Columns

પ્રકૃતિ અને સનાતન ધર્મ

લેખાંક-૧:
ફક્ત ભારતના નહિ પરંતુ દુનિયાભરના, આપણા સુરત શહેર જેવા કે અન્ય કોઈપણ વિકાસ પામતા અથવા વિકસિત શહેરોમાં આજે એક જ ફરિયાદ છે, કે શહેરો રહેવા લાયક નથી રહ્યા. આ પૃથ્વી રહેવા લાયક નથી રહી. આડેધડ ચાલતા વિકાસ કામો, માટી અને ખનીજ નું ખનન, કચરાને જમીનમાં દાટવાની પ્રક્રિયા, રસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગ, ભૂગર્ભ જળસ્તરની ચિંતાજનક ઘટતી સપાટીથી કુવા અને બોરિંગમાં જળસ્તર ખુબ નીચે ઉતરી જવા, તળાવો અને જળાશયોનું પુરાણ, નદીઓમાં પ્રદુષણ, કાદવ, કચરો, ફૂલ-હાર ના ઢગલા, કારખાના દ્વારા ઉત્પન્ન થતા ધુમાડા, ઝેરી રસાયણો હવામાં છોડવાથી થતું વાયુ પ્રદુષણ, વાહનોના ધુમાડા, કચરો બળવાથી થતા ધુમાડા, જંગલોનો ઘટતો વ્યાપ, ઝેરી વાયુના ઉપયોગથી ઓઝોન નું ઘટતું પ્રમાણ વગેરે વગેરે અનેક પરિબળો પર્યાવરણને ગંભીર રીતે નુકસાન કરી રહ્યા છે. ઉપર જણાવેલા દાખલા ખુબ સીમિત છે. પર્યાવરણવાદીઓની અને કુદરત ને ઝંખતા લોકોની હૈયાવરાળ સાંભળીએ તો આપણી આવતી પેઢી આ વાતાવરણમાં કેવી રીતે ટકી શકશે એ પ્રશ્ન આપણને હમેશા મૂંઝવી રહ્યો છે..

અહી આપણે પર્યાવરણ પર નિબંધ નથી લખવો, પરંતુ પહેલા આ પર્યાવરણ શબ્દને સમજવો છે. પર્યાવરણ ની સંધિ છૂટી પાડીએ તો પરિ + આવરણ. એટલે કે આપણી પૃથ્વીની ગોળાકાર ફરતે લપેટાયેલું આવરણ. જેને આપણે વાતાવરણ તરીકે પણ ઓળખીએ છીએ. આ આપણું વાતાવરણ એ પ્રકૃતિની દેન છે, અને પ્રકૃતિ એ પરમાત્માની એક અભિવ્યક્તિ છે. ત્યારે આપણે આપણી જાતને સવાલો પૂછીએ કે શું આપણને પરમાત્માની અભિવ્યક્તિ રૂપ પ્રકૃતિએ પહેલેથી જ આવી વ્યવસ્થા સોંપી છે? આકાશ, અગ્નિ, પૃથ્વી, જળ અને વાયુ એ પ્રકૃતિ દ્વારા નિર્મિત પાંચ મુખ્ય તત્વો છે, જેને આપણે પંચમહાભૂત તરીકે પણ ઓળખીએ છીએ, તો તેને પ્રદુષિત કરવાનો હક્ક આપણને કોણે આપ્યો? આપણા ઘરમાં પ્રદુષણને આપણે ચલાવી લઈએ છીએ? તો પછી પરમાત્માના કાર્યરચનારૂપી ઘરને આપણે દુષિત કેવી રીતે રાખી શકીએ? માની લીધું કે વિકાસ ખુબ જરૂરી છે.

વિકાસ વગર માનવી આજે પણ પથ્થર યુગમાં જીવતો હોત. માન્યું કે માનવીને ઉપયોગી જુદી જીદી વસ્તુઓના ઉત્પાદન માટે કારખાના જરૂરી છે, જેના વગર માનવી સભ્યતા નહિ શીખ્યો હોત. પરંતુ શું પર્યાવરણના ભોગે આ બધું યોગ્ય છે? ફક્ત પર્યાવરણવાદીઓ જ નહિ પરંતુ સરકાર પણ આ બાબતે ચિંતિત છે. સરકારનું કામ છે કોઈપણ સમસ્યાઓ માટે નવા ખાતા બનાવવા અને અમલદારોની નિમણૂક કરીને સરકારી જવાબદારી પૂરી કરવાની. પરંતુ આનું પરિણામ મહદઅંશે અમલદારો અને અધિકારીઓની કાર્ય પધ્ધતિ, વિષય પ્રત્યેનું ઊંડું જ્ઞાન, ઝીણવટભરી દ્રષ્ટિ, કામ પ્રત્યેની નિષ્ઠા અને સરકારી પગારમાંથી ગુજરાન ચલાવવાનો સંતોષ જેવા અનેક પરિબળો પર આધાર રાખે છે. દરેક યોજનાઓના અંતે જયારે કોઈ સમસ્યા કાબુબહાર હોય ત્યારે અનેક સવાલો થાય એ સ્વાભાવિક છે.

ફક્ત સરકારી અમલદારો નહિ, સામાન્ય માનવી તરીકે આપણે કેટલા ચિંતિત છીએ? પરમાત્માએ પોતાની અભિવ્યક્તિ રૂપ ભૌતિક પ્રકૃતિનું કેટલું સરસ નિર્માણ કર્યું છે? શુદ્ધ અને સ્વચ્છ આકાશ, આકાશમાં ટમટમતા તારાઓ. ચંદ્ર, સૂર્ય, પ્રાણવાયુથી ભરપુર હવા, નિયમિત સુર્યપ્રકાશ કે જે દરેકને ખોરાક પૂરો પડે છે, જેમાં અગ્નિ છુપાયેલ છે તેવા તૈલી પદાર્થો, લીલીછમ ધરતી, ખનીજો, ખડખડ વહેતી નદીઓ, અફાટ સમુદ્ર, વાતાવરણ થી આપણી રક્ષા કરતા પહાડો વગેરે અનેક ભેટ આપી છે. શું આપણે કુદરતી આ બક્ષીસ નો ન્યાયિક ઉપયોગ ( JUDICIOUS USE ) કર્યો છે? જી નહિ. તો પછી પરિણામ કોણે ભોગવવાનું છે? અંતે આ સમસ્યાનો ભોગ તો આપણે જ બનવાનું છે ને?

આપણી જાતને એક ગંભીર સવાલ પૂછીએ કે આપણે સવારથી ઉઠીને રાત્રે સુઈ જઈએ ત્યાંસુધી હરરોજ ના વપરાશમાં જે જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તેમાં આપણી પોતાની કેટલી? મને એક એવી વસ્તુ બતાવો કે જે માનવીની પોતાની હોય? હકીકત એ છે કે આ દરેક વસ્તુઓના મૂળ ઘટક કે કાચો માલ આપણને પ્રકૃતિ પુરા પડે છે. પરમાત્માએ મનુષ્યને પોતાના જીવન નિર્વાહ માટે જે બુદ્ધિ આપી છે તેના ઉપયોગ દ્વારા માનવી ફક્ત આ કાચામાલનો ઉપયોગ કરી રૂપાંતરણ કરે છે અને પોતાને ઉપયોગી બનાવે છે. અને વિચિત્ર વાત એ છે કે આ વાતને મનુષ્ય સમજતો નથી. ‘અમે આ બધું બનાવ્યું’ની વ્યાપક ગેરસમજ લઈને ફરે છે.

આ પરીસ્થિતિમાં પરમાત્માને સમજવાનો કે પરમાત્માની અભિવ્યક્તિ સ્વરૂપ પ્રકૃતિ ને સમજવાનો પ્રયત્ન મનુષ્ય કરી શકતો નથી. ચિંતાજનક વાત તો એ છે કે વિવિધ સંપ્રદાયો, પંથો વગેરે કે જેની જવાબદારી ધર્મને સમજાવવાની છે, પ્રકૃતિને સમજાવવાની છે, તેઓ પણ તેમનું ઉત્તરદાયિત્વ નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે, તેઓને પણ પોતાના ધ્યેયની અથવાતો પોતાના ધર્મની ખબર જ નથી તેવી પ્રતીતિ થઇ રહી છે, કારણકે પંથોના વડાઓ પોતાને જ ધર્મ અને ઈશ્વર માનવાની ભૂલ કરી રહ્યા છે.

જે દિવસે પરમાત્મા, પરમાત્માની અભિવ્યક્તિ રૂપ રચનાઓ, તેને સાચવવાનું આપણું કર્તવ્ય, આ બધી સમજણ મનુષ્યમાં આવશે તે દિવસ ચોક્કસપણે આ પૃથ્વી માટે સુવર્ણમય હશે. વિકાસની હરણફાળ એટલે દૂર દૂર ના ભવિષ્યનો વિચાર, આવી રહેલા બદલાતા સમયમાં આપણી ભૌતિક જરૂરિયાતો શું હશે ? તેનો વિચાર. પંખી (વિહંગ) આકાશમાં ઉડે ત્યારે તે દૂર દૂર સુધી નજર નાખતું હોય છે. જેને આપણે વિહંગાવલોકન ( PERSPECTIVE VIEW) કહીએ છીએ. હરણફાળ વિકાસને પ્રોત્સાહન આપવામાં આ વિહંગાવલોકન આપણે શીખ્યા છીએ, પરંતુ સાથે જ પાછળ જોવાની પ્રક્રિયા અને તેને અનુસરવાની પદ્ધતિ એટલે કે સિંહાવલોકન ( RETROSPECTIVE VIEW) આપણે ભૂલી ગયા છીએ.

અને આ સિંહાવલોકન એટલે જ આપણા ધર્મ પુસ્તકોમાં વર્ણવેલ પ્રકૃતિને સમજવાની પ્રક્રિયા. પ્રકૃતિ શું છે? પ્રકૃતિના કેટલા પ્રકાર છે? સનાતન ધર્મ શું છે? સનાતન ધર્મમાં પ્રકૃતિ ને કઈ રીતે વર્ણવી છે? પ્રકૃતિ એ પરમાત્માની અભિવ્યક્તિ કઈ રીતે છે? પ્રકૃતિનો ન્યાયિક ઉપયોગ કઈ રીતે કરી શકીએ? શું આપણો સનાતન ધર્મ એમાં મદદરૂપ થઇ શકે? સનાતન ધર્મમાં દર્શાવેલ કઈ સમજણ આપણને પ્રકૃતિને દુષિત થતી બચાવવામાં અથવા તો દુષિત થઇ હોય તો તેને ફરી ઉપયોગી બનાવવામાં સહાયભૂત થાય? આ બધા સવાલોને ધર્મ પુસ્તકોના અધ્યયન દ્વારા સમજવાની પ્રક્રિયા એટલે સિંહાવલોકન. હમેશા યાદ રાખીએ કે પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે. પરમાત્માની અભિવ્યક્તિ રૂપ પ્રકૃતિને, પ્રકૃતિના પ્રકારોને અને અહીં દર્શાવેલા સવાલોને સનાતન ધર્મના માધ્યમ દ્વારા આવતા અંકોમાં સમજવાનો પ્રયત્ન કરીશું….
ક્રમશ:

Most Popular

To Top