Surat Main

ગ્રીષ્મા હત્યાકેસ: ફેનિલની નજીકના વ્યક્તિએ પણ તેની વિરુદ્ધમાં જુબાની આપી, કહ્યું, આ તો પહેલાં પણ..

સુરત : ચકચારીત ગ્રીષ્મા હત્યા કેસમાં ગુરૂવારે કુલ્લે છ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. જેમાં ગ્રીષ્માના મામાની તેમજ ફેનિલ જ્યાં રહે છે તે સોસાયટીના પ્રમુખની પણ જુબાની લેવામાં આવી હતી. જેમાં ફેનિલે અગાઉ ઇનોવા ગાડીની ચોરી કરી હોવાનું નિવેદન પણ કોર્ટમાં નોંધાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં અત્યાર સુધીમાં કુલ્લે 65 સાક્ષીઓના નિવેદનો લેવાયા છે, જેમાં આજે વધુ છ સાક્ષીઓની નિવેદનો લેવામાં આવ્યા હતા. આ સાક્ષીઓ પૈકી ગ્રીષ્માના મામા, ગ્રીષ્માની બહેનપણી તેમજ કોલેજના મિત્ર અને ફેનિલ જ્યાં રહે છે તે સોસાયટીના પ્રમુખની પણ જુબાની લેવામાં આવી હતી. સોસાયટીના પ્રમુખે જણાવ્યું હતું કે, ફેનિલ અગાઉ કતારગામ વિસ્તારમાં ઇનોવા ગાડીની ચોરીમાં પકડાયો હતો. ફેનિલ અને ગ્રીષ્માની માથાકૂટ થઇ ત્યારે ફેનિલને સમજાવવા માટે ગયા હતા.

ફેનિલને મેં પણ ગુસ્સે થઇને કહ્યું હતું કે, આવું શા માટે કરે છે.? આ ઉપરાંત ગ્રીષ્માની મામાની જુબાની લેવામાં આવી હતી, ગ્રીષ્માનો મોબાઇલ તેના મામા પાસે હોવાનું કહ્યું હતું, તેઓએ જુબાની દરમિયાન કહ્યું કે, મોબાઇલ ખરાબ થયો ત્યારબાદ રિપેર કરીને તેને આપી દેવામાં આવ્યો હતો, મોબાઇલ મારી પાસે ન હોવાનું તેઓએ કહ્યું હતું. અત્યાર સુધીમાં કુલ્લે 65 સાક્ષીની જુબાની લેવાયા બાદ હવે આવતીકાલે પોલીસ સાક્ષીઓની પણ જુબાની લેવામાં આવશે.

ફેનિલે કોલેજમાં જઇને ગ્રીષ્માના ઘર પાસે જોવા જેવી થશે તેમ કહ્યું હતું
ફેનિલ અને ગ્રીષ્માના એક ફ્રેન્ડે કોર્ટમાં જુબાની આપતા કહ્યું હતું કે, હત્યાના દિવસે ફેનિલ કોલેજમાં આવ્યો હતો. તેણે અમને બધાને કહ્યું કે, ગ્રીષ્મા ક્યાં છે..? ત્યારબાદ તેને કહ્યું કે, આજે ગ્રીષ્માના ઘર પાસે જોવા જેવી થશે. ફેનિલ કોલેજમાં આવ્યો ત્યારે ખુબ જ ઉશ્કેરાટમાં હતો અને મોડી સાંજે ગ્રીષ્માની હત્યા થઇ હતી.

Most Popular

To Top