Gujarat

મોરબી દુર્ઘટના: ઓરેવા કંપનીના માલિકની ટૂંક સમયમાં ધરપકડ થશે, લુકઆઉટ સર્ક્યુલર જાહેર

ગાંધીનગર: મોરબી દુર્ઘટના (Morbi Accident) મામલે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબીમાં થયેલા પુલ અકસ્માત કેસમાં ઓરેવા કંપનીના (Orewa Company) માલિક જયસુખ પટેલ (Jaysukh Patel) સામે ધરપકડ વોરંટ (Warrant) જાહેર કરવામાં આવ્યું છે, આ સાથે પોલીસે ચાર્જશીટમાં પટેલને આરોપી બનાવ્યા છે, જોકે હજુ સુધી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી નથી. આ સાથે જ વોરંટ જાહેર થયા બાદ પોલીસે જયસુખ પટેલ માટે લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યો છે. જે બાદ માનવામાં આવી રહ્યું છે કે તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. પટેલે બે દિવસ પહેલા કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી.

તમને જણાવી દઈએ કે ગત વર્ષે ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી ગયો હતો. અકસ્માત સમયે ઝૂલતા પુલ પર 300-400 સહેલાણીઓ હાજર હતા. અચાનક જ પુલ તૂટી પડતા સહેલાઓ નદીમાં પડી ગયા હતા. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. કેટલાક લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે ચોંકાવનારી વાત એ છે કે 7 મહિનાના સમારકામ બાદ જ દુર્ઘટનાના 5 દિવસ પહેલા જ બ્રિજ ખુલ્લો મુકાયો હતો. ઝૂલત પુલ ખુલ્લો મુકાતા જ સહેલાણીઓની ભીડ ઉમટી હતી. પરંતુ બ્રિજ ખોલતા પહેલા ફિટનેસ સર્ટિફિકેટ પણ લેવામાં આવ્યું ન હતું. આ બ્રિજની જાળવણીનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપની પાસે જ હતો. જે બાદ કંપની અને તેના માલિક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સતત સુનાવણી થઈ રહી છે. ગત સુનાવણીમાં પીડિત પરિવારોને યોગ્ય વળતર આપવાનું કહેવામાં આવ્યું હતું. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે આ તબક્કે ઘાયલોને વળતર તરીકે 50,000 રૂપિયા પણ નજીવા છે. વચગાળાના રિપોર્ટમાં ઇજાઓ, હોસ્પિટલમાં દાખલ, સારવારની વિગતો બહાર આવી નથી. મોરબી અકસ્માતમાં પીડિત પરિવારોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. અકસ્માતની તપાસ માટે અનેક સમિતિઓની રચના કરવામાં આવી હતી. ઘણા લોકો સામે આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા, જે બાદ ગુજરાત હાઈકોર્ટે આ મામલાની સુઓ મોટુ સંજ્ઞાન લેતા ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને નોટિસ ફટકારી હતી. હવે આરોપી વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ બહાર પાડવામાં આવી છે. કહેવાય રહ્યું છે કે ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવશે.

Most Popular

To Top