Business

મુસાફરોની સગવડને ધ્યાનમાં રાખી વંદે ભારત સ્લીપર ટ્રેન માટે સરકારે કરી મોટી જાહેરાત

નવી દિલ્હી: દેશની (India) સૌથી આધુનિક ટ્રેન વંદે ભારતની (Vande Bharat Train) યાત્રા હવે વધુ આરામદાયક બનવા જઈ રહી છે. અત્યાર સુધી વંદે ભારતમાં બેસીને પ્રવાસ કરવાની સુવિધા ઉપલબ્ધ હતી. પરંતુ 8 થી 10 કલાક સુધી બેસી રહેવું દરેક માટે સરળ નથી. આને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ (Indian Railway) મોટો નિર્ણય લીધો છે. હવે ટૂંક સમયમાં વંદે ભારત ટ્રેનમાં સૂઇને આરામદાયક મુસાફરી કરી શકશો. આ માટે ભારતીય રેલ્વે ટૂંક સમયમાં જ સ્લીપર કોચવાળી વંદે ભારત ટ્રેનને અમલમાં મૂકવાની તૈયારી કરી રહી છે. આ સ્લીપર્સ સાથે વંદે ભારત ટ્રેનોનું ઉત્પાદન જૂન 2025થી શરૂ થશે. એવું માનવામાં આવે છે કે આ ટ્રેનો 2025ના અંત સુધીમાં અથવા 2026માં પાછી દોડતી થઇ જશે.

વંદે ભારત સ્લીપર કોચ ફીટેડ ટ્રેનોનું વાણિજ્યિક ઉત્પાદન જૂન, 2025 થી ટીટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડ (TRSL) ના ઉત્તરપારા પ્લાન્ટમાં શરૂ થશે. આ વિશે વધુ માહિતી આપતા TRSLના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની ઉપક્રમ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ( BHEL) સાથેના જોડાણને રેલવે દ્વારા વંદે ભારત સ્લીપર ટ્રેનોના 80 સેટ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. વંદે ભારતની આ સ્લીપર ટ્રેન હાલમાં કાર્યરત વંદે ભારત ટ્રેનથી અલગ હશે. જેમાં બેસવાની સીટને બદલે મુસાફરોને સૂવા માટે યોગ્ય સીટો લગાવવામાં આવશે.

આ ટ્રેનના 50-55 ટકા સ્પેરપાર્ટ્સ બંગાળમાં જ બનાવશે. આ જોડાણમાં TRSL 52 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઉમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે રેલવે દ્વારા જોડાણને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટનું કુલ મૂલ્ય રૂ. 24,000 કરોડ છે, જેમાં TRSLનો હિસ્સો રૂ. 12,716 કરોડ જેટલો છે. તેમણે કહ્યું કે આ કોન્ટ્રાક્ટ છ વર્ષમાં પૂર્ણ થશે.

ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે વંદે ભારત સ્લીપર ટ્રેનનું વ્યાપારી ઉત્પાદન જૂન, 2025થી શરૂ થશે અને તેના માટે ઉત્તરપારા પ્લાન્ટમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ માટે 650 કરોડ રૂપિયાની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેનનો પ્રથમ પ્રોટોટાઈપ બે વર્ષમાં તૈયાર કરવામાં આવશે. પ્રથમ આઠ ટ્રેનો સંપૂર્ણપણે ઉત્તરપારા પ્લાન્ટમાં બનાવવામાં આવશે જ્યારે બાકીની ટ્રેનોને રેલવેના ચેન્નાઈ પ્લાન્ટમાં એસેમ્બલ કરવામાં આવશે.

Most Popular

To Top