Columns

ભારતમાં હિન્દુઓની વસતી ખરેખર ઘટી રહી છે?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે તેમના દશેરાના ભાષણમાં ભારતમાં હિન્દુ પ્રજાની ઘટી રહેલી વસતી બાબતમાં ચિંતા વ્યક્ત કરી હતી. મુસ્લિમોની વધી રહેલી વસતિનો સીધો ઉલ્લેખ કર્યા વિના તેમણે કહ્યું હતું કે ‘‘દેશમાં વસતિની વધી રહેલી અસમતુલા ચિંતાનું કારણ છે. તેને કારણે કેટલાક દેશોની સરહદ પણ બદલવી પડી છે.’’મોહન ભાગવત સ્વાભાવિક રીતે હિન્દુ અને મુસ્લિમ વસતી વચ્ચે વધી રહેલી અસમતુલાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કોઈ પણ નેતા સાથે ખાનગીમાં વાતચીત કરીએ ત્યારે તેઓ મુસ્લિમોની વધી રહેલી વસતી બાબતમાં ભય પમાડે તેવી આગાહીઓ કરતા હોય છે.

કેટલાક કથિત નિષ્ણાતો એવી ચેતવણી આપતા હોય છે કે ઇ.સ. 2050 સુધીમાં ભારતમાં મુસ્લિમોની બહુમતી થઈ જશે. કેટલાક નિષ્ણાતો તે માટે ઇ.સ.2100ની મુદત આપતા હોય છે. આ ડર બતાડી BJP સરકાર ભારતમાં વસતિનિયંત્રણનો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. મોહન ભાગવતે દશેરાની રેલીમાં આ વિષય છેડ્યો તે સૂચિત કાયદાની પૂર્વતૈયારી પણ હોઈ શકે છે. જો કોઈ એમ કહેતું હોય કે ભારતમાં હિન્દુઓની વસતી ઘટી રહી છે પણ મુસ્લિમોની વસતી વધી રહી છે, તો તે ગેરમાર્ગે દોરનારું વિધાન છે. ભારતમાં હિન્દુઓની વસતી વધી રહી છે તેમ મુસ્લિમોની વસતી પણ વધી રહી છે. ફરક એટલો છે કે હિન્દુઓની વસતી વધવાનો જે દર છે તે મુસ્લિમોના વસતિવધારાના દર કરતાં ઓછો છે.

બીજા શબ્દોમાં મુસ્લિમોની વસતી હિન્દુઓની વસતી કરતાં વધુ ઝડપથી વધી રહી છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. જો કે 2050 કે 2100 સુધીમાં હિન્દુઓ લઘુમતીમાં મુકાઈ જશે તેવી આગાહીઓ ગેરમાર્ગે દોરનારી છે. આંકડાઓ કહે છે કે ભારતમાં જો કોઈ કોમની વસતી સૌથી વધુ ઝડપથી વધી રહી હોય તો તે મુસ્લિમ કોમ છે. દાખલા તરીકે આઝાદી પછી 1951માં ભારતમાં વસતી ગણતરી થઈ ત્યારે કુલ વસતી 36.1 કરોડની હતી, જેમાં 30.4 કરોડ હિન્દુઓ હતા અને 3.5 કરોડ મુસ્લિમો હતા. 2011માં ભારતમાં છેલ્લી વસતિગણતરી થઈ ત્યારે દેશની કુલ વસતી 120 કરોડની હતી, જેમાં 96.6 કરોડ હિન્દુઓ હતા અને 17.2 કરોડ મુસ્લિમો હતા. 60 વર્ષ દરમિયાન હિન્દુઓની વસતી લગભગ સવા ત્રણ ગણી થઈ હતી, જ્યારે મુસ્લિમોની વસતી ઝડપથી વધીને 5 ગણી થઈ ગઈ હતી. જો કે ઇ.સ. 2000 પછી ભારતમાં મુસ્લિમોની વસતિમાં થતો વધારો પ્રમાણમાં ધીમો પડી ગયો હતો.

1991થી 2001ના દાયકામાં હિન્દુઓની વસતિમાં 19.9%નો વધારો થયો હતો, જ્યારે મુસ્લિમોની વસતી 29.5 % જેટલી વધી હતી. વર્તમાનમાં ભારતમાં હિન્દુઓની અને મુસ્લિમોની વસતી જે દરે વધી રહી છે તે દર ચાલુ રહ્યો તો 2050માં ભારતની વસતી 170 કરોડની હશે, જેમાં હિન્દુઓ 130 કરોડ હશે અને મુસ્લિમો 30 કરોડ હશે. આમ 2050માં પણ ભારતમાં મુસ્લિમો કરતાં 100 કરોડ હિન્દુઓ વધારે હશે. 2010માં ભારતની વસતિના 79.5 % હિન્દુઓ હતા અને મુસ્લિમો 15 % હતા. 2050માં હિન્દુઓની ટકાવારી ઘટીને 76.7% થઈ જશે અને મુસ્લિમોની ટકાવારી વધીને 18 % પર પહોંચી જશે પણ હિન્દુઓ લઘુમતીમાં ધકેલાઈ જશે તેવો ભય ખોટો છે.

દુનિયામાં કોઈ પણ પ્રજાની વસતી વધતી કે ઘટતી હોય તો તેમાં ધાર્મિક કરતાં સામાજિક અને આર્થિક પરિબળો મહત્ત્વનો ભાગ ભજવતાં હોય છે. દાખલા તરીકે જે સમાજના લોકો ગામડાંમાં વધુ રહેતા હોય તેમની વસતી શહેરમાં રહેતા લોકોની વસતિના પ્રમાણમાં ઝડપથી વધે છે. જ્યારે શહેરમાં નવો ફ્લેટ ખરીદવાના પૈસા ન હોવાને કારણે વસતી નિયંત્રણમાં રહે છે. વળી ગરીબ પરિવારમાં ઘરના પુખ્ત વયના તમામ સભ્યો કામ કરતાં હોવાથી તેમને વધુ બાળકો પરવડે છે, કારણ કે જેટલા કામ કરનારા વધે તેટલી આવક વધે છે.

મધ્યમ વર્ગના પરિવારમાં કામ કરનારા ઓછા હોય છે અને ખાનારા વધુ હોવાથી તેમને વધુ બાળકો ભારે પડે છે માટે તેમની વસતી નિયંત્રણમાં રહે છે. તેવું જ સંયુક્ત પરિવારનું છે. સંયુક્ત પરિવારમાં વધુ બાળકોનો સહેલાઈથી ઉછેર થઈ જતો હોવાથી વસતી વધે છે, જ્યારે વિભક્ત પરિવારમાં બાળકનો ઉછેર કઠીન પડતો હોવાથી વસતી ઘટે છે. જો હિન્દુઓની અને મુસ્લિમોની સરખામણી કરીએ તો મુસ્લિમોમાં ગરીબી વધુ છે, જે હિન્દુઓ સંયુક્ત પરિવારમાં ગામડાંમાં રહેતા હોય તેમની વસતી શહેરમાં રહેતા વિભક્ત મુસ્લિમ પરિવારો કરતાં વધુ ઝડપથી વધતી જોવા મળે છે.

જે કોમમાં સ્ત્રીઓ વધુ પ્રમાણમાં નોકરી કરવા જતી હોય તેમનો વસતિવધારાનો દર ઓછો થઈ જાય છે કારણ કે નોકરી કરતી માતા વધુમાં વધુ બે બાળકોને જ સાચવી શકે છે અને તે ક્યારેક એક જ બાળકમાં થાકી જતી હોય છે. સ્ત્રીઓ નોકરી અને કારકિર્દી માટે મોડા લગ્ન કરે છે તે પણ સમાજમાં વસતિને નિયંત્રણમાં રાખતું પરિબળ છે. મોટી ઉંમરે બાળકો થતાં નથી કે બહુ મુશ્કેલીથી થાય છે. ટેસ્ટ ટ્યૂબ બેબીની જરૂર પણ નોકરી કરતી મહિલાઓમાં જ વધુ જોવા મળે છે. મુસ્લિમ મહિલાઓ નોકરી અને કારકિર્દી કરતાં ઘર સંભાળવાને વધુ મહત્ત્વ આપતી હોવાથી તેમની વસતી વધી રહી છે. મોહન ભાગવત જો હિન્દુઓની વસતી વધારવા માગતા હોય તો તેમણે આ તમામ પાસાંઓનો વિચાર કરવો પડશે.

Most Popular

To Top