Columns

આંતર શત્રુને જાણો, મુેક્ત થાવ

નવ જીવનના કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર ને મદ વગેરે માણસના આંતર શત્રુઓ છે તેમજ સત્વ રજસ અને તમસ વૃતિઓ અને જીવની બધી જ પ્રવૃતિઓ બધી જ મન સાથે સંકળાયેલી છે, એટલે આ બધાને અને મનને સાધકે જાણવા જોઈએ, જો અંતરથી અંતસ્થ થઈને સાક્ષી ભાવનો સ્વીકાર કરીને સાધક જાણશે, એટલે તેનું સંપૂર્ણ જ્ઞાન થશે, તેની બધીજ આંતર પ્રવૃતિઓનો ખ્યાલ આવશે, જ્યારે આ જ્ઞાન થાય, ત્યારે પછી આ દુર્ગુણ જીવનમાં ઊભો જ રહેતો નથી, અને નિર્મૂલન થાય છે,, માનવ જીવનનો પરમ સિધ્ધાંત છે, કોઇ પણ દુર્ગુણ માણસ જાણ્યા પછી તેનું આચરણ માણસ કરતો જ નથી, એટલે જ માણસ પોતાની જાગૃત અવસ્થામાં કે પ્રજ્ઞામાં સ્થિર થયેલો માણસ કદી પણ કોઈપણ જાતનું પાપ કૃત્ય કે અવિવેક સાથે કોઈ કૃત્ય કરતો જ નથી.

એટલે જ સત્ય ધર્મ ઠોકી ઠોકીને કહે છે, કે માણસે માત્રને માત્ર પોતાના આત્મિક સત્યમાં સ્થિર થઈને, અથવા તો પોતાની પ્રજ્ઞામાં સ્થિર થઈને તમામ જીવનના વ્યવહારો કરવા જોઈએ આનું નામ જ જાગૃત પણે જીવવું છે, અને સત્ય ધર્મનું અનુસરણ છે,, સાધકે જાણવું એટલે આંતર જ્ઞાન થવું છે, તો જ તેનાથી મુક્ત થઈ શકશે, કોઈપણ માણસ દુર્ગુણને જાણ્યા વિના કોઈ દુર્ગુણોથી મુક્ત થઈ શકતો જ નથી.,, એક વખત અંતરથી દુર્ગુણોને જાણીને માણસ દુર્ગુણોમાં સ્થિર રહી જ શકતો નથી, તે શાશ્વત સિધ્ધાંત છે,,

તેનાથી તે મુક્ત થઈ જ જાય છે, જીવનમાં જે કાઇ માણસ દુર્ગુણ યુક્ત વ્યવહાર અને આચરણ કરે છે, તે અજ્ઞાનમાં અને અજાગૃત અવસ્થામાં જ કરે છે, જાગૃત કે પ્રજ્ઞામાં પરમ ચેતનામાં સ્થિર થયેલો માણસ કદી પણ અસત્ય વ્યવહાર કરતો જ નથી એટલે જ સત્ય ધર્મનો પાયાનો સિધ્ધાંત છે કે તમો તમારા આત્મિક સત્યમાં સ્થિર થાવ એ જ સત્ય ધર્મનું અનુસરણ છે.
જીવનમાં જાણવું એટલે આપણા પગના તળિયાથી માંડીને માથાના વાળની લટ સુધી અંદર સાક્ષીભાવનો સ્વીકાર કરી ઉત્તમ અનુભવ કરવો. આ રીતે વૃત્તિઓ અને શત્રુઓને સાક્ષીભાવથી જાણશો તો જ તમો આંતર શત્રુઓથી, આંતર વૃત્તિઓથી મુક્ત થઈ જ શકશો. એ જ સત્ય ધર્મનું અનુસરણ છે.

માનવજીવનમાં અજ્ઞાનતા, અચેતન અવસ્થા અને અપ્રજ્ઞાની અવસ્થા અને આત્માની જાણકારી નહીં એ જ બંધન છે. મન એટલે વિચાર કરી શકે એવી આત્માની શક્તિ, વિચાર કરવામાં સહાયક એક પ્રકારનું પરમાણુ છે, મનની શુધ્ધતા અને એકાગ્રતામાં વિલક્ષણ શક્તિ રહેલી હોય છે. આમ આત્માનું ગ્રાહક હોઈને ઇન્દ્રિય પણ હોય તે મન અંત:કરણની સંકલ્પ વિકલ્પ કરનારી વૃત્તિ તે મન. આમ વિચારની આ પ્રવૃત્તિને મનન કહેવામાં આવે છે, કોઈ વિષયનું ગ્રહણ કરીને જ્યારે તેના વિષે અંતકરણ વિચાર કરે ત્યારે તેની સંજ્ઞા મન છે, આમ જે સત્ય સ્વરૂપ મનનશીલ હોય તે જ માનવ ગણાય.

આમ આપણી તમામ ઇન્દ્રિયોમાં શ્રેષ્ઠ મન છે. આમ મન જ્ઞાનેન્દ્રિય સ્વરૂપ પણ છે અને કર્મેન્દ્રિય સ્વરૂપ પણ છે. મન બંને પ્રકારની ઇન્દ્રિયોનું પ્રવર્તક છે, મન, બુધ્ધિ અને અહંકારને ચિત્ત કહેવામાં આવે છે. આપણા મનમાં સત્ત્વગુણ,રજોગુણ અને તમોગુણ એવા ત્રણ ગુણ રહેલા છે. સત્ત્વગુણને લીધે માણસના મનમાં વિરાગ, ક્ષમા, ઉદારતા અને શાંતિ જેવા ગુણો ઉત્પન્ન થાય છે જ્યારે રજોગુણને લીધે કામ, ક્રોધ, લોભ, પદાર્થપ્રાપ્તિ, લાભ અને કોઈ પણ કામનો આરંભ ઉત્પન્ન થાય છે જ્યારે તમોગુણને લીધે માણસમાં આળસ, ભ્રમ, ભય અને ભ્રમજાળ, તંદ્રા વગેરે દોષો ઉત્પન્ન થાય છે.

આપણી આખી પ્રકૃતિના સૂક્ષ્મ રૂપોમાં મન એક છે. તે જ બધી ઇન્દ્રિયોનું નાયક છે, મનમાં જે કાંઇ તરંગો ઊઠે તેવો આત્મા પોતાને માને છે, આત્મા પોતાના સ્વરૂપને ભાગ્યે જ જુએ છે, આથી એ મનથી જ ભરપૂર રહે છે. માનવજીવનમાં આંતર સાધનાને પરિણામે વાસનાઓ, કામનાઓ, આસક્તિઓ, તૃષ્ણાઓ વગેરેનો જેટલા પ્રમાણમાં ક્ષય થાય એટલા જ પ્રમાણમાં માણસની આત્મોન્નતિનો માર્ગ મોકળો થાય, જ્યારે આંતર સાધના દ્વારા મન સુસંસ્કૃત થાય, પવિત્ર થાય, શુધ્ધ થાય એકાગ્ર થાય ત્યારે જ મન આત્મા તરફ વળે છે અને તે જ છેવટે આત્મદર્શન માટે આત્મજ્ઞાન માટે પૂરી લાયકાત ધરાવે છે. આમ મનને સત્ત્વ ગુણશાળી સાધના દ્વારા બનાવવું જોઈએ. માણસ જેટલા પ્રમાણમાં અહંકારથી મુક્ત થઈ આત્મિક સત્યમાં સ્થિર થશે અને સત્ય સ્વરૂપ વ્યવહાર અને આચરણ જાગૃતિપૂર્વક પોતાની ચેતનામાં અને પ્રજ્ઞામાં સ્થિર થઈને કરશે, તેટલા જ પ્રમાણમાં સત્ત્વ ગુણનો ઉદય થશે. વૃધ્ધિ થશે.

જીવનમાં પશુસહજ અધર્મની મર્યાદાઓથી મુક્ત થઈ આત્મિક સત્ય સ્વરૂપ શ્રેયાર્થી બનવાની તેમની કોશિશ સફળ થશે. આવા પવિત્ર અને પરિશુધ્ધ મન બનાવી મમત્વ છોડી સમત્વ, સમતાપૂર્વક જીવવું એજ સત્ય ધર્મનું અનુસરણ છે અને સર્વજ્ઞતામાં સ્થિર થવું એ જ જીવનનું ધ્યેય હોવું જોઈએ. સર્વજ્ઞતા એટલે પરમ જ્ઞાન પ્રાપ્ત થવું અને સર્વ ભાવોથી તૃપ્ત જીવન એનું નામ સર્વજ્ઞતા છે. આને પ્રાપ્ત કરવા આત્મમંથન કરો અને આત્મજ્ઞાનમાં સ્થિર થાવ અને સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાન, સમ્યક જીવન, સમ્યક ચરિત્ર, સમ્યક સંકલ્પ, સમ્યક સત્ય સ્વરૂપ પુરુષાર્થ કરી જીવન આત્મિક સત્ય સ્વરૂપ જીવો એ જ સત્ય ધર્મનું અનુસરણ છે, આચરણ છે.
– તત્ત્વચિંતક વી પટેલ

Most Popular

To Top