Dakshin Gujarat

કામરેજના માંકણા ગામે ઘીનો 1725 કિલો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો

કામરેજ: (Kamrej) માંકણાથી શંકાસ્પદ ઘીનો (Ghee) 1725 કિલો ગીર ગાય પ્રીમીયમ ક્વોલિટીનો જથ્થો પકડી પાડી રૂ.13,42,713 મુદ્દામાલ જપ્ત કરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને (Department of Food and Drugs) જાણ કરવામાં આવી હતી. સ્થળ પર પામતેલને ગરમ કરી અલગ અલગ ફ્લેવરનું મિશ્રણ કરી ઘી બનાવવાની પ્રક્રિયા કરાઈ રહી હતી.

  • માંકણા ગામે ગીર ગાયના ઘીનો 1725 કિલો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો
  • પામતેલને ગરમ કરી અલગ અલગ ફ્લેવરનું મિશ્રણ કરી ઘી બનાવાતું હતું
  • ઘીનો જથ્થો કિંમત રૂ.9.65 લાખ સહિત 13.45 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

કામરેજ પોલીસમથકના પીએસઆઈ વી.આર.ચોસલા સોમવારના રોજ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે, માંકણા ગામની હદમાં આવેલી સ્વર્ગ સોસાયટીમાં મકાન નં.2ના રહેણાક મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર શંકાસ્પદ ઘીની બનાવટના જથ્થાનું પેકિંગ ચાલુ છે. જે બાતમીના આધારે રેડ કરતાં મહેશ ભીમજી બગીયા (રહે.,84 વ્રજભૂમિ સોસાયટી, માંકણા)ને સાથે રાખી તપાસ કરતાં મકાનમાં પામતેલને ગરમ કરી અલગ અલગ ફ્લેવરનું મિશ્રણ કરી ઘી બનાવવાની પ્રક્રિયા કરી ઘી ડબ્બાઓ ભરી વ્રજ વાટિકા ફૂડ પ્રોડક્ટના નામથી ગીર ગાય પ્રીમીયમ ક્વોલિટી ગાય ઘીનું સ્ટિકર લગાવેલો જથ્થો મળી આવ્યો હતો.

કારખાના બાબતે પૂછપરછ કરતાં માલિક પ્રિતેશ દિલીપ ગેવરિયા (હાલ રહે.,18-ધર્મિષ્ઠા પાર્ક સોસાયટી, ઉમિયાધામ, મીની બજાર, મૂળ રહે.,નેસડી, તા.સાવરકુંડલા, જિ.અમરેલી), રવિ ગોરધન કળથિયા (હાલ રહે.,જી-206 ગોપીનાથજી રેસિડન્સી, અમરોલી, મૂળ રહે.,ઢાંકણી, જિ.બોટાદ) હોવાનું જણાવતાં કારખાનામાં મૂકેલા અલગ અલગ ઘીના ડબ્બામાં 1725 કિલો ઘીનો જથ્થો કિંમત રૂ.9,65,400 તેમજ પુઠ્ઠાનાં બોક્સ, પ્લાસ્ટિકની કોથળી, પ્લાસ્ટિકના ડબ્બા, ઘી ગરમ કરવાનું કેટલ, સીલિંગ મશીન, વજનકાંટો, ગેસનો ચૂલો, ગેસનો બાટલો મળી કુલ રૂ.13,45,713નો મુદ્દામાલ પકડી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સત્તાધીશોને જાણ કરવામાં આવી હતી. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top