Comments

તંદુરસ્તી કોને કહેવાય તે જાણો ને પછી તે મેળવવા લાગી પડો

આજકાલ શહેરોમાં ટ્રાફિક, પોલ્યુશન, ગીચ વિસ્તારોમાં નાના આવાસો, કુટુંબનાં બાળકોથી લઇ દીકરાની વહુ સુધી સહુ સવારથી સાંજ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત, આથી ઘરનાં વડીલો રસ્તો ઓળંગી બગીચા સુધી જાય પણ કેવી રીતે? એકાદ બસ કે રીક્ષા કરી દેવ-દર્શને પણ કેમ કરી જાય? પાકટ ઉંમર આથી તબિયતનું જરા નરમ-ગરમ રહેવાનું અને ડોકટર પાસે જઇએ એટલે કડક ભાષામાં સૂચના મળે ‘‘કસરત….. કાના માત્ર વિનાની પ્રવૃત્તિ નહિ અપનાવો તો જવું પડશે’’ !!!

કાના માત્ર વિના નરકમાં પહોંચી અને આજકાલ બને પણ કેવું, ડોકટર જાની સાહેબનાં પત્ની જોગસ પાર્કમાં ચાલવા માટે ઘર બહાર નીકળ્યાં ત્યાં જ રોંગ સાઇડમાંથી ઓવરટેક કરતા વાહને મંદાબહેનને પછાડયાં. થાપાનો જોડ ભાંગ્યો અને ૭૦ વર્ષની વયે દોઢ માસ હોસ્પીટલમાં અને પછી કાયમ માટે શરીર માંદગીમાં જકડાઇ ગયું. શાહભાઇ લોખંડના પ્રતિષ્ઠિત વ્યાપારી. સવારે ઘરેથી બે કિલોમીટર ચાલી દુકાને પહોંચે. બપોરનું સાત્ત્વિક ભોજન દુકાનમાં જ લે અને રાત્રે ૮ વાગ્યે ધંધો વધાવી સ્વાસ્થ્ય ખાતર પગપાળા ઘરે પહોંચે.

ઘડિયાળના કાંટે જીવતા શાહભાઇને એક રાત્રે હૃદયમાં તકલીફ થઇ. હોસ્પીટલમાં ટેસ્ટ થયા ત્યારે રિપોર્ટ આવ્યા કે પોલ્યુશનના કારણે ફેફસાંમાં ૭૬ % કંજેશન વ્યાપી ગયું છે. આયુર્વેદ વિજ્ઞાન દ્વારા ભગવાન ધન્વંતરિનો માનવ સુખાકારીનો સંદેશ વહેવડાવનાર મહર્ષિ ચરકસંહિતામાં કહે છે, ત્રણ દોષ વાત, પિત્ત, (સામાન્ય) હોય, શરીરનું ઉષ્ણતામાન યોગ્ય હોય, સાત ધાતુ (રસ, રકત, માંસ મંદ, મજજા, અસ્તિ, શુક્ર) સમ હોય તે તંદુરસ્ત હોય છે. જયારે એલોપેથી વિષયે પશ્ચિમી સમજ શરીર સ્વાસ્થ્યને વ્યાયામ સાથે જોડી રાખવાનો અભિગમ અપનાવે છે કે મર્યાદિત દૃષ્ટિકોણ છે.

સ્વાસ્થ્યના હોલીસ્ટીક ગૃહનો પ્રથમ આધાર પોષક આહાર છે. એક વયસ્ક વ્યક્તિએ પોતાના દિવસભરનાં ખોરાકમાં ૧૩૫ થી ૧૫૦ ગામ તાજાં શાકભાજી અને સીઝનલ ફ્રુટ લેવાનું રાખવું જોઇએ. બજારમાં લીલાંછમ અને આકારમાં સામાન્યથી મોટાં દેખાતાં ફળ, શાકભાજી ઓકસીટોસીન અને કોપર સલ્ફેટની કેમીકલ ટ્રીટમેન્ટમાંથી પસાર કરેલા જોવા મળે છે. ચીન કે ઓસ્ટ્રેલિયા જેવા દૂરના દેશોમાંથી આવતાં ફળ-શાકભાજીમાંથી પાણીનું પ્રમાણ ઘટી ન જાય તે માટે વેકસ કોટ કરવામાં આવે છે. આવી અશુધ્ધિ સાથેના ખોરાકનું સેવન કરવાથી ફેફસાં અને લીવરને ભારે નુકસાન થાય છે. આથી ફળ-શાકભાજીને ઉપયોગમાં લેતાં પહેલાં ૩ થી ૪ કલાક ચોખ્ખા પાણીમાં પલાળી રાખવા, છાલ કાઢી નાખવી અને પ્રેશરકૂકરમાં વરાળના દબાણ વચ્ચે બાફી ખાવાનું રાખવું.

૬૦ વર્ષ પછી માણસની ૧ કિલો ૫૦ ગામથી ૧.૮૦ ગામ સુધીનો ખોરાક પચાવી શકે છે. મનની ભૂખથી આરોગેલો વધારાનો બધો જ આહાર શરીર માટે બહાર નીકળતા સુધી બોજ બની રહે છે. તુવેરદાળ સાથે ભેળસેળ થતી લાલ દાળ મોટી ઉંમરનાં લોકોએ ન ખાવી કારણ તેમાંનું સેલ્યુલોઝ હાડકાં બરડ કરી નાખે છે. તેમ રાજમા, વાલ, પાપડીના વધુ સેવનથી કઠોળમાં રહેલ હીમેગ્લુટીન તત્ત્વ લોહીના લાલ કણને ઘટાડી નાખે છે. બટાકાના અતિ સેવનથી શરીરમાં આયોડિનની માત્રા અ-સમતુલિત બની જાય છે. ‘‘અન્ન વત્તિ કારણમ’’(દેહનું હોવુ અન્નને કારણે છે) તે સત્યને નકારી શકાય તેમ નથી.

પરંતુ રેફ્રિજરેટરમાં સાચવી રાખેલ અને માઇગ્રે ઓવનમાં ગરમ કરીને કે પછી બજારમાંથી લાવેલ ભજીયાં, ગાંઠિયાં, ખમણ પ્રકારના જંક ફુડથી શરીરને માત્ર નુકસાન જ થાય છે. ઇંગ્લેન્ડમાં જેલના કેદીઓ ઉપરના અભ્યાસથી જાણવા મળેલ છે કે જેઓને ૧ વર્ષ સુધી જંક ફુડ ઉપર રાખવામાં આવેલ તેઓની ગ્રહણશક્તિમાં ઘટાડો થયો અને સામુહિક વર્તનમાં અ-શિત્વ વધી અને જે ગુનેગારોને ચરબી, કાર્બોહાઈડ્રેટ, મીનરલ, પ્રોટિન, વિટામીનની સમતુલાવાળો તાજો ખોરાક આપવામાં આવતાં તેઓમાં શીખવાની અને પરસ્પરને સહકાર આપવાની વૃત્તિમાં વધારો થયો. આપણે ત્યાં પ્રચલિત કહેવત છે, ‘‘અન્ન તેવો ઓડકાર’’આ ઓડકાર તે ખોરાકની શરીર ઉપરની અસર.

વનપ્રવેશ થઇ ચૂકયો હોય છે, ત્યારે રોગપ્રતિકારક શકતિ ઘટી જાય છે. વૃધ્ધોએ ઔષધીઓનો આધાર લેવો પડે છે. પરંતુ મેડીસીન સાયન્સ કહે છે, “ધેરીઝ ઇફેકટ, ધેરીઝ એ સાઇડ ઇફેકટ’’ સિકકાની બીજી બાજુ પણ હોવાની જ. આથી ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વિના મળતી દવાઓ પણ ચણા-મમરા માફક ન લેવી. જરા અમસ્તી શરદી, શરીરના દુખાવામાં એસ્પિરિન લઇએ છીએ. પરંતુ ટેબલેટમાં રહેલ સ્ટરોડાઇલ એન્ટી ઇન્ફલમટરી ડ્રગ્સથી લાંબે ગાળે લીવરમાં અલ્સર થાય છે. ચામડી ઉપર લાલ ચાંઠાં પડે છે અને ચળ આવે છે.

વ્યાપારીઓ બજારમાં ટકી રહેવા હાનિકારક સંયોજનથી દવાઓ વેચે છે. પેરાસિટામોલ સાથે અલ્ઝાઝોલમનું કોમ્બીનેશન પ્રોટેસ્ટ ગ્લેન્ડ નબળી પાડે છે. આપણા રુધિરાભિષરણ તંત્ર ઉપર માઠી અસર પહોંચાડતી કેટલીક દવાઓ યુરોપ, અમેરિકામાં વર્જીત છે. પણ આવી ૨૯૪ દવાઓ ભાતના વડીલો કોઇ વિશેષ સમજ વિના લીધે રાખે છે. આથી ડોક્ટરની સલાહ વિના છાપા-ટી.વી.ની જાહેરાતના આધારે લેશો નહીં. રોગનો ઉપાય કરતાં પહેલાં તેનું કારણ જાણવાનો પ્રયત્ન કરો. હોર્મોન્સના સ્રાવથી કિશોર અવસ્થા જુવાનીમાં પરિવર્તિત થાય છે.

તે પ્રમાણે સ્ત્રીઓમાં ૪૫-૫૦ વર્ષે, પુરુષોમાં ૫૦-૬૦ વર્ષે ભારે બદલાવ આવે છે. શરીર બહારથી કંઇ ફેરફાર નોંધતું નથી પરંતુ વ્યક્તિ વધુ સંવેદનશીલ બની જાય છે. રોગપ્રતિકારકશક્તિ ઘટી જાય છે. શરીરના મસલ્સ શિથિલ થવા લાગે છે અને મગજના સંદેશાઓના અમલમાં થોડી ઢીલાશ આવે છે. શરીર વિટામીન ડી પ્રકારનાં કેટલાંક જરૂરી તત્ત્વો ખોરાકમાંથી છૂટાં પાડવાની ક્ષમતા ગુમાવી દે છે. આવા પ્રાકૃતિક ફેરફારવશાત્ વ્યક્તિનો દિવસભરનો પરિશ્રમ ઘટે છે. પરાવલંબી અવસ્થાના લીધે ખોરાક લેવામાં અ-નિયમિતતા વધે છે અને સરવાળે એસીડીટીની ફરિયાદ રહે છે.

કયારેક માથું, છાતી, પેટમાં દુખાવો, બળતરા અનુભવાય પણ તેથી ગભરાયા વિના મનને મજબૂત રાખો. પ્રથમ તીખું, તળેલું, ખાટું, આથો લાવીને બનાવેલ વાનગી ઓછી કરવી. શરીરના દુખાવા માટેની, કેલ્શિયમ ચેનલની દવાઓ લેવાનું ઘટાડવું. તમાકુનું કોઇપણ પ્રકારનું સેવન બંધ કરવું. આમ છતાં ફરિયાદ રહે તો ડોકટરની સલાહ અનુસાર હોજરીમાં હોલિકો બેકટર પાયલોરીની હાજરી લેબ ટેસ્ટથી તપાસી લેવી. સવારનો પોષ્ટિક નાસ્તો અને રાત્રે માત્ર શાકભાજીના સૂપ સાથે ૨-ખાખરા ખાવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.

મેયો ક્લિનિક પ્રોસીડિંગ્સ અહેવાલ અનુસાર શહેરોમાં નાગરિકો અઠવાડિયામાં સરેરાશ ૧૮થી ૨૩ કલાક ટી.વી. સામે બેસી રહે છે. આથી લેવાયેલ ખોરાકમાંથી ૨૭પ થી ૩૮ યુનિટ કેલેરી વણવપરાયેલી પડી રહે છે જે ફેટમાં કન્વર્ટ થતાં સાંધાના દુખાવા, હાડકામાં કળતર, લોહીના પરિભ્રમણનાં અટકાવના પ્રશ્નો ઊભા કરે છે. ધ્યાન રહે બે પગ ઉપર ઊભેલા અને હાથ-પગથી ચાલતા શરીર માટે મસ્તિષ્કની ૬ર લાખ પેશીયો સક્રિય રહે છે.

આથી વધતી ઉમરે મગજને લોહીના પરીભ્રમણથી પૂરતો ઓકિસજન મળે તે જરૂરી છે. આ માટે સવારે ઊઠી પથારીમાં બેસીને અથવા સૂતા-સૂતા લાંબા શ્વાસની કસરત કરો. પાણીની ખાલી પ્લાસ્ટીક બોટલમાં શકય દબાણથી હવા ભરવાની કસરત થઇ શકે છે. તે પછી પથારીમાં ક્રમશઃ પગ અને હાથ ઊંચાં કરો. શયનખંડની બે દિવાલોને અડવાનું છે તેવી ચેષ્ટાથી શરીરને ખેંચો. જમણે-ડાબે પડખે ફરો. ઊંધા સૂવાનું શકય હોય તો પથારીમાં જ ઊંધા સૂઇ ક્રમશઃ હાથ-પગ અને પછી કમરથી ઊંચા થવા પ્રયત્ન કરો.

સવારનો ચા-નાસ્તો પૂરો થયા પછી ફરવા જવાનો સમય થયો છે તેમ જાણી બંને હથેળીઓ સામે -સામે ઘસવાની, ખભામાંથી હાથ ગોળ-ગોળ ફેરવવાની, કમરથી આગળ-પાછળ નમવાની, ઘૂંટણથી પગને પાછળ વાળવાની, સાથળમાંથી પગને ઊંચા કરવાની કસરત કરો. સ્નાન કરતા પહેલા અનુકુળ હોય તો તલના તેલથી શરીરને માલિશ કરો અન્યથા નહાતા સાથે સાબુના ફીણ થાય તેમ શરીરને મસાજ આપી પાણી વડે ઘસીને સાફ કરો. શરીરના મસલ્સ, લોહીની નળીઓ માટે આ પ્રકારની ઉષ્મા પ્રેરક કસરત લોહીનુ પરિભ્રમણ વધારશે. શરીરમાં લચીલાપણું જળવાઇ રહેશે.

હરતું-ફરતું પોતાનું કામ કરતું આનંદિત શરીર સ્વયં તંદુરસ્તીની નિશાની છે. બે રૂમ, રસોડાના નાના ઘરમાં પણ ટી.વી, રેડીયો સાંભળતાં ખાતાં-પીતાં માણસ પોતાના શરીર માટે જરૂરી શ્રમ વેઠી શકે છે. મહાત્મા ગાંધીએ આશ્રમ ભજનાવલિની પ્રસ્તાવનામાં લખ્યું છે, ‘કોઇએ ઘરકામ છોડીને ઈશ્વર સ્મરણ માટે બેસવાની જરૂર નથી.’ શરીર સ્વાસ્થ્ય માટે જોગસ પાર્ક, કોઇ ક્લબમાં જવાને બદલે રોજ-બરોજના જીવન સાથે જ આહાર, નિદ્રા, વ્યાયામ અને મનની સ્વસ્થતાના કાર્યક્રમો જોડી દઇશું તો આયુષ્ય આનંદમય અને મૃત્યુ સુખસભર બની રહેશે.
ડો.નાનક ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top