Entertainment

ભાગ્યશ્રીનો દિકરો અભિમન્યુ ચકરાવામાં ઘેરાયો છે?

1થી 100 ગણવાનું હોય ને વચ્ચે ભૂલ પડે તો ફરી એકડે એકથી જ ગણવું પડે. કેટલાંક અભિનેતા – અભિનેત્રીનું પણ એવું જ હોય છે. ‘મૈંને પ્યાર કિયા’ની ભાગ્યશ્રીનો દીકરો હજુ પણ પોતાનું ભાગ્ય ચમકે તેની રાહ જુએ છે. તેની બે ફિલ્મો આવી ચૂકી છે અને બન્નેમાં તે હીરો જ હતો. એક હતી ‘મર્દ કો દર્દ નહીં હોતા’ અને બીજી હતી ‘મીનાક્ષી સુંદરેશ્વર’. એક ફિલ્મનો નિર્માતા રોની સ્ક્રુવાલા ને બીજીનો કરણ જોહર હતો. છતાં અમિતાભ બચ્ચનની રાશી ધરાવનાર અભિમન્યુ સફળતાનો કોઠો વીંધી શકયો નથી. તેની મમ્મી ભાગ્યશ્રી હવે ચિંતામાં છે.

અભિમન્યુ દાણાણીએ શરૂઆત તો અભિનેતા તરીકે નહોતી કરી. રોહન સિપ્પીના સહાયક દિગ્દર્શક તરીકે તેણે આરંભ કરેલો. તેણે દિગ્દર્શક નહીં, એકટર તરીકે ઓળખાવું હતું અને હવે તેની ‘નિકમ્મા’ ફિલ્મ આવી રહી છે. જો આ ફિલ્મ પણ ન ચાલી તો લોકો તેને ‘નિકમ્મા’ કહેશે. અલબત્ત, આ ફિલ્મનો દિગ્દર્શક સબ્બીર ખાન છે, જે ‘કમબખ્ત ઇશ્ક’, ‘હીરોપંતી’, ‘બાગી’ અને ‘મુન્ના માઇકલ’ બનાવી ચૂકયો છે. ટાઇગર શ્રોફને સ્ટાર બનાવવામાં તેનો મોટો હાથ છે. ‘નિકમ્મા’ ફિલ્મથી સબ્બીર ખાન પહેલીવાર નિર્માતા પણ બન્યો છે. એટલે ફિલ્મમાં પૂરી મહેનત લગાડી છે. અભિમન્યુ આશા રાખી શકે કે તે ‘નિકમ્મા’ ન પૂરવાર થાય. જો કે તેની હીરોઇન શર્લી સેટિયા પણ નવી છે. હા, એક શિલ્પા શેટ્ટી જાણીતી છે.

અભિમન્યુ માટે છે કે ‘નિકમ્મા’ તેની આજ સુધીની મોસ્ટ કોમર્શીઅલ ફિલ્મ છે. તેલુગુની ‘મિડલ કલાસ અબ્બાઇ’ની રિમેક છે. ઘણા માને છે કે અભિમન્યુનુ પાત્ર ‘રન વે 34’ના અજય દેવગણની યાદ અપાવશે. અભિમન્યુ કહે છે કે એવું નથી, કારણ કે આ ફિલ્મની ટ્રીટમેન્ટ અલગ છે. અભિમન્યુ તેની આવનારી ફિલ્મ ‘આંખ મિચૌલી’ વિશે પણ ઉત્સાહી છે. આ ફિલ્મ જો કે લંબાયા કરી છે, પરંતુ ‘ઓહ માય ગોડ’ જેવી ફિલ્મના દિગ્દર્શક ઉમેશ શુકલની છે. જો કે તેમાં અભિમન્યુથી વધારે મહત્વની ભૂમિકા પરેશ રાવલની જ હોય તે શકય છે અને શરમન જોશી, મૃણાલ ઠાકુર પણ છે. અભિમન્યુ માને છે કે તેણે અગાઉની જેમ ઘણી મહેનત લગાડી છે. હવે પરિણામની રાહ જોઉ છું. ભાગ્યશ્રી પણ માને છે કે આ વખતે તીર નિશાના પર લાગશે. •

Most Popular

To Top