Gujarat

મોરબી દુર્ઘટના: PM મોદીએ કહ્યું -‘ હું ભલે એકતાનગરમાં હોઉ પણ મારૂ મન મોરબીના પીડિતો પાસે છે’

અમદાવાદ: મોરબીમાં (Morbi) ઝૂલતો પુલ (Julta Pull) તૂટતાં 400 જેટલા મચ્છુ નદીમાં (Machhu River) ખાબકી પડ્યા હતા. 8 કલાક બાદ પણ રેસ્ક્યું ઓપરેશન (Rescue Operation) કરવામાં આવી રહ્યું છે. જેમ જેમ સમય વધતો જાય છે તેમ તેમ મોતના આંકડામાં પણ વધારો થતો જાય છે. અત્યાર સુધીમાં 30થી વધુ બાળકો સહિત 141 જેટલા મૃતદેહ બહાર કઢાયા છે. છેલ્લા 8 કલાકથી નેવી-એરફોર્મ-આર્મી સહિતની એજન્સીઓ કામે લાગી છે. બીજી તરફ મોરબી અને રાજકોટની હોસ્પિટલો ઇજાગ્રસ્તોથી ઉભરાઇ છે. કચ્છ, રાજકોટ, જામનગર અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાથી અનેક NDRFની ટીમો અને અનેક જિલ્લાના તરવૈયા બચાવ કામગીરી કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે. દેશ આજે એટલે કે 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. 2014 થી, આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે સતત ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના પ્રથમ ગૃહમંત્રી, સરદાર પટેલને આદર આપવા માટે તેમની જન્મજયંતિ પર ઉજવવામાં આવે છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા. તેમણે ત્યાં કાર્યક્રમને પણ સંબોધિત કર્યો હતો અને સૌપ્રથમ મોરબી અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. મોરબી દુર્ઘટના પર પીએમ મોદીએ શોક વ્યક્ત કરતા સહાયની જાહેરાત કરી છે. કેવડિયા ખાતેથી પીએમ મોદીએ કહ્યું કે ભલે હું એકતાનગરમાં હોઉ પણ મારૂ મન મોરબીના પીડિતો પાસે છે. પીએમ મોદીએ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

મોરબી અકસ્માત પર ભાવુક થયા પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે હું ચોક્કસ અહીં હાજર છું, પરંતુ મારું મન મોરબીમાં છે. પીએમ મોદીએ મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પીએમે ભારપૂર્વક જણાવ્યું હતું કે એક તરફ શોક, બીજી તરફ કર્તવ્ય. વડાપ્રધાને જણાવ્યું કે મોરબી અકસ્માત બાદથી ગુજરાત સરકાર દ્વારા સતત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કેન્દ્ર તરફથી પણ શક્ય તમામ મદદ આપવામાં આવી રહી છે.

દેશની એકતા પર ગર્વ છે: પીએમ મોદી
તેમના સંબોધન દરમિયાન, પીએમએ રાષ્ટ્રીય એકતા દિવસ પર પણ વિગતવાર વાત કરી. તેમના તરફથી કહેવામાં આવ્યું કે આ અમારા માટે માત્ર એક દિવસ નથી. તે દેશમાં એકતાનું સૌથી મોટું પ્રતીક છે. આજે આખો દેશ એક થઈને દરેકની મદદ કરી રહ્યો છે. મોરબી અકસ્માત બાદ સૌ મદદ માટે આગળ આવ્યા હતા. આ એકતાની શક્તિ છે.

કોરોનાના સમયગાળા દરમિયાન પણ જે રીતે દરેકને મદદ કરવામાં આવી, તે પણ એકતાનું ઉદાહરણ છે. માહિતી માટે તમને જણાવી દઈએ કે આ વર્ષે પણ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ગુજરાતના કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડમાં BSF ઉપરાંત હરિયાણા, મધ્યપ્રદેશ, તેલંગાણા, ઓડિશા અને ત્રિપુરાના રાજ્ય પોલીસ દળોએ પણ ભાગ લીધો છે.

આ વખતે ખાસ શું હતું?
આ કાર્યક્રમની વિશેષતા એ આદિવાસી બાળકોનું બેન્ડ હતું જેઓ અગાઉ અંબાજી મંદિરની બહાર ભીખ માગતા હતા. જ્યારે પીએમ મોદી પણ ગત મહિનામાં અંબાજી આવ્યા હતા ત્યારે તેમણે પણ આ બાળકો સાથે વાત કરી હતી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. હવે આ જ બાળકોએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પીએમની સામે પોતાની કલાનું પ્રદર્શન કર્યું. આ ઉપરાંત એનસીસી દ્વારા આ પરેડમાં ‘અમે એક છીએ, અમે શ્રેષ્ઠ છીએ’ થીમ પર પ્રેઝન્ટેશન પણ બતાવવામાં આવ્યું હતું.

Most Popular

To Top