Comments

એ અરવલ્લી છે કે નકામો પર્વત?

ઘણી પંક્તિઓ લખાઈ હોય એક સંદર્ભે, પણ સમયાંતરે, જરા વક્રતાથી જોઈએ તો તેનો અર્થ સાવ અલગ જ નીકળે એમ બનતું હોય છે. ૧૯૫૭ માં રજૂઆત પામેલી બી.આર.ચોપડાની ફિલ્મ ‘નયા દૌર’નાં અનેક લોકપ્રિય ગીતો પૈકીનું એક ગીત હતું ‘સાથી હાથ બઢાના.’ સાહિર લુધિયાનવીએ લખેલા આ ગીતમાં સહકારી ભાવનાનો મહિમા ગવાયેલો હતો. સાથે મળીને, ખભેખભા મિલાવીને કરવામાં આવે તો કોઈ પણ કામ અશક્ય નથી એવો ભાવ વ્યક્ત કરતા આ ગીતમાં એક પંક્તિ હતી ‘હમ મેહનતવાલોં ને જબ ભી મિલકર કદમ ઉઠાયા, સાગરને રસ્તા છોડા, પર્બતને શિશ ઝુકાયા.’ નવા સંદર્ભે આ પંક્તિઓનો અર્થ સાવ બદલાઈ જાય એવી પરિસ્થિતિ વખતોવખત ઊભી થતી આવી છે.

દરિયા અને પર્વત સાથે થઈ રહેલી છેડછાડને પગલે પર્યાવરણની કેટલીય સમસ્યા ઊભી થઈ રહી છે અને હજી થતી રહેવાની છે. ભેગા મળીને ‘મહેનત’ કરવામાં આવે તો પર્વતે પણ એનું શિશ ઝુકાવવું પડે. એ શી રીતે? ગુજરાતની પૂર્વેથી છેક હરિયાણાના દક્ષિણ સુધી, આશરે સાતસો કિ.મી.ના વિસ્તારમાં પથરાયેલી અરવલ્લીની ગિરિમાળા વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા છે. સ્વાભાવિકપણે જ તેની આગવી જૈવપ્રણાલી હોય અને તેને કારણે આસપાસના વિસ્તારની આબોહવા પર તેની અસર હોય. ખાસ કરીને રાજસ્થાનના થારના રણમાંથી વાતી લૂ ને તે અવરોધે છે.

દિલ્હી અને હરિયાણામાં આવેલા આ પર્વતમાળાના કેટલાક હિસ્સામાં ગેરકાયદે બાંધકામની પ્રવૃત્તિ વખતોવખત વધતી ચાલી છે, જેને લઈને જે તે વિસ્તારનું ભૂપૃષ્ઠ બદલાઈ રહ્યું છે. હવે આ ગેરકાયદે બાંધકામ પ્રવૃત્તિને કાયદાકીય સ્વરૂપ અપાય એવી તૈયારી થઈ રહી છે. 

અરવલ્લીમાં થઈ રહેલી ખનન પ્રવૃત્તિ બાબતે સર્વોચ્ચ અદાલત છેક ૨૦૦૨ થી લાલ આંખ કરતી આવી છે. આમ છતાં, રીઅલ એસ્ટેટ ડેવલપર અને ખનન કરનારા આ પર્વતમાળાના ચોક્કસ હિસ્સાને નષ્ટ કરતા રહ્યા છે. ૨૦૧૮ માં સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે આ ગિરિમાળાનો પા ભાગ રીતસર ખતમ થઈ ગયો છે. એ સાથે જ તેણે અરવલ્લીમાં થઈ રહેલા ગેરકાયદે બાંધકામ બાબતે કડકાઈ દાખવવા માંડી. આ ગિરિમાળા પર બનાવાયેલાં અમીરોનાં ફાર્મહાઉસ હોય કે ગરીબોનાં આવાસ, સર્વોચ્ચ અદાલતે કડકાઈ બાબતે કોઈ ભેદભાવ દાખવ્યો નથી.

‘ઊંટે કાઢ્યા ઢેકા, તો માણસે કાઢ્યાં કાઠાં’ જેવી કહેવતનો સાચો અર્થ આવો કોઈ મુદ્દો સામે આવે ત્યારે સાચી રીતે સમજાય. હરિયાણાની સરકાર ચાલાકી કરવાનો પ્રયત્ન કરી રહી છે. તે હવે આ ગિરિમાળાનું સીમાંકન નવેસરથી કરવા માંગે છે અને એવું બતાવવાનો પ્રયત્ન કરવા જાય છે કે જે વિસ્તારમાં આ બધું થયું એ ગિરિમાળાનો ભાગ નથી. પર્યાવરણ અને વન મંત્રાલયના ૧૯૯૨ ના એક હુકમને આધારે આ સીમાંકન કરવાનો સરકારે અધિકારીઓને હુકમ કર્યો છે. એ મુજબ ફરીદાબાદમાંનો નવ હજાર હેક્ટર વિસ્તાર ‘રાષ્ટ્રીય સંરક્ષણ વિસ્તાર’માં આવશે નહીં. એનો અર્થ એ કે એ વિસ્તારમાં બાંધકામ, ખનન તેમજ અન્ય એવી ગતિવિધિઓ કરી શકાશે.

હકીકતમાં ૨૦૦૫ ની ‘રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર યોજના ૨૦૨૧’ અનુસાર અરવલ્લીની પર્યાવરણ પ્રણાલી રાષ્ટ્રીય સંરક્ષણ વિસ્તાર’ હેઠળ આવે છે, જ્યાં બાંધકામ પ્રવૃત્તિ માટે નિષેધ છે. પણ હરિયાણાની જે તે સમયની સરકાર આ યોજના સાથે જાતજાતનાં ચેડાં કરતી આવી છે. ૨૦૧૭ માં હરિયાણા પ્રશાસને શહેરી વિકાસ મંત્રાલયને એમ જણાવ્યું કે હરિયાણામાં અરવલ્લીની ગિરિમાળા છે જ નહીં. ગુરુગ્રામના થોડા ઘણા હિસ્સામાં એ છે ખરી, પણ ત્યાં ‘રાષ્ટ્રીય સંરક્ષણ વિસ્તાર’ની શરતો લાગુ પડતી નથી. મતલબ કે ત્યાં બાંધકામ કરી શકાય છે. સવાલ એ છે કે હરિયાણામાં જે પર્વતો છે એ અરવલ્લીના નથી તો કયા છે? એક રાજ્યસ્તરીય સમિતિએ ચકાસેલી મહેસૂલ વિભાગની દસ્તાવેજી નોંધના આધારે તૈયાર કરાયેલા અહેવાલ અનુસાર એ પર્વતો ‘ગૈરમુમકિન પહાડ’ એટલે કે ‘ખેતી માટે નકામા હોય એવા ટેકરા’ છે. એટલે કે એ કશા કામના નથી અને ત્યાં બાંધકામ કરી શકાય છે.

માન્યું કે એ અરવલ્લીના પર્વતો નથી અને ખેતીકામ માટે એ સાવ નકામા છે. એટલે શું એની સાથે ગમે એ છેડછાડ કરવાની? આપણે બધી બાબતોને આપણી ઉપયોગિતાની સંકુચિત અને મર્યાદિત દૃષ્ટિએ જ જોવાની? લાલચ કોઈ એકલદોકલ માણસને જ નહીં, સમગ્ર સત્તાતંત્રને શી રીતે અંધ બનાવી દે છે એનું આ જીવતુંજાગતું ઉદાહરણ છે. પર્યાવરણ ક્ષેત્રના કર્મશીલ અને વકીલ  દત્તાએ હરિયાણા સરકારના આ પગલાંને ‘સંપૂર્ણ ગેરકાયદે અને સર્વોચ્ચ અદાલતના આદેશથી વિપરીત’ જણાવ્યું છે. તેમના કહેવા મુજબ આ વિસ્તાર અરવલ્લીનો હોય કે નહીં એ ગૌણ છે, પણ એ તમામ વનવિસ્તાર છે અને ત્યાં ‘વન સંરક્ષણ કાનૂન’ લાગુ પડે છે.

જે સાતત્યપૂર્વક અને નિષ્ઠાથી હરિયાણાની વિવિધ સરકાર સર્વોચ્ચ અદાલતના આદેશને ઘોળીને પી ગઈ છે અને આ વિસ્તારમાં બાંધકામ પ્રવૃત્તિ આરંભીને રોકડી કરવા થનગની રહી છે એ સૂચવે છે કે સમિતિ, અહેવાલ, કાનૂન એ બધું એની જગ્યાએ ભલે રહ્યું. આખરે ધાર્યું તો પોતાનું જ કરવાનું.

કાગળ પર કાયદાને ભલે ગમે એ રીતે મરોડવામાં આવે અને ગેરકાનૂની પ્રવૃત્તિને કાનૂની ઠરાવવામાં આવે, માનવે બનાવેલા કાનૂન પર્યાવરણ જાણતું નથી. પર્યાવરણના કાનૂન આગવા હોય છે અને તેની સાથે આટલી ભયાનક હદે કરવામાં આવતાં ચેડાં ભવિષ્યમાં અનેકગણી વિપરીત અસર પેદા કરશે. ‘વિકાસ માટે ભોગ તો આપવો પડે’ જેવું ગોખેલું આશ્વાસન એ ટાણે કશા કામમાં નહીં આવે, કેમ કે, ભોગ શેનો અને કઈ માત્રામાં લેવાશે એનો અણસાર સુદ્ધાં આવી શકે એમ નથી એ હકીકત ભૂતકાળમાં અનેક વાર પ્રસ્થાપિત થઈ ચૂકી છે. બિચારા સાહિરસાહેબને કલ્પના સુદ્ધાં નહીં હોય કે ‘મહેનત કરનારા’ એક દિવસ આ રીતે ‘પર્વતનું શીશ’ ઝુકાવશે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top