SURAT

ધારાસભ્ય ઝાલાવડીયાની 24.75 લાખની મિલકત જપ્ત કરવા કોર્ટનો આદેશ

સુરત : મોટર એક્સીડેન્ટ કેસ(Accident Case)માં વળતર નહીં ચૂકવનાર કામરેજ વિધાનસભાના ભાજપ(BJP)ના ધારાસભ્ય(MLA) વી.ડી. ઝાલાવડીયા(V D Zalavadiya)ની રૂ. 24.75 લાખની મિલકત જપ્તી કરવાનો કોર્ટે(Court) આદેશ કરીને જપ્તી વોરંટ ઇસ્યુ કર્યો હતો. ઝાલાવડીયાની માલિકીની ટ્રકથી એક યુવકનું અવસાન થયા બાદ કોર્ટે રૂ.15.49 લાખનું વળતર 9 ટકાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો હતો, પરંતુ આ વાતને સાત મહિના છતાં પણ વી.ડી. ઝાલાવડીયાએ રૂપિયા ચૂકવ્યા નહીં હોવાથી કોર્ટમાં મિલકત જપ્તી માટે દરખાસ્ત કરવામાં આવી હતી આ દરખાસ્તને કોર્ટે મંજૂર કરી હતી.

  • ટ્રકથી યુવાનના મોતની ઘટનામાં મિલકત જપ્ત કરવા આદેશ
  • ધારાસભ્ચ ઝાલાવડીયાની ટ્રકની સાથે અકસ્માતમાં વરાછાના હિરેને લિંબાણીનું મોત થયું હતું
  • હિરેનના પરિવારે 31 લાખનું વળતર માંગ્યું હતું, જેમાં કોર્ટએ ઝાલાવડીયાના પરિવારને 15.49 લાખનું વળતર ચૂકવાવ આદેશ કર્યો હતો
  • ગત માર્ચ મહિનામાં કોર્ટે વળતર માટે હુકમ કરી દીધો હતો છતાં ઝાલાવડીયાએ દરકાર કરી નહોતી
  • કામરેજના ભાજપના ધારાસભ્ય ઝાલાવડીયા કોર્ટના આદેશને માનવાની તસ્દી પણ લેતાં નથી

આ કેસની વિગત મુજબ, નાના વરાછા સીમાડા રોડ ઉપર સરસ્વતી વિહાર સોસાયટીમાં રહેતા ધારાસભ્ય વીનુ ડાહ્યાભાઇ ઝાલાવડીયાની માલિકીની ટ્રક નં. જીજે-5-એયુ-5645 ગત તા. 22-02-2016ના રોજ સરથાણા પોલીસ મથકની હદમાં આવેલા પૂણા-સીમાડા કેનાલ રોડ રોંગ સાઇડે ટ્રક પાર્ક થયો હતો. આ ટ્રકમાં ડ્રાઇવર નામે જેમાલ નરસીંગ દોઢીયાએ કોઇપણ પ્રકારની તકેદારી રાખી ન હતી. ગાડીને પાર્ક કર્યા બાદ જેમાલે કોઇપણ પ્રકારની સિગ્નલ, બ્રેકલાઇટ, ઇન્ડીકેટર તેમજ બંને છેડે રિફ્લેક્ટર થાય તેવા બોર્ડ બતાવ્યા વગર જ બીજા રસ્તાનો ઉપયોગ કરીને ડ્રાઇવિંગ કર્યું હતું અને રોડ ઉપર જ ટ્રક બંધ હાલતમાં મુકીને ચાલ્યો ગયો હતો. પાછળથી આવતા અને વરાછાના ધરમનગર રોડ ઉપર વિશાલનગર સોસાયટીમાં રહેતા હિરેન લિંબાણી રાત્રીના 1 વાગ્યાના અરસામાં ત્યાંથી નીકળ્યો હતો અને ટ્રકની સાથે અથડાતા શરીરે ગંભીર ઇજા થઇ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન હિરેનનું મોત નીપજ્યું હતું. હિરેનના મોત અંગે તેના માતા-પિતાએ પોતાના એડવોકેટ મારફતે જેમાલ દોઢીયા, વી.ડી. ઝાલાવડીયા અને તેના પુત્ર નામે શરદની સામે કોર્ટમાં અકસ્માત મોત અંગેની ફરિયાદ કરીને રૂા.31 લાખનું વળતર માંગવામાં આવ્યું હતું.

રૂ. 15.49 લાખનું વળતર 9 ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવાનો આદેશ
આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ગત તા. 31-03-2022ના રોજ આરોપી ઝાલાવડીયા પરિવારના સભ્યો તેમજ ડ્રાઇવરને આદેશ કરીને રૂ. 15.49 લાખનું વળતર 9 ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો. આ વાતને સાત મહિના છતાં પણ વી.ડી. ઝાલાવડીયાએ મૃતકના પરિવારને રૂપિયા ચૂકવ્યા ન હતા. જેને લઇને મૃતકના પરિવારે ફરીવાર કોર્ટમાં દરખાસ્ત કરીને વી.ડી. ઝાલાવડીયાની મિલકત જપ્તી કરવા માટે વોરંટ ઇસ્યુ કરવાની દાદ માંગી હતી. આ અરજી કોર્ટે મંજૂર કરીને અકસ્માત વળતરના રૂા. 15.49 લાખ, પાંચ વર્ષ સુધીના 9 ટકા વ્યાજના રૂ. 8.26 લાખ અને દરખાસ્તના રૂ.1 લાખ મળી કુલ્લે રૂ. 24.75 લાખની સ્થાવર તથા જંગમ મિલકત જપ્તી કરવા માટે આદેશ કરાયો હતો.

Most Popular

To Top