Gujarat

મોરબીમાં માનવતાને શરમાવે તેવી ઘટના: પગાર લેવા ગયેલા યુવકને મોઢાથી ચપ્પલ લેવડાવ્યું

ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં ફરી એક વખત માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. મોરબીમાં (Morbi) એક યુવક પોતાનો પગાર લેવા માટે ગયો ત્યારે તેને ઢોર માર મારીને મોઢામાં ચપ્પલ (Slippers) લેવડાવી અપમાનિત કર્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મામલે પોલીસે રાણીબા ઇન્ડસ્ટ્રીઝના વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને તેના ભાઈ સહિત અન્ય લોકો સામે મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

  • મોરબીમાં પગાર લેવા ગયેલા યુવકને મોઢાથી ચપ્પલ લેવડાવ્યું
  • પોલીસે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત બાર લોકો સામે ફરિયાદ દાખલ કરી

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબી ખાતે રહેતા નિલેશ દલસાણીયાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, રાણીબાના ઈન્સ્ટાગ્રામમાં સ્ટાફ જોઈએ છે. તેવી જાહેરાત જોઈને તેઓ ત્યાં મળવા ગયા હતા, ત્યારે રવાપર ચોકડી પાસે આવેલા કેપિટલ માર્કેટમાં રાણીબા ઇન્ડસ્ટ્રીઝના એક્સપોર્ટ વિભાગમાં નોકરી મળી હતી. ગત 2 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધી તેણે ત્યાં કામ કર્યું હતું. ત્યારબાદ તેણે નોકરી છોડી દીધી હતી, પરંતુ જેટલા દિવસનો કામ કર્યું હતું એટલા દિવસનો પગાર લેવા માટે નિલેશભાઈ ગયા ત્યારે ઓફિસમાં મેનેજર તથા અન્ય શખ્સોએ ભેગા મળીને નિલેશભાઈને ગડદાંપાટુનો માર માર્યો હતો. તેમજ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાઈ મોઢામાં ચપ્પલ લેવડાવીને અપમાનિત કર્યો હતો. તેમજ બળજબરીથી માફીપત્ર અને ખંડણી ઉઘરાવતો વિડીયો ઉતારી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી..

ગુજરાત જેવા વિકસિત અને મોડેલ રાજ્યમાં આ ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જાતિવાચક શબ્દો બોલીને તેમજ મોઢામાં જૂતું લેવડાવવાની ઘટનાથી અનુસૂચિત જાતિના સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરોએ આજે મોટી સંખ્યામાં કલેકટર કચેરીએ દેખાવો કર્યા હતા અને અત્યાચાર બંધ કરો આરોપીની તાત્કાલિક ધરપકડ કરોના સૂત્રોચાર કર્યા હતા.

મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધાયેલી ફરિયાદ બાદ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત બાર વ્યક્તિઓ સામે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ત્રણ અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડી લેવાની કામગીરી હાથ ધરી છે.

Most Popular

To Top