Comments

આંતરિક સુરક્ષા બાબતે સરકાર ખરેખર ગંભીર છે?

રાષ્ટ્રિય સુરક્ષા એ વર્તમાન સમયની મહત્ત્વની જરૂરિયાત છે. રાષ્ટ્રિય સુરક્ષાના  હવે બે ભાગ છે. ભૌતિક અને આંતરિક. દેશની રક્ષા હવે સીમાડા ઉપર જ  નથી કરવાની પણ દેશની અંદર પણ કરવાની છે અને અભૌતિક બાબતોમાં  પણ કરવાની છે. ખાસ તો વિજ્ઞાન અને ટેક્નોલોજીના વ્યાપ પછી, નેટના વધતા  ઉપયોગને કારણે દેશની આંતરિક સુરક્ષાના વિવિધ પ્રશ્નો ઉદ્દભવ્યા છે અને  સરકાર જેટલી ભૌતિક-માનવીય હુમલા માટે ચિંતિત કે સતર્ક છે તેટલી  સાયબર એટેક કે ઈન્ટેલીજન્ટ એટેક માટે સતર્ક નથી. ઊલટાનું સરકારના  વહિવટીય અધિકારીઓ બધું જ ટેબલકેન્દ્રી અને બેઠા-બેઠા મળી રહે તેવું  વિચારે છે. એક રીતે સત્તાનું વધતું કેન્દ્રિકરણ દેશને અસુરક્ષાના માહોલ તરફ  લઈ જાય છે. જો વિસ્તારપૂર્વક આ વાત સમજીએ તો અત્યારે આપણે મોબાઈલ એ માત્ર  વાતચીતનું માધ્યમ ન રહેતા લગભગ લેપટોપ જેવું – નેટ વાપરવાનું સાધન  થઈ ગયું છે.

ઘણાં મોબાઈલ તો નાના કોમ્પ્યુટર જ છે. આપણે ગમ્મત પણ  કરીએ છીએ કે ‘‘મેં એક સરસ કેમેરો ખરીદ્યો છે. જેમાં ફોનની સુવિધા પણ  છે.’’ મોબાઈલમાં વિવિધ એપ્લિકેશન આપણે હરખભેર વાપરીએ છીએ, અખબાર  વાચનથી માંડીને ફિલ્મ જોવા માટે મોબાઈલ વપરાય છે. સાથે ડીજીટલ પેમેન્ટ  સાથેની બેન્કીંગ સિસ્ટમ પણ ફોનથી થાય છે. વ્યક્તિ તરીકે આપણે મોબાઈલ એપને સગવડ તરીકે વાપરીએ છીએ તો હવે  સરકારના અધિકારીઓ પણ પોતાની સરળતા માટે બધું જ મોબાઈલ એપ થ્રુ  કરતા થઈ ગયા છે. હવે આ મોબાઈલ એપ્લિકેશન એટલે કે સોફ્ટવેર એક  ધંધો થઈ ગયું છે અને તેનો કરોડોનો બિઝનેસ છે તથા તેનો સૌથી મોટો  ગ્રાહક સરકાર પોતે જ છે અને સરકાર પાસે પોતાનું માળખું છે જ નહીં અથવા તો નહિવત છે!

જરા વિચારો કર્મચારીની હાજરી એપ્લિકેશનથી, ફાસ્ટટેગમાં રીચાર્જ એપ્લિકેશનથી, યુનિવર્સિટી પરીક્ષાઓ પણ મોબાઈલ દ્વારા લેવાઈ. હવે બેંક  સાથે મોબાઈલ નંબર, મોબાઈલ સાથે આધાર કાર્ડ, મોબાઈલ સાથે ગાડી  નંબર.. એમ કહોને કે આપણી તમામ બાબતો સાથે આધારકાર્ડ જોડી દેવામાં આવે છે. આધારકાર્ડને મોબાઈલ સાથે  જોડવામાં આવે છે. આ જ મોબાઈલ આપણા બેંકખાતા સહિત તમામ  અગત્યના દસ્તાવેજો સાથે જોડાયેલો છે. હવે મોબાઈલમાં કોઈ એક એપ્લિકેશન  ડાઉનલોડ કરો ત્યારે ‘‘Allow’’- ‘‘એલાવ’’ એટલે કે સંમતિ આપીએ છીએ  અને આ સંમતિ શેની છે? જાણો છો? તમે ક્યાં છો? એ જાણવાની સંમતિ! તમારા વીડિયો, મેસેજ, ચેટ…. બધું જ જાણવાની સંમતિ! આપણે તમામ  સંમતિ આપીએ છીએ ! એક રીતે દેશના એકસો ચાલીસ કરોડમાં 98 કરોડ  મોબાઈલ ધારકો છે. લગભગ 60 કરોડથી વધુ વસ્તી મોબાઈલ સાથે જોડાઈ  ચૂકી છે. આ તમામના પર્સનલથી માંડીને બૈંકીગ સુધીના ડેટા કંપનીઓ પાસે  છે. આંગળીના એક ઈશારે કરોડોના ખાતામાં રૂપિયા જમા થાય છે અને ઊપડે  છે. વધતા ખાનગીકરણને કારણે આપણી સરકારો અનેક કામ ખાનગી  એજન્સીઓ પાસે કરાવે છે અને આ કંપનીઓ જ્યાં સુધી સારી રીતે વર્તે છે  ત્યાં સુધી જ!

જે લોકો ઈન્ટરનેટ વાપરે છે. તેની થોડી પણ સમજ ધરાવે છે તેમને ખબર છે  કે આપણે આપણું કોમ્પ્યુટર કે મોબાઈલ ‘પાસવર્ડ’ દ્વારા બંધ કરીએ છીએ! હવે  આ પાસવર્ડ દ્વારા પોતાની માહિતીને તાળું મારનારા સમજી લે કે તમે તમારી  બાજુએ તાળું માર્યું છે. બીજી બાજુએ તો તમારું કોમ્પ્યુટર ઈન્ટરનેટથી જોડાયેલું  છે માટે આખા જગત સાથે જોડાયેલું છે! માટે જ ઘરના કોમ્પ્યુટરમાં બંધ ન કરેલું  ફેસબુક- કે અન્ય એકાઉન્ટ બીજાના કોમ્પ્યુટરમાં ખૂલી જ જાય છે! હિન્દીના જાણીતા નિબંધ ‘‘તાલા’’ માં લેખકે લખ્યું છે કે તાળું સજ્જનો માટે  છે. ચોરને તો તે આમંત્રણ છે’’ રશિયા અને યુક્રેનના યુધ્ધમાં સાયબર એટેકનો ભય સતાવી રહ્યો છે. ભારતનાં  નાનાં ગામડાંઓમાં સર્વર ડાઉન હોય ત્યારે બેંકીંગથી માંડીને તમામ સેવાઓ ખોરવાઈ જાય છે. આ ડિજિટલ ટેક્નોલોજીથી પોલીસ અપગ્રેડ થાય એ કરતાં ચોર વધારે અપગ્રેડ  થઈ ગયા છે. બધું જ નેટના તાંતણે બાંધવાથી અને તમામ બાબતો મોબાઈલ  એપ્સ કે વોટ્સએપ દ્વારા આપલે કરવાથી આંતરિક સુરક્ષાનું જોખમ વધી ગયું  છે. આપણી સરકાર આ બાબતે વેળાસર જાગૃત થાય તો સારું! આ ભસ્માસુર  છે જે આપણા માટે જ ખતરો છે!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top