Columns

જય હો જય હો ભેંસપુરાણ!

‘આ તો ફ્ક્ત આપણા જ દેશમાં – ભારતમાં જ શક્ય છે!’ એવું કહેવું પડે એવા કિસ્સા આપણે ત્યાં અવારનવાર બનતા રહે છે ને છાપે પણ ચડે છે. યોગીજીની સરકાર સત્તા પર આવી એ પહેલાં મુલાયમપુત્ર અખિલેશની સરકાર હતી. એ વખતે એમના એક મહા ભારાડી મંત્રી અઝમખાનની 7 ભેંસ ગમાણમાંથી ગુમ થઈ ગઈ. મિનિસ્ટરની માનીતી ભેંસોનું ઝુંડ આ રીતે ગાયબ થઈ જાય તે કેમ ચાલે? ઉત્તર પ્રદેશનું પોલીસદળ અપરાધીઓને શોધવાનું પડતું મૂકીને લાપતા ભેંસોનો પત્તો મેળવવામાં લાગી પડ્યું ને આખરે ભેંસોને શોધીને તબેલા ભેગી કરી ખરી. ઉત્તરપ્રદેશ અને બિહારમાં આ રીતે પશુ – પ્રાણી ચોરાય જાય પછી બારોબાર વેચાય જાય એ કંઈ નવી નવાઈની વાત નથી. આવું ત્યાં વર્ષોથી ચાલે છે.     

 

આ તાજેતરનો જ કિસ્સો લો…. ઉત્તર પ્રદેશના મેરઠ શહેર નજીકના અહમદગઢ ગામના એક ખેતમજૂરના ઘેરથી એક ભેંસનું બચ્ચું (પાડરું) ગુમ થઈ ગયું. તપાસ પછી પણ હાથ ન લાગ્યું એટલે એના માલિક ચંદ્રપાલે પોલીસ ફરિયાદ તો નોંધાવી પણ એ વખતે કોરોનાકાળ હોવાથી પૂરતી તપાસ ન થઈ શકી. હમણાં ચંદ્રપાલને ક્યાંકથી જાણ થઈ કે 2 વર્ષોથી એનું જે ભેંસનું બચ્ચું ગુમ થયું હતું એ તો પાડોશના ગામના કોઈ સબીર સિંહના તબેલામાં ઉછરી રહ્યું છે. સબીર સિંહે બચ્ચું આપવાનો ઈન્કાર કરી દીધો. એ કહે : ‘આ તો મેં પશુ હાટમાંથી ખરીદ્યું છે.’ ચંદ્રપાલે ફરી પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે પૂછ્યું : ‘એ બચ્ચું તારું જ છે એની ઓળખ તને કઈ રીતે થઈ?’ ચંદ્રપાલે કહ્યું : ‘મારી નજર સામે એ જન્મ્યું છે. એની કેટલીક જન્મજાત નિશાની હું જાણું છું.

જેમ કે એક તો એના ડાબા પગે કોઈ ઘાના નિશાન છે. એની પૂંછડીને છેડે એક સફેદ ડાઘ છે. ઉપરાંત એની નજીક હું જાઉં છું તો જેમ દરેક શ્વાન પોતાના માલિકને ઓળખીને એને ચાટવા લાગે તેમ આ બચ્ચું પણ મારા શરીરની ગંધ પારખી લઈ મને વહાલ કરવાની ચેષ્ટા કરે છે અને આ બધા કરતાં વિશેષ એ કે એની જન્મદાતા ભેંસ પણ હજુ મારી પાસે જ છે. એ બન્નેને આમને – સામને લઈ જઈને એમની પણ વર્તણૂક આપણે જોવી જોઈએ…. પોલીસને ફરિયાદી ચંદ્રપાલની વાતમાં વજૂદ લાગ્યું. પોલીસે વાછરડાની માલિકી માટે ચીલાચાલુ તપાસને બદલે વિજ્ઞાનની મદદ લઈ ભેંસ તેમ જ પેલા બચ્ચાની DNA ટેસ્ટ દ્વારા વંશજની પરખ કરવાનું નક્કી કર્યું છે.
જય હો વિજ્ઞાન!

કટિંગ – ચાય કી પાકિસ્તાની ચર્ચા…
આ સમાચાર સાંભળ્યા પછી હવે લાગે છે કે આપણા પરમ પાડોશી વત્તા દુશ્મન એવું પાકિસ્તાન ખરેખર આર્થિક કટોકટીમાં સપડાયું છે. વડા પ્રધાન તરીકે ઈમરાન ખાનની વિદાય પછીના શાસકોએ ઈમરાને એમના દેશની કરેલી કફોડી આર્થિક હાલત વર્ણવીને બધાને કરકસર કરવાનો પેગામ આપ્યો ને એના પ્રથમ કદમ રૂપે સરકારી દફતરોમાં ચાનો વપરાશ એકદમ ઘટાડવાનું ફરમાન કર્યું છે. હવે સરહદની આ પાર આપણે ત્યાં ચાના પીણાં પર લોકોની પસંદગી સૌ પહેલાં ઊતરે. જો કે એને સૌથી વધુ લોકપ્રિય બનાવ્યું વડા પ્રધાન નરેન્દ્રભાઈએ. વડા પ્રધાનપદે પહોંચતા પહેલાં ચાને ચર્ચાસ્પદ બનાવી. ચા વેચતા આમ આદમીને ખાસ આદમી બનાવ્યો. પછી તો ચૂંટાયા બાદ ‘ચા પે ચર્ચા’નો દૌર પણ શરૂ કરાવ્યો.…

આમ આ બન્ને પાડોશી દેશની આમ જનતા ચાની ચુસ્કીની ચહેતી હોવા છતાં પાકિસ્તાનમાં ચા પર આવું ચુસ્ત ફરમાન કેમ એ જાણવાની જિજ્ઞાસા થાય એ સહજ છે. પાકિસ્તાનમાં આપણી જેમ ‘ચાય પે ચર્ચા’ને બદલે ‘ચાય પે રેશન’નું મુખ્ય કારણ એ છે કે એ મુલ્ક માત્ર લશ્કરી સરમુખ્ત્યાર જ પોતાને ત્યાં પેદા કરે છે. બાકી મોટાભાગનું આયાત જ કરીને દેશ ચલાવે છે. વિશ્વમાં પાકિસ્તાન જ એવો દેશ છે, જે સૌથી વધુ ચા પત્તી આયાત કરે છે. એ આશરે દર વર્ષે 646 મિલિયન ડોલર એટલે કે 5042 કરોડ રૂપિયાની ચા ગટગટાવી જાય છે અને એટલે જ ત્યાંના શાસક પોતાની ચાની ચાહતવાળી અવામને હાથ જોડીને વિનંતી કરે છે કે ‘પ્લીઝ, રોજ માત્ર વધુમાં 2 જ કપ ચા પીવો!’   પાકિસ્તાનની નાણાંકીય ભીડ એવી સખત છે કે ત્યાંના એક મંત્રીએ તો ચાની રેકડીવાળાઓને પોતાની દુકાન સાંજના વહેલી બંધ કરવાની સલાહ આપી છે. જેથી લોકો ચા ઓછી પીવે. …એટલું નહીં ત્યાં ઈલેક્ટ્રિસિટીના પણ ધાંધિયા હોવાથી વીજળીની પણ બચત થાય….

ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ
‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ’ એવી ઉક્તિ આપણે સાંભળી છે પણ ક્યારેક ખુદા બીજાનું છાપરું પણ ફાડી નાખતો હોય છે. તાજેતરમાં નાગપુર નજીકના એક નગરમાં આવું થયું. ત્યાંની એક બૅન્કનું ATM મશીન અચાનક માગો એના કરતાં 5 ગણી વધુ રકમ આપવા માંડ્યું હતું.… 100 રૂપિયા લેવા ગયેલાને 500 ને 500 માંગવાવાળાને 2500 રૂપિયાની કડકડતી કરન્સી મળવા લાગી હતી. આ વાત દાવાનળની જેમ ફેલાતા ત્યાં ટોળાં ઉમટવા માંડ્યાં. …પોલીસે આવીને પેલું ATM કબજે લીધું. એ મશીનમાં 100 રૂપિયાની કેશ – ટ્રેમાં ભૂલથી 500ની કરન્સી મુકાઈ ગઈ હોવાથી, પેલું ATM દાનવીર કર્ણનો રોલ ભજવવા લાગેલું….
–  અમેરિકાના લોસ એન્જલિસ સિટીનું મૂળ પૂરું સ્પેનિસ નામ છે
‘Nuestra Senora La Reina de los Angeles de Porciunclu’
અર્થાત ‘પરીઓની મહારાણીનો દેશ’…

* ઈશિતાની એલચી *
પ્રશ્ન : ઘોર કળિયુગ એટલે…?
ઉત્તર : બધા યુધિષ્ઠિરો આંધળા થઈ જાય અને
બધા ધૃતરાષ્ટ્રો દેખતા થઈ જાય,એને કહેવાય ઘોર કળિયુગ…!

Most Popular

To Top