Comments

ડ્રાયવિંગ સ્કિલમાં સમાજશાસ્ત્ર જરૂરી ખરૂં?

વાહન ચલાવવું તે ખૂબ જવાબદારી ભર્યું કામ છે અને અત્યંત જરૂરી તેવું આ કૌશલ્ય લગભગ કોઇ વિધિસર શિખતું નથી. ‘મને ડ્રાયવિંગ આવડે છે’ આ વાકય બોલનાર માત્ર વાહન ચલાવવાની પ્રાથમિક બાબત જ જાણે છે. ડ્રાયવિંગના નિયમો અને અસર કરતા પરિબળોથી તે માહિતગાર હોય તેવું જરૂરી નથી. આપણા ઔપચારિક શિક્ષણ તંત્રમાં ડ્રાયવીંગનું શિક્ષણ વિધિસર રીતે અપાતુ નથી. માર્ગદર્શક દ્વારા ડ્રાયવીંગ શિખવા માંગતી વ્યકિત માટે ખાનગી મોટર ડ્રાયવીંગ સ્કૂલો છે. આ ખાનગી મોટર ડ્રાયવીંગ સ્કુલો ડ્રાયવીંગ શિખવા માંગતી વ્યકિતને થિયેરી અને પ્રેકિટકલ બંનેની તાલિમ આપે છે. પણ વાહન ચલાવવા ઉત્સુક વ્યકિત ડ્રાયવીંગના ‘લેકચર’માં રસ લેતો નથી.

એને તો માત્ર વાહન ચલાવવાના પ્રયોગમાં જ રસ હોય છે. વળી ડ્રાયવીંગ કરનારા મોટા ભાગના લોકો તો ખાસ તો પુરુષ વર્ગ જાતે જ ઘર, પરિવાર, મિત્રોના વાહન જાતે જ ચલાવવા માંડે છે અને ‘આવડે તો સીધા જ ગાડી ચલાવવા લાગ્યા તેવા ગૌરવમાં રાચે છે. વાસ્તવમાં કલચ, બ્રેક અને એકિસલેટરની ભૌતિક માહિતી તથા વાહનના ગવન્ડરને કાબુ રાખવા સિવાયની કોઇ બાબત માટે તેમને પાક્કી સમજણ અને માહિતી હોતી નથી. ટૂંકમાં ડ્રાયવીંગ સ્કૂલમાં વાન ચલાવતા શીખનારા મુખ્ય બે પ્રકારના લોકો છે એક તો મહિલાઓ કે જેમને સીધી જ ગાડી ચલાવવા કોઇ આપતું નથી. અને બે એવા પુરુષો જે કાં તો અડધી ઉંમરે પહોંચ્યા છે અથવા તેમની પાસે શીખવા માટે વાહનની સગવડ નથી!

અત્યંત કંટાળાજનક લાગે તેવી આ વાત આજે એટલા માટે વિસ્તારપૂર્વક લખવી પડે છે કારણ કે ભારતમાં માર્ગ અકસ્માતમા મૃત્યુ પામનારાની સંખ્યા ખૂબ મોટી છે સાથે સાથે એટલી જ હાથ-પગ ગુમાવનારા કે બે ચાર મહિનાનો ખાટલો પકડનારની છે. શહેરમાં વાહન ચલાવનાર બીજો વ્યકિત એક જ વાત બોલતો જોવા મળે છે કે ‘આપણા દેશમાં લોકોને ટ્રાફીક સેન્સ જ નથી!’ ‘ગાડી ચલાવતા ન આવડી હોય તો શા માટે લઇને નીકળી પડતા હશે.’ જેવા ઉદગારો બધા જ બીજાના માટે બોલે છે પણ તે પોતાને પણ એટલા જ લાગુ પડે છે તે સ્વિકારતા નથી.

આપણા રસ્તાઓ પર જે અરાજકતા છે તેના પાયામાં મુખ્ય મુદ્દો આજ છે કે આપણે ડ્રાયવીંગ શીખ્યા વગર જ વાહન ચલાવવા માંડીએ છીએ. હવે વિજ્ઞાનના નિયમ મુજબ એકિસલેટર દબાવો એટલે ગાડી ચાલે જ અને ગવન્ડર કંટ્રોલ કરો એટલે અંતર કાપે પણ આવા બે મુદ્દા આવડી જવાથી ખરેખર ડ્રાયવીંગ આવડી ગયુ તેમ મનાય નહીં! ખરેખર તો સરકારના ટ્રાફીકના નિયમો રસ્તા ઉપર આવતા વાહન વ્યવહારના માર્ગદર્શન માટેના ચિન્હો. જે તે વિસ્તારનું સમાજશાસ્ત્ર અને મૂળભૂત કુદરતી નિયમો આવડે અને તે મુજબ આપણે ગાડી ચલાવીએ ત્યારે આપણને ખરા અર્થમાં ગાડી વાહન ચલાવતા આવડયું કહેવાય!

ચાર રસ્તા ઉપર ગાડી ઉભી રખાય નહીં, વળાંકમાં ગાડી ઉભી રખાય નહીં. અચાનક ગાડી ઉભી રાખી દેવાય નહીં! આ વાત જાણે તો બધા જ છે પણ તે મુજબ વર્તતા નથી. રસ્તા પાકા અને સરસ હોય પરંતુ તે ગ્રામ્ય વિસ્તાર માંથી પસાર થતા હોય, નગર રહેણાંક વિસ્તારમાંથી પસાર થતા હોય. શાળા, ફેકટરી, હોસ્પિટલ, મંદિર જેવા સામુહિક વસતીવાળા સ્થળો પાસેથી પસાર થતા હોય ત્યારે વાહન ધીમે જ ચલાવવું પડે!

લાંબા અંતરની મુસાફરીમાં રસ્તામાં આવતા નાના નાના ગામ પાસે લોકો વાહન ધીમું પાડતા નથી. પણ સગા સંબંધી કે મિત્રોને જોઇને અચાનક વાહન થોભાવી દે છે. આવા લોકો અકસ્માત નોતરે છે. ભારતમાં ઓછુ ભણેલા અને રોજગાર શોધતા લોકો કોઇ નિયમ તાલિમ મેળવ્યા વગર વાહન ચલાવતા થઇ જાય છે. સામાન્ય સંજોગોમાં  કોઇ વાંધો નથી આવતો પણ ટ્રાફીક જામ કે આકસ્મિક પરિસ્થિતિમાં શું કરવાથી પરિસ્થિતિ હળવી થાય તે વાત તેઓ જાણતા નથી. અને તેમનું બીન તાલિમી વર્તન બધાને જ હેરાન કરે છે.

આપણે ત્યાં ટુ વ્હીલર ચલાવનારાને તો તાલીમ કે નિયમ જાણવાની જરૂર જ નથી તેવું માની લેવામાં આવ્યું છે. પણ આ ટુ વ્હીલર ચાલકો હજારો ફોર વ્હીલરવાળાને પરેશાન કરી શકે છે? સરકારનું વાહન વ્યવહાર મંત્રાલય વાહન ચાલકોના કાગળીયા તપાસવામાં જેટલી સતર્કતા બતાવે છે તેટલી આ બેફામ બિન તાલીમી ડ્રાયવીંગ માટે કડકાઇ નથી બતાવતી. આપણે ત્યાં પી.યુ.સી. ના હોય તેવા વાહન ચાલકને દંડ થયો હશે તેના દસમા ભાગના લોકોને પણ ફોન પર વાત કરતા ડ્રાયવ કરવા બદલ દંડ નથી થતો મોટેથી હોર્ન વગાડવું, રોંગ સાઇડમાં જવું… છેલ્લી ઘડીએ જ બ્રેક મારવી ચાર રસ્તા આવે ત્યાં સુધી નક્કી જ ન કરવું કે કઇ તરફ વળવું છે આ બધા જ આપણાં અપલક્ષણ છે જે બતાવે છે કે આપણને ખરા અર્થમાં નિયમો-સાવચેતી અને સજ્જતા મુજબનું વાહન ચલાવતા આવડતું નથી! વાહન ચાલકને માત્ર વાહન ચલાવવાની પ્રાથમિક ટેકનીક આવડે તે જ જરૂરી નથી. તેને સમાજશાસ્ત્રી પણ આવડવું જોઇએ જે ગામ, નગર, સ્થળ, સ્થિતિ પરિસ્થિતિ મુજબ વાહન ચલાવતા શીખવાડે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top