Editorial

કાયદાના શાસનમાં લોકોને વિશ્વાસ બેસે તે ખૂબ જરૂરી બાબત છે

દેશના ઉત્તર પૂર્વીય ભાગના સાત રાજ્યોમાંનુ એક રાજ્ય એવું મણિપુર છેલ્લા સાડા ત્રણેક મહિનાથી સળગી રહ્યું છે. ત્રીજી મેના રોજ ત્યાંના કૂકી આદિવાસીઓએ એક આદિવાસી એકતા રેલી કાઢી. મણિપુરનો બહુમતિ મૈતેઇ સમાજ પણ પોતાને  અનુસૂચિત જનજાતિમાં સમાવિષ્ટ કરવા માટે માગણી કરી રહ્યો હતો તેના વિરોધમાં આ રેલી કાઢવામાં આવી હતી. આ રેલી પછી તોફાનો ફાટ્યા. અને ધીમે ધીમે મૈતેઇ અને કૂકી સમુદાયો વચ્ચેના રમખાણોએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું અને ભયંકર  હિંસાખોરી થવા માંડી. મિલકતોને આગચંપી અને હત્યાઓના અહેવાલો આવવા માંડ્યા. પરંતુ કદાચ ઘણી માહિતી મણિપુરની બહાર આવતી ન હતી. ઇન્ટરનેટ બંધ હોવું એ પણ કદાચ મહત્વનું કારણ હતું.

ગયા મહિને ૧૯મી તારીખે એક  વીડિયો બહાર આવ્યો અને તેણે દેશભરમાં ખળભળાટ મચાવી દીધો. વીડિયો મુજબ બે મહિલાઓને જાહેરમાં નગ્ન કરીને ફેરવવામાં આવી હતી અને તેમની સાથે જાતીય દુરાચાર કરવામાં આવ્યો હતો. બનાવો તો મે મહિનાનો હતો પણ તેન  વિગત ઘણી મોડી બહાર આવી અને તેનાથી ચકચાર મચી ગઇ. સંસદના ચોમાસુ સત્રમાં પણ મણિપુરનો મુદ્દો છવાયેલો રહ્યો છે અને સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલે સુનાવણી ચાલી રહી છે છેલ્લા કેટલાક દિવસથી મણિપુરની બાબતમાં સખત  અભિગમ અપનાવી રહેલી સુપ્રીમ કોર્ટે સોમવારે મણિપુરની બાબતમાં કેટલાક મહત્વના પગલાઓ ભર્યા. તેણે હિંસાથી ઉઝરડાયેલા મણિપુરને રાહત આપવા માટેના કાર્ય પર દેખરેખ માટે તમામ મહિલાઓ એવા ભૂતપૂર્વ જજોની ત્રણ સભ્યોની  સમિતિ નીમી તો બીજી બાજુ હિંસાના કેસોની તપાસ માટે પણ ખાસ પગલાઓ જાહેર કર્યા.

મણિપુરમાં રાહત અને પુનર્વસનની કામગીરી હવે ખૂબ જરૂરી અને મહત્વની છે એ જોતા સુપ્રીમ કોર્ટે આ કામગીરી પર દેખરેખ રાખવા ત્રણ હાઇકોર્ટોના ત્રણ ભૂતપૂર્વ જજોની એક સમિતિ બનાવી, આ ત્રણેય ભૂતપુર્વ જજો મહિલાઓ છે. આ  ઉપરાંત હિંસાને લગતા કેસોની તપાસ પણ વિશ્વસનીય બની રહે તે માટે સર્વોચ્ચ અદાલતે વિવિધ નિર્ણયો જાહેર કર્યા છે. પોતાના પ્રયાસો આ હિંસાગ્રસ્ત રાજ્યમાં લોકોનો વિશ્વાસ કાયદાના શાસનમાં ફરી સ્થાપિત કરવાનો છે એમ કહેતા  સર્વોચ્ચ અદાલતે ત્યાંની કુલ એકંદર પરિસ્થિતિ પર દેખરેખ રાખવાનો પણ નિર્ણય કર્યો હતો.

અદાલતે જણાવ્યું હતું કે ત્રણ સભ્યોની સમિતિ પોતાના અહેવાલો સુધી આ અદાલતને આપશે. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની  બેન્ચે એ અહેવાલોની નોંધ લીધી હતી કે આ રાજ્ય અંધાધૂંધીમાં વધુ ઉંડુ ધકેલાતું જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે મણિપુરમાં હજારો લોકો વિસ્થાપિત બન્યા છે અને વ્યાપક નુકસાન થયું છે આવા સંજોગોમાં ત્યાં હવે રાહત અને પુનર્વસનની કામગીરી યોગ્ય રીતે થાય તે ખૂબ જરૂરી છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે મણિપુરમાં રાહત અને  પુનર્વસનની કામગીરી પર દેખરેખ રાખવા માટે હાઇકોર્ટોના જે ત્રણ ભૂતપૂર્વ મહિલા જજોની સમિતિ નિમાશે તેના વડા તરીકે જમ્મુ અને કાશ્મીર હાઇકોર્ટનના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ગીત મિત્તલ રહેશે.

આ ઉપરાંત આ સમિતિમાં બોમ્બે  હાઇકોર્ટના ભૂતપૂર્વ જજ શાલીની પી. જોષી અને દિલ્હી હાઇકોર્ટના ભૂતપૂર્વ જજ આશા મોહન હશે. મણિપુરમાં મહિલાઓ હિંસાની વ્યાપક ભોગ બની છે તે જોઇને જ કદાચ સુપ્રીમ કોર્ટે આ સમિતિના તમામ સભ્યો તરીકે મહિલાઓને જ નીમી  છે. હિંસાના કેસો અંગે પણ સુપ્રીમ કોર્ટે મહત્વના નિર્ણયો લીધા છે. કેસોની તપાસ અંગે અદાલતે જણાવ્યું હતું કે ૧૧ એફઆઇઆરો સીબીઆઇને તબદીલ કરવામાં આવશે. તેણે જણાવ્યું હતું કે લોકોમાં વિશ્વાસ જાગે તે માટે તે આદેશ આપશે કે  સીબીઆઇ તપાસ પર દેખરેખ રાખવા માટે ડીવાયએસપીની રેન્કથી નીચે નહીં હોય તેવી રેન્કના ઓછામાં ઓછા પાંચ અધિકારીઓ અન્ય રાજ્યોમાંથી ડેપ્યુટેશન પર લાવવામાં આવે. તેણે જણાવ્યું હતું કે આ અધિકારીઓ સીબીઆઇના વહીવટી  સેટઅપની અંદર કામ કરશે અને તેમના પર આ કેન્દ્રીય એજન્સીના જોઇન્ટ ડિરેકટરની રેન્કના અધિકારી દેખરેખ રાખી શકે છે.

મણિપુરના જે ક્રિમિનલ કેસો સીબીઆઇને તબદીલ કરાયા નથી તેમની તપાસ પર દેખરેખ રાખવા ૪૨ ખાસ તપાસ  ટુકડીઓ(સીટ્સ) રચાશે અને આ તમામ સીટ્સ પર દેખરેખ રાખવા મણિપુરની બહારથી છ ડીઆઇજી રેન્કના અધિકારીઓ આવશે એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પોલીસ મહાનિદેશક દત્તાત્રેય પડસાલગીકર આ તમામે  તમામ કેસોની તપાસ પર દેખરેખ રાખશે અને આ અદાલતને ઘટના વિકાસોથી વાકેફ કરતા રહેશે એમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.

હિંસાના હુતાશનથી વ્યાપક દાઝેલા અને હજી પણ દાઝી રહેલા મણિપુરમાં વ્યાપક અંધાધૂંધીની સ્થિતિ છે. પોલીસ મથકોમાંથી પણ શસ્ત્રોની લૂંટની અનેક ઘટનાઓ બની છે. આવા સંજોગોમાં પ્રશાસન પરનો સામાન્ય લોકોનો વિશ્વાસ ડગી જાય તે સ્વાભાવિક છે. વળી, રાજ્યની બિરેન સિંહ સરકાર અને તેનું તંત્ર બહુમતિ મૈતેઇ સમુદાયની તરફેણ થઇ રહી હોય તેવું વર્તન કરી રહ્યા હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. આવા સંજોગોમાં સુપ્રીમ કોર્ટનું એ વિધાન ખૂબ મહત્વનું છે કે કાયદાના શાસનમાં લોકોનો વિશ્વાસ ફરી બેસે એ ખૂબ જરૂરી છે. આશા રાખીએ કે મણિપુરમાં કાયદાનું શાસન ફરીથી યોગ્ય રીતે, સુચારુ ઢબે પ્રસ્થાપિત થાય.

Most Popular

To Top