SURAT

ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી ડાયમંડ, ટેક્સટાઇલ અને જ્વેલરી ઉદ્યોગને પડશે જોરદાર ફટકો, સુરતના લાખો કામદારોની રોજી રોટી દાવ પર

ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની સીધી અસર હવે સુરતના અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રો ડાયમંડ, ટેક્સટાઇલ અને જ્વેલરી ઉદ્યોગ પર પડવાની ભીતિ સેવાઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ડાયમંડ જ્વેલરી પર ટેરિફમાં રાહત મળવાથી વેપારીઓમાં નવી આશા જન્મી હતી, પરંતુ યુદ્ધના કારણે આ આશા પર પાણી ફેરવી દીધું છે. હવે આ યુદ્ધ સુરતના અર્થતંત્રને વેરવિખેર કરી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતમાંથી જેમ્સ એન્ડ જ્વેલરીનું 100% એક્સપોર્ટ થાય છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષાની ખ્યાલથી એર કાર્ગો ફ્લાઈટ્સ રદ થઈ ગઈ છે, જેના કારણે તૈયાર માલ વિદેશ મોકલી શકાતો નથી. સુરત અને મુંબઈના બંદરો પર કરોડો રૂપિયાનો માલ અટવાયો છે. વેપારીઓ ડરી રહ્યા છે કે આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલશે તો પેમેન્ટ ફસાઈ જવાની મોટી સમસ્યા ઊભી થઈ શકે. આ એરપોર્ટ બંધ થવાને કારણે દુબઈ સાથે સુરતના રફ ટ્રેડિંગ સંબંધિત 60–65% ટેન્ડરિંગો અસરગ્રસ્ત થઈ શકે છે. ફ્લાઇટ રદ થતા ટેન્ડર માટે આવનારા લોકો સમયસર પહોંચી શકતા નથી, જેના કારણે સપ્લાય ચેઈન પર મુશ્કેલી ઊભી થાય છે. જો આ યુદ્ઘ લાંબુ ચાલ્યું તો હું ચોકક્સ માનું છું કે દુબઈના રફ ટ્રેડિંગના બિઝનેસ પર ખૂબ મોટી અસર થશે અને આ બિઝનેસ ફરી પાછો બેલ્જિયમ તરફ ફંટાઈ શકે એવી ભીતિ ડાયમંડ ઇન્સ્ટુટેડના ચેરમેન દિનેશ નાવડિયાએ વ્યક્ત કરી હતી.

ભારતની કુલ જ્વેલરી નિકાસમાંથી એકલા અમેરિકા માટે 35% માલ જાય છે. યુદ્ધના કારણે ઓર્ડરમાં મોટો ઘટાડો થવાની ભીતિ છે. તાજેતરમાં જ ડાયમંડ જ્વેલરી પર ટેરિફ ઝીરો કરવામાં આવ્યો હતો, પરંતુ બજારમાં માંગ ન હોવાથી તે લાભ લેવા માટે કાઈ પરિસ્થિતિ ઉપલબ્ધ નથી. આ આર્થિક સંકટની સીધી અસર સુરતના નાના રત્ન કલાકારો પર પડી શકે છે. હીરાની નિકાસ અટકી પડવાથી કારખાનાઓમાં કામ ઓછું થશે, ઓર્ડર રદ થવાથી પેમેન્ટ અટકવાનો ભય અને કલાકારોના વેતનમાં કાપ અથવા છૂટા કરવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. સુરતમાં બનેલા ડાયમંડ અને જ્વેલરીનું ઈરાન અને અન્ય ગલ્ફ કન્ટ્રીમાં 8–10% નિકાસ થાય છે. ઈરાન પર ઇઝરાયલ-અમેરિકા દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાના કારણે વૈશ્વિક બજારમાં નેગેટિવ અસર ઊભી થઈ છે. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન હુમલા કારણે એરપોર્ટ તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ નૈનેષ પચ્ચીગરે જણાવ્યું કે, યુદ્ધના સમાચાર જેવા જ્વેલરી ઉદ્યોગ પર સીધી અસર કરશે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ટેરિફમાં રાહત મળ્યા બાદ આશા હતી કે એક્સપોર્ટ ફરી ધમધમશે, પરંતુ યુદ્ધના કારણે આ આશા અધૂરી રહી છે. નાના રત્ન કલાકારોની રોજીરોટી પર સીધી અસર પડશે.

સુરતનો કાપડ વેપાર મુખ્યત્વે દુબઈ મારફતે 45 જેટલા દેશો સાથે જોડાયેલો છે. યુદ્ધ અને અસ્થિરતાના કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે. મેન-મેડ ફાઈબર, બુર્ખાનું કાપડ અને સલવાર કમીઝની નિકાસ અસરગ્રસ્ત થશે. યુદ્ધને કારણે નૂર ભાડામાં વધારો અને શિપિંગમાં અવરોધ થતા નિકાસ ઠપ્પ થઈ શકે છે. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ અશોક જીરાવાલા મુજબ, હાલની પરિસ્થિતિમાં ચોક્કસ આંકડા આપી શકાય તેવું નથી, પરંતુ ઉદ્યોગ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે. યુદ્ધને કારણે પેમેન્ટ અટવાઈ જવાની કે મોડું થવાની શક્યતા છે. વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે વિદેશી ખરીદદારો નવા ઓર્ડર આપવા માટે સંકોચ કરે છે. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ જે પહેલાથી પડકારોનો સામનો કરી રહ્યો છે, તેને હવે ‘ગરીબી મેં આટા ગિલા’ જેવી પરિસ્થિતિનો સામનો કરવાનો છે. યુદ્ધ લાંબું ચાલે તો કાપડ ઉદ્યોગને મોટી નુકસાન થવાની સંભાવના છે. આ યુદ્ધ જો લાંબો સમય સુધી ચાલશે તો મોંઘવારી અને સપ્લાય ચેઈનની ખામી સાથે, સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ પર કમરતોડ અસર પડશે.

Most Popular

To Top