Sports

ન્યૂઝીલેન્ડને હરાવી ભારત બન્યું નંબર વન

ઇન્દોર: આજે અહીંના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને અંતિમ વન ડેમાં ભારતીય ટીમે (Indian Team) 90 રને જીત મેળવીને સીરીઝમાં ન્યૂઝીલેન્ડને 3-0થી ક્લિનસ્વીપ કર્યું હતું અને આ જીતની સાથે જ ભારતીય ટીમ આઇસીસી વન ડે (ICC One Day) ઇન્ટરનેશનલ રેન્કિંગમાં નંબર વન ટીમ બની ગઇ હતી. ભારતીય ટીમ ટી-20માં પહેલાથી નંબર વન છે અને ટેસ્ટમાં ભારતીય ટીમ બીજા ક્રમે છે.

ટોસ હારીને પહેલા બેટીંગ કરનારી ભારતીય ટીમને રોહિત અને ગિલે 200 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. રોહિતે 85 બોલમાં નવ ચોગ્ગા અને છ છગ્ગા સાથે 101 રન જ્યારે ગિલે 78 બોલમાં 13 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 112 રનની ઇનિંગ રમી હતી. હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવરોમાં 38 બોલમાં ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 54 રનની ઇનિંગ રમીને ટીમના સ્કોરને 385 રન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી ન્યૂઝલેન્ડની ટીમે પહેલી ઓવરમાં જ ફિન એલનની વિકેટ ગુમાવી હતી. જો કે ડેવોન કોનવેએ બાજી સંભાળીને 42 રન કરનારા હેનરી નિકોલ્સસાથે 106 અને 24 રન કરનારા ડેરિલ મિશેલ સાથે 78 રનની ભાગીદારી કરી હતી. કોનવેએ તેની ત્રીજી સદી 71 બોલમાં ફટકારી હતી. જો કે તે આઉટ થતાંની સાથે ન્યૂઝીલેન્ડની રનગતિ ધીમી પડી હતી. ભારત તરફથી શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવે 3-3 જ્યારે યુઝવેન્દ્ર ચહલે 2 તેમજ હાર્દિક પંડ્યા અને ઉમરાન મલિકે એક-એક વિકેટ લીધી હતી.

વન ડેમાં સર્વાધિક છગ્ગા અને સદી મામલે રોહિત શર્મા વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યો
આજે અહીં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ વન ડેમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ 6 છગ્ગા સાથે શતકીય ઇનિંગ રમી હતી. આ સદી રોહિતની વન ડે કેરિયરની 30મી સદી હતી અને તેની સાથે જ તેણે વન ડેમાં સર્વાધિક સદી મામલે રિકી પોન્ટીંગની બરોબરી કરીને સચિન તેંદુલકર અને વિરાટ કોહલી પછી ત્રીજા સ્થાને પહોંચ્યો હતો.

વન ડેમાં સચિને 49 અને કોહલીએ 46 સદી ફટકારી છે. આજની મેચમાં 6 છગ્ગા ફટકારીને તે વન ડે ઇન્ટરનેશનલમાં સર્વાધિક છગ્ગા ફટકારવા મામલે શ્રીલંકાના સનથ જયસૂર્યાને ઓવરટેક કરીને વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયો હતો. રોહિતના નામે 241 મેચમાં 273 છગ્ગા છે જ્યારે જયસૂર્યાના નામે 445 મેચમાં 270 છગ્ગા છે. વન ડેમાં સર્વાધિક 351 છગ્ગાનો રેકોર્ડ પાકિસ્તાનના શાહિદ આફ્રિદીના નામે છે અને તેના પછી 331 છગ્ગા સાથે વેસ્ટઇન્ડિઝના ક્રિસ ગેલનો નંબર આવે છે. ભારતનો માજી કેપ્ટન એમએસ ધોની 229 છગ્ગા સાથે આ યાદીમાં પાંચમા ક્રમે છે.

Most Popular

To Top