Top News Main

પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શાહબાઝ શરીફ પદારૂઢ થયા

ઇસ્લામાબાદ: શાહબાઝ શરીફ આજે પાકિસ્તાનના (Pakistan) ૨૩મા વડાપ્રધાન (PM) તરીકે પદારૂઢ થયા હતા, જે સાથે દેશમાં સપ્તાહોથી ચાલી રહેલ રાજકીય અચોક્કસતાનો અંત આવ્યો હતો. રાષ્ટ્ર પ્રમુખ ડો. આરીફ અલ્વીની ગેરહાજરીમાં સેનેટના અધ્યક્ષ સાદીક સંજરાનીએ શાહબાઝ શરીફને શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્ર પ્રમુખ આ શપથવિધિ થાય તેના થોડા જ સમય પહેલા માંદગીની રજા પર જતા રહ્યા હતા! આ શપથવિધિની સાથે ૭૦ વર્ષીય શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બન્યા છે જેઓ અવિશ્વાસ દરખાસ્તથી દૂર કરાયેલા ઇમરાન ખાનના અનુગામી બન્યા છે.

આ અગાઉ આજે દિવસ દરમ્યાન પાકિસ્તાનની સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીમાં વડાપ્રધાન તરીકે પીએમએલના નેતા શાહબાઝ શરીફ વિનાવિરોધે ચૂંટાઇ આવ્યા હતા કારણ કે ઇમરાન ખાનના પક્ષ તહેરીકે ઇન્સાફ પાર્ટીના ઉમેદવાર શાહ મેહમૂદ કુરેશીએ જાહેરાત કરી હતી કે તેમનો પક્ષ મતદાનનો બહિષ્કાર કરશે અને પછી આ પક્ષે ગૃહમાંથી સભાત્યાગ કર્યો હતો. શરીફને ૧૭૪ મત મળ્યા છે. અને તેઓ ઇસ્લામિક રિપબ્લિકન ઓફ પાકિસ્તાનના વડાપ્રધાન જાહેરાત કરવામાં આવે છે એમ અધ્યક્ષની ખુરશીમાં બેસેલા અયાઝ સાદીકે જાહેર કર્યું હતું. નેશનલ એસેમ્બલીની ૩૪૨ બેઠકોમાંથી કોઇ પણ ઉમેદવારને જીતવા માટે ૧૭૨ મતની જરૂર હોય છે અને શાહબાઝને ૧૭૪ સાંસદોનો ટેકો મળી ગયો હતો. વળી, મહેમૂદ કુરેશીના પક્ષે મતદાનનો બહિષ્કાર કરતા શાહબાઝ શરીફ એકમાત્ર ઉમેદવાર બચ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે શહબાઝ શરીફને પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં અને કહ્યું હતું કે ત્રાસવાદ મુક્ત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા આવે તેવી તેઓની ઈચ્છા છે. ‘અભિનંદન, મિયા મુહમ્મદ શહબાઝ શરીફને વડા પ્રધાન તરીકે ચૂંટાવા બદલ અભિનંદન’, એમ મોદીએ ટ્વીટ કર્યું હતું.‘ભારતની ઈચ્છા છે કે ત્રાસવાદ મુક્ત આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા આવે, જેથી આપણે વિકાસના પડકારો પર ધ્યાન આપી શકીએ અને આપણા લોકોની સમૃદ્ધતા અને અને કલ્યાણની ખાતરી કરી શકીએ.

Most Popular

To Top