Gujarat Main

પ્રાકૃતિક ખેતી માનવી, જમીન અને ગાયના સંવર્ધન માટે લાભદાયી : ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર: પ્રાકૃતિક ખેતી માનવી અને જમીન (Land) બંનેનાં સ્વાસ્થ્ય (Health) માટે તેમજ ગાયોના (Cow) સંવર્ધન માટે લાભદાયી છે. પીએમ (PM) નરેન્દ્ર મોદીની પ્રેરણાથી રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ ટાળી પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આયોજિત શ્રી રામ કથા અંતર્ગત ગૌ મહિમા સત્સંગ સભાને સંબોધન કરતા મુખ્યમંત્રી પટેલે આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે પ્રાકૃતિક ખેતી અને ગૌ રક્ષણના માર્ગે ચાલવાનું આહ્વાન કર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, અલગ-અલગ સમાજ, સમુદાય કે વ્યવસાય-વર્ગમાંથી આવતા આપણા સૌનો ધ્યેય એક જ છે. ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’. આ લક્ષ્યની પ્રપ્તિ માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સહાયરૂપ થશે. મુખ્યમંત્રીએ ખોખરા હરિહર ધામ ખાતે ચાલી રહેલી શ્રી રામ કથાના વક્તાસંત મહામંડલેશ્વરી પૂજ્ય મા કનકેશ્વરી દેવીજીને સમગ્ર ભારતનું નારી ગૌરવરત્ન ગણાવ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે માતૃશક્તિના કંઠેથી મર્યાદાપુરૂષોત્તમ શ્રીરામના જીવન ચરિત્રનું કથન અતિ કલ્યાણકારી છે. હનુમાનજીએ માતૃશક્તિની સેવામાં વિરાટરૂપ ધારણ કરી લંકા જલાવી હતી તેથી ૧૦૮ ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા તેમના એ પરાક્રમનું પ્રતિક છે.

મુખ્યમંત્રીએ કાર્યક્રમના પ્રારંભે શ્રીરામ કથાના વ્યાસાશન પર પોથીની આરતી ઉતારી તેનું પૂજન કર્યું હતું. ગૌશાળાના નિભાવ માટે રૂપિયા ૬૦૦ કરોડની બજેટમાં જોગવાઇ કરવા બદલ ગૌશાળા સંચાલકો, ગૌભક્તો તેમજ પાંજરાપોળ સંચાલકો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top