Health

શું ડાયાબિટીસ રિવર્સલ શક્ય છે?

પાછલા અંકમાં જણાવ્યું એમ આ સવાલનો જવાબ થોડા વર્ષો પહેલાં સંપૂર્ણ રીતે અશક્ય હતો કે પછી ના હોત. તો હવે અમુક કિસ્સામાં જવાબ હા છે અને બાકી તો ના જ છે. થોડું સમજીએ કે આ મિલિયન ડોલર પ્રશ્નના જવાબનું ખરેખર અસ્તિત્વ કેટલું છે? ધારો કે તમે રેમિશનમાં છો એટલે કે તમારે દવા લેવાની હવે જરૂર નથી રહી અને દવા વિના તમારું બ્લડ શુગર નોર્મલ રહે છે પરંતુ તમારા ડાયાબિટીસના ચિહ્નો ફરી પાછા દેખાવાની શક્યતા નકારી શકાતી નથી. તો વળી એ પણ શક્ય છે કે અમુક લોકો માટે વર્ષો સુધી કોઈ તકલીફ વિના તેમનું બ્લડ શુગર નિયંત્રણમાં રહે અને ડાયાબિટીસને લીધે અન્ય અંગોને થતી તકલીફ પણ નિયંત્રણમાં રહે અને એને કોઈ નુકસાન પણ ન પહોંચે, કોઈ જ ચિહ્નો પાછા ના ફરે, બસ ત્યારે કહી શકાય છે કે ડાયાબિટીસ રિવર્સ થઈ ગયું છે. 37 વર્ષના એક યુવા દર્દીને લગભગ 5 વર્ષ પહેલાં ડાયાબિટીસ નિદાન થયું. એમણે 1 વર્ષની અંદર જ 4 વર્ષ પહેલાં યોગ્ય તબીબનો સંપર્ક કર્યો. લગભગ છેલ્લા 2 વર્ષથી તેઓ દવા વિના હેલ્ધી લાઈફ જીવી રહ્યા છે. તેઓને કોઈ પણ પ્રકારના અન્ય અંગો પર નુકસાન કે ડાયાબિટીસના કોઈ ચિહ્નો ફરી પાછા હજી દેખાયા નથી. એમની ઉંમરને જોતાં અને અત્યારની પરિસ્થિતિને જોતાં એમ કહીએ કે એમણે ડાયાબિટીસ રિવર્સ કર્યો છે તો હવે સહજ પ્રશ્ન થાય જ, કઈ રીતે?

ડાયાબિટીસ રિવર્સ કઈ રીતે થઈ શકે? સૌથી મોટો ભાગ કોઈ ભજવે છે તો એ છે વજન. નિષ્ણાતની દેખરેખ હેઠળ યોગ્ય પ્રમાણમાં વજન ઘટાડવાથી, જેટલી બને એટલી વધુ શારીરિક કસરતો, વ્યાયામ અને પ્રવૃત્તિઓની સાથે વ્યવસ્થિત જરૂર કરતાં ઓછા કેલરીવાળા ડાયટ અને તેથી વધુ વિવિધ કસરતોથી ચોક્કસ પ્રમાણમાં કેલરીને નષ્ટ (બર્ન આઉટ) કરવી વગેરે જેવા પરિબળો ડાયાબિટીસ નિયંત્રિત કરવામાં તો મદદ કરે જ છે પણ જો શરૂઆતના વર્ષોમાં જ તમે આમ કરો છો જ્યારે તમને ઇન્સ્યુલિન ઈન્જેક્શનની હજી જરૂર પણ નથી પડી તો આ વજન ઘટાડો તમને કાયમી ધોરણે ફાયદો કરી ડાયાબિટીસ રિવર્સ કરવામાં મદદરૂપ બને છે.

આ તમને રેમિશન સુધી પહોંચાડશે અને ત્યાર બાદ એ કાયમી ધોરણે અમલ કરવો રહ્યો. તો જ તમે કાયમ આ સાયલન્ટ કિલર રોગથી દૂરી રાખી શકો. આ ઉપરાંત ઉપવાસ કરવા અને વજન ઉતારવું એવા મંતવ્યોવાળો પણ એક વર્ગ છે. પરંતુ એ રિવર્સલ માટેનો સલાહભર્યો વિકલ્પ નથી. સૌથી સારો વિચાર માંગી લે એવો વિકલ્પ છે બેરિયાટ્રિક સર્જરી. ચોક્કસ માપદંડો જેમ કે 35થી વધુ BMI અને અન્ય વિવિધ માપદંડોને ધ્યાને લઈ તમારા તબીબ જો આ વિકલ્પ સૂચવે તો જ આ તરફ જઈ શકાય કારણ કે એ સર્જરી છે અને એની સાથે ગંભીર જોખમ સંકળાયેલા રહે છે. જેઓને જરૂર હતી અને જેઓએ આ સર્જરી કરાવી છે એમાંના ઘણા ખરા ડાયાબિટીસ રિવર્સ કરવામાં સફળ રહ્યા છે.

શરીરમાં શું બદલાવ આવે છે જેથી આ શક્ય બને છે?
 જ્યારે સ્વાદુપિંડના ઇન્સ્યુલિનનો સ્રાવ કરવા જવાબદાર બીટા કોષો એમની કાર્ય કરવાની ક્ષમતા ગુમાવે છે કે તેઓ નષ્ટ થાય છે, નિષ્ક્રિય થાય છે એ સંજોગોમાં જરૂરી ઇન્સ્યુલિન સ્ત્રવતું નથી અને બ્લડ શુગરનું પ્રમાણ વધતા ડાયાબિટીસ નિદાન થાય છે.  આ જે જણાવ્યા એ વિકલ્પો દ્વારા આ કોષોને ફરી પાછા એમના સામાન્ય કાર્ય તરફ વાળવાનો ઉદ્દેશ રહેલો છે.

સંશોધનો શું કહે છે?
અત્યંત નાના પાયે થયેલી સ્ટડી જેમાં 11 લોકોને 2 મહિના સુધી ખૂબ જ ઓછા 800 થી 1000 કેલરી પ્રતિ દિવસ પર રાખવામાં આવ્યા તેઓમાં ઈન્સ્યુલીન ઉત્પન્ન કરતાં કોષોનું કાર્ય રીસેટ કરી શકાયું અને એમની પરિસ્થિતિ રિવર્સ થઈ શકી. સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન એ છે કે રોજિંદી જિંદગીમાં કાયમી ધોરણે આ કેટલું શક્ય? ધી લેન્સેટમાં 2017માં પ્રસિદ્ધ થયેલી સ્ટડી ધી ડાયાબિટીસ રેમિશન ક્લિનિકલ ટ્રાયલ, દર્શાવે છે કે સ્ટડી દરમિયાન નક્કી કરેલ ચોક્કસ માપદંડો અમલી થાય તો 86% લોકો ડાયાબિટીસ રીવર્સ કરી શકે. પરંતુ હાલના તાજેતરના આંકડા દર્શાવે છે કે લગભગ એક તૃતીયાંશ લોકો જ બે વર્ષ બાદ પણ ડાયાબિટીસ રેમિશન જાળવી શક્યા છે.

આમ ડાયાબિટીસ રેમિશન તો જાણે સહેલું લાગે પણ તમે એને કેટલું જાળવી શકો છો અને લાંબા ગાળે કેટલા નિયંત્રણમાં રહો છો એ નક્કી કરશે કે ડાયાબિટીસ રિવર્સ કરી શક્યા કે નહીં? આ બધું જ ખરેખર ખૂબ કઠીન છે અને નિષ્ણાત તબીબ, ડાયાબિટીસ સ્પેશ્યાલિસ્ટ તથા ન્યુટ્રિશનિસ્ટની દેખરેખ હેઠળ જ કરવું આવકાર્ય છે. અંગત અભિપ્રાય આપું તો વધુ ઉંમરના લોકોને આવા અત્યંત કઠીન ડાયટ અંગે સલાહ આપવી હું યોગ્ય નથી માનતો. ઘણી વાર એક નાની ગોળી (દવા) એમના માટે પૂરતી છે તો પછી રિવર્સ વિશેની લાલચ અને લોભામણી શા માટે? એક જવાબદાર તબીબ તરીકે હું ડાયાબિટીસ રિવર્સલ શબ્દપ્રયોગ ખૂબ જ સમજીને કરું છું. ડાયાબિટીસ રેમિશન દિલની વધુ નજીક છે.

ડાયાબિટીસ રિવર્સલ માટે ખરા ઉમેદવાર કોણ?
 તાજેતરમાં નિદાન થયું છે અને મોટાપો છે એવા દર્દી તથા એ દર્દી કે જેમને ડાયાબિટીસને નિયંત્રિત કરવા સૂચવેલ તમામ વિકલ્પો અઘરા લાગતા હોય.

કયા દર્દી આ માટે બિલકુલ યોગ્ય નથી?
ટાઇપ 1 ડાયાબિટીસ દર્દી, ખૂબ જ પાતળા અને કુપોષણવાળા, 18થી ઓછો BMI ધરાવતા દર્દી, 15-20 વર્ષથી જેને ડાયાબિટીસ છે, ગર્ભવતી મહિલા, ખૂબ જ યુવાન તથા ખૂબ જ વૃદ્ધ દર્દીઓ તથા જેઓને વિવિધ અંગોની ઉચ્ચ સ્તરની તકલીફો છે એ દર્દીઓ ડાયાબિટીસ રિવર્સલ માટે યોગ્ય પાત્રતા નથી ધરાવતા, એમ માનનીય ડૉ. અનુપ મિશ્રા એમના પુસ્તક ‘ડાયાબિટીસ વિથ ડીલાઇટ’માં જણાવે છે.

ડાયાબિટીસ રિવર્સલ માટે કઈ કઈ વસ્તુ કાર્ય ન જ કરે?
સપ્લીમેન્ટ હોય કે અલ્ટરનેટિવ મેડિસીન દવાઓ કે ઓવર ધ કાઉન્ટર દવા કે કોઈ પણ જાતની અન્ય દવા એકલી ડાયાબિટીસ રિવર્સ ના કરી શકે. આમ, આવી બધી કોઈ પણ લોભામણી વાતોથી દૂર રહેવું અને જે વાત કરી એ બધું જ દર્દીએ અમલ કરવું રહ્યું. દર્દી કેટલું ડેડીકેટેડ છે એટલે કે આ માટે કેટલું સમર્પિત છે, ઉત્સુક છે અને અનુશાસિત છે એ જ બધું આ પરિણામ નક્કી કરવામાં મોટો ભાગ ભજવે છે અને બેશક યોગ્ય નિષ્ણાત તબીબ! બાકી ડાયાબિટીસ રિવર્સલની કોઈ જ ચોક્કસ દવા આ દુનિયામાં નથી. જે દવા છે એ આ રોગને વ્યવસ્થિત નિયંત્રિત કરી શરીરના અગત્યના અંગોને નુકસાન ના થાય અને એનું રક્ષણ કરી શકે તે!

Most Popular

To Top