Editorial

કાશ્મીરમાં લિથિયમનો જથ્થો મળી આવ્યો: દેશ માટે આનંદના સમાચાર

એક સમય હતો કે જ્યારે એમ કહેવાતું હતું કે ધનવાન ભારતમાં ગરીબો વસે છે. આમ કહેવા પાછળનું કારણ એ હતું કે ભારતની જમીનની ઉપર ઘણા બધા જંગલો અને જમીનની અંદર ઘણા બધા ખનિજો હતા. પરંતુ સમય જતા સ્થિતિ   બદલાઇ. દેશની વસ્તીમાં પ્રચંડ વધારો થયો અને ઔદ્યોગિકરણ પણ વધતું ગયું અને તે સાથે દેશમાં ખનિજો વપરાતા ગયા અને ઘટતા ગયા. જંગલો પણ ઘણા બધા કપાયા અને ખૂબ પાંખા થઇ ગયા. આજે એવી સ્થિતિ છે કે જંગલોની   બાબતમાં દેશમાં કરૂણ સ્થિતિ છે.

વનીકરણ અને વન સંવર્ધનના અનેક કાર્યક્રમો હાથ ધરાયા છતાં જંગલોનું પ્રમાણ હજી ઓછું જ રહ્યું છે. ખનિજોની બાબતમાં દેશમાં એવી સ્થિતિ છે કે આજે કોલસા સિવાય બીજું કોઇ ખનિજના સારા પ્રમાણમાં   કહી શકાય તેવા અનામત જથ્થાઓ જાણીતા નથી. ભારતમાં કોલસાનો જથ્થો એ વિશ્વમાં ચોથા ક્રમનો મોટો અનામત જથ્થો છે. તે ઉપરાંત કાચુ લોખંડ, મેંગેનિઝ, ક્રોમાઇટ, થોરિયમ જેવા ખનિજો દેશમાં મળી આવે છે ખરા પણ તેમનું  પ્રમાણ  ઓછું છે.

દેશમાં બોમ્બે હાઇ, પૂર્વ આસામ જેવા સ્થળોએથી ખનિજ  તેલ મળી આવે છે પરંતુ તે દેશની જરૂરિયાતના પ્રમાણમાં ઘણુ ઓછું છે અને ખનિજ  તેલની મોટા પ્રમાણમાં વિદેશોથી આયાત કરવામાં આવે છે. કર્ણાટકમાં સોનાની  નાની  ખાણો હતી પણ તે હવે સંપૂર્ણ વસૂકી ગઇ જેવી છે. આવી સ્થિતિમાં દેશને એક આનંદના સમાચાર ખનિજની બાબતમાં મળ્યા છે અને તે એ કે હાલ જેની જરૂરિયાત વધતી ગઇ છે તેવા લિથિયમ નામના ખનિજનો નોંઘપાત્ર કહી શકાય   તેવો  મોટો જથ્થો દેશમાં મળી આવ્યો છે. આ જથ્થો જમ્મુ અને કાશ્મીરના પ્રદેશમાં મળી આવ્યો છે.

 ભારતમાં પ્રથમ વખત લિથિયમનો મોટો ભૂગર્ભ ભંડાર મળી આવ્યો છે અને ઇલેકટ્રિક વાહનોને દેશમાં વેગ આપવામાં તેનાથી મોટી મદદ મળી શકે છે. લિથિયમનો આ જે જથ્થો મળી આવ્યો છે તે જમ્મુ અને કાશ્મીરના રેઆસી જિલ્લામાં   મળી આવ્યો છે. ભારતીય ભૂસ્તર વિભાગે જમ્મુ-કાશ્મીરમાં આ સ્થળે જમીન હેઠળ લિથિયમનો મોટો જથ્થો હોવાનું શોધી કાઢ્યું છે અને જથ્થો પ૯ લાખ ટન જેટલો હોવાનો અંદાજ છે જે ઘણો મોટો કહી શકાય. રેઆસી જિલ્લાના   સલાલ-હેઇમાના વિસ્તારમાં આ અનામત જથ્થો મળી આવ્યો છે.

ખાણ વિભાગના સચિવ વિવેક ભારદ્વાજે આ બાબતની જાહેરાત કરી છે. લિથિયમ એ એક નોન-ફેરસ મેટલ છે અને તે મોબાઇલ ફોન્સ, લેપટોપ, ટેબ્લેટ જેવા સાધનો તથા   ઇલેકટ્રિક વાહનો માટેની રિચાર્જેબલ બેટરીઓ માટે એક મહત્વનું તત્વ છે. મોબાઇલ ફોન, ટેબ્લેટો જેવા વિજાણુ સાધનોમાં લાંબા સમયથી લિથિયમ આયનની બેટરીઓનો ઉપયોગ થતો આવ્યો છે, છેલ્લા કેટલાક સમયથી ઇલેકટ્રિક વાહનોનો   ઉપયોગ વધવા માંડ્યો છે અને આ વાહનોમાં પણ ચાર્જેબલ બેટરીઓ તરીકે મોટે ભાગે લિથિયમ આયન બેટરીઓ જ વપરાય છે. ભારતમાં ઇલેકટ્રીક વાહનોના વધતા ચલણની સાથે લિથિયમની માગ પણ વધવા માંડી છે.

અગાઉ ખાણ   મંત્રાલયે જણાવ્યું હતું કે તે ઉભરતી ટેકનોલોજીઓ માટે મહત્વના ખાણ પુરવઠાને મજબૂત કરવા માટે ઓસ્ટ્રેલિયા અને આર્જેન્ટિનાથી આ ખનિજોની આયાત કરવા સહિતના પગલાઓ ભરવામાં આવશે. હાલમાં ભારત લિથિયમ, નિકલ અને   કોબાલ્ટ જેવા ઘણા આવા ખનિજો માટે આયાત પર જ આધાર રાખે છે. પરંતુ દેશમાં લિથિયમનો મોટો જથ્થો મળી આવતા ઘરઆંગણે ચાર્જેબલ બેટરીઓના ઉત્પાદન માટે જરૂરી એવા લિથિયમની આયાત ઘટી શકે એવી આશા જન્મી છે.  લિથિયમના આ જથ્થાની ગુણવત્તા ઘણી સારી છે અને આ જથ્થો મળવાની સાથે લિથિયમની ઉપલબ્ધતાની બાબતમાં ભારત ચીન કરતા આગળ નિકળી જશે એમ પણ નિષ્ણાતોએ બાદમાં જણાવ્યું છે.

ખનિજોની બાબતમાં વિશ્વમાં એક વિચિત્ર સ્થિતિ પ્રવર્તે છે. આપણી પૃથ્વીના પેટાળમાં જાત જાતના ખનિજો છે. વપરાશ વધવાની સાથે કેટલાક પ્રકારના ખનિજોની તંગી પણ સર્જાઇ, પૃથ્વીના પેટાળમાં અમુક ખનિજોનો જથ્થો ખલાસ થઇ  જાય તો  આર્થિક રીતે મોટી અંધાધૂંધી સર્જાય તેવો ભય પણ પ્રવર્તે છે. રોજબરોજના જીવનમાં જેનો વ્યાપક ઉપયોગ થાય છે તે લોખંડ જેવી ધાતુઓનો જથ્થો ખૂટી જાય તો મોટી મુશ્કેલી ઉભી થઇ શકે. આમાંથી રિસાયકલિંગનો ખયાલ પણ  ઉદભવ્યો. લોખંડની કે એવી બીજી ધાતુઓની જૂની થઇ ગયેલી વસ્તુઓનું રિસાઇકલિંગ કરીને તેમાંથી શક્ય હોય તેટલી નવી વસ્તુઓ બનાવવામાં આવે તો આવા ખનિજોનો વપરાશ ઘટે અને તેમના જથ્થા પર ઓછી અસર થાય. 

પેટ્રોલ-ડીઝલના વધતા વપરાશ સાથે ક્રૂડ ઓઇલનો જથ્થો ખલાસ થઇ જશે તેવા ભય વચ્ચે વધતા પ્રદૂષણને રોકવા વૈકલ્પિક ઉર્જાના સાધનો વિકસ્યા અને આ જથ્થો ખૂટે તે પહેલા જ ક્રૂડનો વપરાશ આગામી દાયકાઓમાં ખૂબ ઘટી જાય  તેવા સંજોગો ઉભા થયા. જો કે અનેક ખનિજોની બાબતમાં સ્થિતિ ચિંતાજનક જ છે ત્યારે દેશમાં લિથિયમનો ભંડાર મળી આવ્યો તેનો આનંદ હાલ તો માણીએ.

Most Popular

To Top