World

અમેરિકાના કેલિફોર્નિયામાં નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર અંધાધૂંધ ફાયરિંગ, 10ના મોત

નવી દિલ્હી: અમેરિકાના (America) કેલિફોર્નિયામાં (California) ફરી એકવાર અંધાધૂંધ ફાયરિંગની (Firing) ઘટના સામે આવી છે. આ ઘટનામાં 16 લોકો ઘાયલ થયા છે. તેમજ 10 લોકોના મોત થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ ફાયરિંગ કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં થઈ હતી.

મળતી માહિતી અનુસાર અમેરિકાના કેલિફોર્નિયામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન ઘટના બની હતી. કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં લૂનર ન્યૂ યરની ઉજવણી દરમિયાન ઓછામાં ઓછા 10 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જેમાં 16 લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી અનુસાર લોસ એન્જલસ નજીક મોન્ટેરી પાર્કમાં ગોળીબારની ઘટના બની હતી. લૂનર ન્યૂ યર નિમિત્તે હજારો લોકો ત્યાં એકઠા થયા હતા. ત્યારે જ હત્યારાએ અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું.

એક અહેવાલ અનુસાર મોન્ટેરી પાર્ક ચાઈનીઝ લૂનર ન્યૂ યરની ઉજવણીનું આયોજન કરી રહ્યું હતું. શનિવારે રાત્રે લગભગ 10 વાગ્યે (અમેરિકાના સમય અનુસાર) અહીં અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અહીં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ ફાયરિંગમાં ઓછામાં ઓછા 16 લોકોને ગોળી વાગી હતી. મોન્ટેરી પાર્ક એ લોસ એન્જલસ કાઉન્ટીમાં આવેલું એક શહેર છે, જે ડાઉનટાઉન લોસ એન્જલસથી આશરે 7 માઈલ (11 કિમી) દૂર છે.

5 દિવસ પહેલા પણ થઈ હતી ફાયરિંગ
જણાવી દઈએ કે આ પહેલા સોમવારે પણ કેલિફોર્નિયાના ગોશેનમાં એક ઘરમાં ફાયરિંગ થયું હતું. જેમાં 17 વર્ષની માતા અને છ મહિનાના બાળક સહિત છ લોકોના મોત થયા હતા. પોલીસે તેને ટાર્ગેટ કિલિંગ ગણાવી છે. તુલારે કાઉન્ટી શેરિફ માઈક બૌડ્રેક્સે જણાવ્યું હતું કે હાર્વેસ્ટ રોડના 6800 બ્લોકમાં છ લોકોને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઓછામાં ઓછા બે શકમંદ એવા છે જેઓ પકડાયા નથી. તે હિંસા નહોતી, પરંતુ ટાર્ગેટ કિલિંગ હતી.

નવેમ્બરમાં ફિલાડેલ્ફિયામાં ગોળીબારમાં 10 લોકો માર્યા ગયા હતા
ગયા વર્ષે નવેમ્બર 2022 માં, યુએસએના ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયામાં ઝડપી ગોળીબારમાં 10 લોકો માર્યા ગયા હતા. લોકોએ આ ઘટનાનો વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ પહેલા અમેરિકાના નોર્થ કેરોલિનામાં ગોળીબારની ઘટનામાં 6 લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મૃતકોમાં એક ઑફ ડ્યુટી પોલીસ અધિકારી પણ છે. આ ઘટના નોર્થ કેરોલિનાના રેલેની છે.

Most Popular

To Top