Gujarat

કોંગ્રેસ કાર્યાલય ખાતે કેક કાપીને જગદીશ ઠાકોર કોંગ્રેસ પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળ્યો

ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા કેટલાય સમયથી નવા નેતૃત્વને લઇને અનેક સવાલો ચાલી રહ્યા હતા. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાની જાહેરાત કરતાં જ કોંગ્રેસમાં નવો જોશ અને જુસ્સો આવી ગયો હોય તેમ લાગે છે. આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ કેક કાપીને પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉમટી પડ્યા હતા.

અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ભવન ખાતે યોજાયેલા પદગ્રહણ સમારંભમાં ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકરોમાં નવો જોશ અને જુસ્સો જણાતો હતો. ઉપસ્થિત કોંગ્રેસ કાર્યકરોમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જણાતી હતી. કોંગ્રેસ ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોએ ઢોલ, નગારા અને ફટાકડા ફોડીને કોંગ્રેસે નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનું સ્વાગત કરી, 2022માં કોંગ્રેસની સરકાર બનાવવા માટે સંકલ્પ લીધો હતો.

કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખના પદગ્રહણ સમારંભમાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ એક મંચ ઉપર જણાયા હતા. કોંગ્રેસ આગામી દિવસોમાં યુવા નેતા હાર્દિક પટેલ, દલિત નેતા જીગ્નેશ મેવાણી અને ઓબીસી નેતા તરીકે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના ચહેરા સાથે પ્રજા વચ્ચે જઈ ગુજરાતમાં 2022માં સરકાર બને તે માટે રણનીતિ તૈયાર કરી છે.

Most Popular

To Top