Columns

સમર્પણ એટલે અહંકારનું વિસર્જન

તો આપણે શું કરવાનું છે ?
આપણે પ્રકૃતિના રાજ્યમાંથી પ્રભુના રાજ્યમાં આવી જવાનું છે. આમ બને તો જ આપણે પરમાત્માના પરમ મંગલમય વિધાનના વિશુદ્ધ ક્ષેત્રમાં પહોંચી જઈએ છીએ, ભાગવત ચેતનાના સીધા આદેશ પ્રમાણે જીવીએ છીએ. ભાગવત સંકલ્પ પ્રકૃતિ દ્વારા નહીં, પરંતુ પોતાના વિશુદ્ધ સ્વરૂપે આપણાં જીવનમાં કાર્યરત બને તેવી પરિસ્થિતિનું નિર્માણ ત્યારે જ થાય, જ્યારે આપણે આપણા પ્રાકૃતિક વ્યક્તિગત કતૃત્વ અને ભોફ્તત્ત્વમાંથી મુક્ત થઈને આપણાં જીવનમાં વિશુદ્ધ ભાગવત સંકલ્પના વિધાનને સર્વભાવે સ્વીકારી લઈએ.

હા, પરંતુ તેમ બને કેવી રીતે ? તેમ બને તે માટે આપણે શું કરવાનું છે? તે માટે આપણે કરવાનું છે –
ભગવાનને સર્વભાવે સંપૂર્ણ સમર્પણ. સમર્પણ એટલે શું ? સમર્પણ એટલે અહંકારનું વિસર્જન. સમર્પણ એટલે વ્યક્તિગત ઇચ્છાઓને ભાગવત સંકલ્પમાં વિલીન કરી દેવી. સમર્પણ એટલે પોતાની જાત ભગવાનને સોંપી દેવી.
સમર્પણ એટલે પોતાની અંગત અહંકારી ચેતનાનું ભાગવત ચેતનામાં વિલીન થવાની મહાન ઘટના.
સમર્પણ એટલે પોતાની એષણાઓ, પોતાના સંકલ્પો, પોતાનાં આયોજનો, પોતાની મહત્ત્વાકાંક્ષાઓ, પોતાની ધારણાઓ, પોતાની રૂચિ-અરૂચિ તથા ગમાઅણગમા, પોતાના આદર્શો-સિદ્ધાંતો આદિ સર્વ ભગવાનનાં ચરણોમાં વિલીન કરીને ભગવાનના વિશુદ્ધ કરણ બનવું. સમર્પણ એટલે પોતાની જાત અને પોતાનું જે છે તે સર્વ ભગવાનને આપી દેવું. . સમર્પણ એટલે ભગવાનની ઇચ્છા પ્રમાણે જીવવાની કળા. સમર્પણ એટલે અંશનું અંશી સાથે તદાકાર થવું.

સમર્પણ માત્ર માન્યતા નથી, સમર્પણ માત્ર શબ્દ નથી, સમર્પણ માત્ર કલ્પના કે વિચાર નથી. હું સમર્પિત થયો છું તેમ બોલવાથી કે તેમ માનવાથી પણ સમર્પણ સિદ્ધ થતું નથી. સમર્પણ પરમ ક્રાંતિની ઘટના છે, જે સાધકના જીવનમાં આમૂલાગ્ર રૂપાંતર સાધે છે.

આવું યથાર્થ સમર્પણ સિદ્ધ થાય કેવી રીતે ? સમર્પણની વિકાસયાત્રાનું સ્વરૂપ કેવું છે ?
સમર્પણની વિકાસયાત્રાનાં ત્રણ સોપાનો છે : (i) સૌથી પહેલાં તો સાધક એમ સમજે છે કે પોતે ભગવાનનો છે અને પોતાની જાત ભગવાનને સોંપી દેવી, અર્પિત કરી દેવી તે જ પરમ કૃતાર્થતા છે. ભાગવત જીવનની પ્રાપ્તિ, ભાગવત ચેતનામાં જીવવું તે જ જીવનનું યથાર્થ પ્રાપ્તવ્ય છે અને તે અવસ્થાની પ્રાપ્તિ પોતાની જાત ભગવાનને સોંપીને જ થઈ શકે છે – આવી સ્પષ્ટ રામજથી સાધક ભાગવત જીવન માટે આતુર થાય છે, ભગવાન પ્રત્યે ખેંચાણ અનુભવે છે. સાધક વિચારપૂર્વક, ભાવપૂર્વક કે બંનેના સમયપૂર્વક ભગવાનને સમર્પિત થવાનો સંકલ્પ કરે છે.

આ સંકલ્પ દ્વારા સાધક પોતાની જાતને ભગવાન સાથે જોડે છે. ભગવાનનું વચન છે કે જે ભગવાનને સમર્પિત થવાનો સંકલ્પ કરે છે, તેનો ભગવાન અચૂક સ્વીકાર કરે છે. જે એક વાર પણ સચ્ચાઈપૂર્વક એમ કહે છે : “હે પ્રભુ ! હું તારા શરણે છું’ તેનો હાથ ભગવાન અચૂક ગ્રહણ કરે છે અને તે જેનો હાથ ગ્રહણ કરે છે તેને તે છોડતો નથી. ભગવાને વચન આપ્યું છે :
सकृदैव प्रपन्नाय तवास्मीति च याचते ।
अभयं सर्वभूतेभ्यो ददाम्येतद् व्रतं मम ।।

વાલ્મીકિ રામાયણ : યુદ્ધકાંડ : – 1 – 33
“મારે શરણે આવનાર અને માત્ર એક વાર “હું તારો છું’ એવી યાચના કરનારને હું સર્વ ભૂતોથી અભય આપું છું. આ મારું વ્રત છે.” સમર્પણનો સંકલ્પ તે સમર્પણની અંતિમ અવસ્થા નથી, તે સમર્પણનો પ્રારંભ છે. સમર્પણની આ અવસ્થા બીજ છે અને તેને વૃક્ષ બનવાનું હજુ બાકી છે. સમર્પણનો આ સંકલ્પ તેની પરિપૂર્ણ અવસ્થાએ પહોંચે તે માટે તેને ઘણી યાત્રા કરવાની હોય છે. (i) સમર્પણનો કેન્દ્રસ્થ અને પ્રામાણિક સંકલ્પ કર્યા પછી સાધક ક્ષણેક્ષણે સમર્પિત જીવન જીવવાનો જાગૃત અભ્યાસ કરે છે. સાધક પોતાનાં વિચારો, વર્તન, કમ – સઘળું ભગવાનને સમર્પિત કરતા રહેવાનો જાગૃત પ્રયત્ન કરતો રહે છે. સમર્પણનો સંકલ્પ એ તો માત્ર કેન્દ્રસ્થ ચેતનામાં પ્રારંભ પામેલા સમર્પણનો એક તણખો છે. આ સમર્પણ સમગ્ર વ્યક્તિત્વમાં, ચેતનાના બધા સ્તરોમાં વ્યાપી જાય તે લાંબી સાધના છે. સર્વાગસંપૂર્ણ સિદ્ધ થવું તે એકાદ સપ્તાહનો સરલ અભ્યાસક્રમ નથી. તે બહુ મોટી ઘટના છે અને તેથી દીર્ઘકાલીન સાધના છે.

સમર્પણની આ વિકાસયાત્રા દરમિયાન સાધક જપ, પ્રાણાયામ, ધ્યાન, પૂજા, સ્વાધ્યાય, સત્સંગ આદિ સાધનાનો ક્રમ તો ચાલુ જ રાખશે. આ અવસ્થા દરમિયાન “મેં તો બધું જ સમર્પિત કરી દીધું, મારે કશું જ કરવાની જરૂર નથી” એમ માનીને સમર્પણ સાધનાહીન નહીં રહે, કારણ કે સમર્પણના નામે સાધનામાં શૈથિલ્ય કરવું તે આત્મઘાતક મનોવલણ છે. સાધક આ અવસ્થા દરમિયાન સાધનપરાયણ જીવન જીવે છે. સતત જાગૃતિપૂર્વક સમર્પણ કરતો રહે છે. ધીમેધીમે તેનું સમર્પણ ઊંડું, સાચું અને વ્યાપક બનતું જાય છે.
-ભાણદેવ

Most Popular

To Top