલના જન્મ દિવસની ઉજવણી અંતર્ગત અનેક સેવાકિય કામો કરવાનું આયોજન નવસારી જિલ્લામાં થયું હતું. જો કે નવસારીમાં સી.આર.પાટીલની બર્થ ડે કેક આંગણવાડીઓના બાળકો માટે કડવી બની હતી. આંગણવાડીઓમાં નેતાઓએ ફોટા પડાવી ભુલકાઓ પાસેથી કીટ લઇ લેતાં બાળકો રડી પડ્યા હતા, તો વાલીઓ પણ તેમના વ્હાલા સંતાનોની નારાજગીથી આંગણવાડી પર હલ્લો મચાવ્યો હતો. આ મતલબની એક પોસ્ટ સોશિલ મીડિયા પર વાઇરલ થતાં આજે આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

  • કોંગ્રેસી મહિલા આગેવાને ફેસબુક પર પોસ્ટ મુકતા ભાજપી નગરસેવકોની કરતૂત સામે આવી
  • સી.આર. પાટીલનો જન્મ દિવસ ઉજવવા માટે હરખપદુડા બનેલા ભાજપી નગરસેવકોએ મજાક બનાવી બેઠા

નવસારીમાં સી.આર.પાટીલની ઉજવણીમાં ભાજપી નગરસેવકોએ મિથિલા નગરીની આંગણવાડીમાં નાના ભૂલકાઓને કીટ વહેચતા ફોટા પડાવ્યા બાદ કીટ પરત લીધી હોવાની એક કોંગ્રેસી આગેવાનની ફેસબુક પોસ્ટ વાઇરલ થઇ હતી. ગત 16મી માર્ચે નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો જન્મ દિવસની ઉજવણી કરવા માટે નવસારી જિલ્લા ભાજપના આગેવાનોએ દોડધામ પણ કરીને વિવિધ સેવાકિય કામોનું આયોજન કર્યું હતું.

સી.આર. પાટીલનો જન્મ દિવસ હોવાથી નવસારી જિલ્લામાં વિવિધ જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી. કેટલીક જગ્યાએ ધી કશ્મીર ફાઈલ્સ ફિલ્મ બતાવવામાં આવી હતી. કેટલીક જગ્યાએ કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. નવસારીમાં પણ ભાજપી આગેવાનોએ રોગ નિદાન કેમ્પ યોજી તેમજ ગરીબોને કીટ વહેચી હતી. પરંતુ નવસારીમાં સી.આર. પાટીલનો જન્મ દિવસ ઉજવવા માટે હરખપદુડા બનેલા ભાજપી નગરસેવકોએ મજાક બનાવી બેઠા હતા. આ બાબતે કોંગેસી મહિલા આગેવાને તેમના ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકી હતી.

આંગણવાડીના બાળકોને કીટ આપતો ફોટો પડાવી કીટ પરત લઈ લીધી : હેમાબેન ડુંગરિયા
નવસારી : કોંગ્રેસી મહિલા આગેવાન હેમાબેન ડુંગરીયાએ જણાવ્યું હતું કે, મિથિલા નગરીની આંગણવાડીમાં ભાજપના આગેવાનોએ સી.આર. પાટીલનો જન્મ દિવસ ઉજવણી અર્થે બાળકોને નરેન્દ્ર મોદીના ફોટાવાળી બેગ આપી હતી. પણ તે કીટ આપતો ફોટો પડાવ્યા બાદ કીટ પરત લઈ લીધી હતી. એટલે બાળકો રડવા લાગ્યા હતા. જોકે બાદમાં બાળકોને દુકાનમાંથી બિસ્કિટ લઈ આપવી પડી ત્યારે તેઓ શાંત થયા હતા. આ બાબતે બાળકોના વાલીઓએ જ મને જાણ કરી હતી. માત્ર ફોટા પડાવવા માટે કીટ આપી ગરીબોની મજાક ઉડાવી છે.

સારૂ કામ કરે એટલે અમુકને અદેખાય થાય તો અફવા ફેલાવે : પરેશ કાસુન્દ્રા
નવસારી-વિજલપોર શહેર ભાજપ પ્રમુખ પરેશ કાસુન્દ્રાએ જણાવ્યું હતું કે, કીટ લોકોને વહેંચવા માટે જ બનાવી હતી. મિથિલા નગરીમાં નગરસેવકો જ કીટ વહેંચવા માટે ગયા હતા. અને કીટ બધાને આપી છે. સારૂ કામ કરે એટલે અમુકને અદેખાય થાય તો તે અફવા ફેલાવે છે. બાકી ફોટા પડાવ્યા બાદ કીટ લીધી નથી.

Most Popular

To Top