Columns

દયા અને દાન

હૃદય વગરનો માણસ આ ધરતી પરનો નિર્ધન માનવી છે. પ્રેમભીનું હૃદય જેની પાસે છે એ માનવી જ દયામય હોય, દયામય માનવી જ સાચા અર્થમાં સંપત્તિવાન હોઈ શકે. સોનાની સમૃદ્ધિ સામાન્ય માનવી પાસે પણ હોઈ શકે પણ સ્નેહની સમૃદ્ધિ તો દયામય માનવી પાસે જ સંભવી શકે. દયા વગરની મહાનતા હોય શકે જ નહિ. જેની પાસે દયા નથી એને જ ક્લેશ થાય છે. ક્લેશ અને દ્વેષ તો જીવનના ઝેર છે જાણી જોઈને એવા ઝેરના ઘૂંટડા પીવાનો શો અર્થ? દયા અને દાન આમ જોઈએ તો એક સિક્કાની બે બાજુ સમાન છે. દાન તો આપણો ધર્મ છે. જીવન સત્વનો છેડો ખોઈ બેસનાર વ્યક્તિ, કુબેરના ખજાનાનો માલિક બનીને પણ કોઈને કશું આપી શકતો નથી. જયારે સ્નેહનો – હૃદયનો કુબેર એવો નિર્ધન માનવી હાથ લંબાવવામાં ક્યારેય કંજૂસ બની શકતો નથી. આમાં તો આપનાર અને લેનાર અર્થાત્ દાનવીર અને દયામય બંનેના હર્ષનો સરવાળો થવો જોઈએ. વળી આપણે એમ માનીએ છીએ કે દાન તો સંપત્તિનું જ હોય, પણ એવું નથી. શ્રમ દાન કે વસ્તુના દાનનું મૂલ્ય પણ અનેકગણું છે. સમયનું દાન પણ મૂલ્યવાન છે.

મનુષ્યરૂપે જન્મીને જો માણસ હૃદય ગીરવે મૂકી આવે તો એનો મનુષ્ય જન્મ નિરર્થક છે. દયાહીન સમાન છે. દાનની પ્રથા દયાના સ્ત્રોતમાંથી જન્મી છે, જેમ પ્રેમ આપવાથી માણસ નિર્ધન નથી બનતો, તેમ દાન આપવાથી પણ ગરીબ નથી બની જતો. પ્રેમ હૃદયના અક્ષયપાત્રમાં વસે છે, તો દાનની વૃત્તિ પણ ત્યાં જ રહેલી હોય છે. જે અપેક્ષા વિના જ કંઈ આપે છે તે જ દાન છે. ઈશ્વર હવામાં સતત પ્રાણવાયુ વહેતો રાખે છે છતાં કહેતો નથી કે તેના બદલામાં તમે શું આપશો? કેટલાક વૃક્ષો જ એવા હોય છે જે બીજાને માટે શિતળ છાંયડો બની જાય છે.

કેટલાક સજ્જનો જ એવા ઉદાર હોય છે જે બીજાને માટે છાંયડો બની જાય. એવા મનુષ્યો ખરાબ સમયમાં પણ પોતાનો ધર્મ ચૂકતા નથી. દાનમાં પાપ અને પુણ્ય ગૌણ છે. દાન આપતી વખતે એવી સંકુચિત દૃષ્ટિ દાનના મહિમાને ઓછો કરે છે અને જે વ્યક્તિ આપવામાં માને છે, એનું કદી ઓછું થતું નથી, એનો ભંડારો શિવ ભોલાનાથ સદાયે ભરપૂર રાખે છે. જેઓ માત્ર સ્વ-સ્વાર્થના કોશેટામાં જીવે છે, તેઓ ગમે તેટલી સંપત્તિના માલિક હોય, તો પણ એ સંપત્તિના તેઓ પોતે જ નાશકર્તા બને છે, એની તેમને ખબર નથી. દાનનો આનંદ સર્વ આનંદોથી શ્રેષ્ઠ છે. એ એક પ્રકારનો આધ્યાત્મિક આનંદ છે.

કંજૂસ માનવીનું ધન એ ભીખનું છે–કારણ કે તે તેમણે માત્ર પોતાના માટે સંગ્રહ કર્યું છે. દયામય માનવીના અંતરમાં જ સ્નેહની સૌરભ છે. તે પોતાના માટે નહીં જીવે, સૌને માટે જીવશે, અને એવો માનવી વારંવાર જન્મ લેવો પડે તો તેનો પણ આનંદ મનાવશે. મૃદુ હૈયાવાળો માનવી જ દયાળુ બની શકે છે. એ અણીના સમયે ઉપકાર કરે છે, કસોટીની પળે ક્ષમા કરે છે. દાન દરેક માનવી નથી આપી શકતો. જેના હૃદયની ક્ષિતિજ વ્યાપક છે, એજ માનવી પોતાની હૂંફને હજારો હૃદય સુધી લંબાવી શકે છે, એવો માનવી પોતાની પાસે કશું નહીં હોય ત્યારે પણ સાચું આશ્વસન આપશે.

પોતાના શરીર અને મનથી શક્ય એટલી બધી મદદ કરશે. આમ દાન કોઈ વ્યક્તિગત ક્રિયા નથી, કે સ્વાર્થ સાધવાનું સાધન નથી, પણ આત્માની ઉન્નતિના દ્વાર પોતાના હસ્તે ખોલવાનું આધ્યાત્મિક સાધન છે. જે વ્યક્તિ નિઃસ્વાર્થભાવે જળ વરસાવતા વાદળોને યાદ કરશે, કંઈ લીધા વિના ફળ આપતાં વૃક્ષોને યાદ કરશે. જગતને જીવાડતા, પ્રકાશ પાથરતા સૂર્યને યાદ કરશે, જે જગતનિયંતા પ્રભુને યાદ કરશે તે જ દાનનો મહિમા સહેલાઈથી સમજી શકશે.

દયામય માનવી અપમાનને વિસરી જઈને ઉદાર ભાવવાળો બને છે અને ઋણનો ભાવ રાખ્યા વિના મદદનું સૌજન્ય દાખવે એવા માનવીઓ વર્તમાન સમયમાં બહુ જોવા મળતાં નથી. હજારોમાં એક માનવી અલ્પ સંખ્યામાં જોવામાં આવે છે.
મિત્રો, આપણે એવા અલ્પ સંખ્યામાં આવતા દયામય માનવીની હરોળમાં આવવા પુરુષાર્થ કરીએ, એવા ગુણવાન બની, અન્યને માટે પ્રેરણાસ્રોત બનીએ એવી શુભભાવના અને શુભકામના સાથે.. ઓમ્ શાંતિ…

Most Popular

To Top