શિક્ષણ ક્ષેત્રે અમેરિકાને બદલે યુરોપમાંથી પ્રેરણા લઇએ તો

Teacher and students in a classroom

વર્તમાન ભારતનાં સામાન્ય નાગરિકો પર અમેરિકાનો પ્રભાવ નોંધપાત્ર છે. ખાસ તો શહેરી ઉચ્ચ મધ્યમ વર્ગ લગભગ બધી જ વાતોમાં અમેરિકા સાથે ભારતની તુલના કર્યા કરે છે. આપણાં અધિકારીઓ પણ છેલ્લાં વર્ષોથી અમેરિકા તરલ ઢળેલા દેખાય છે. સ્વતંત્રતા પછી આપણે રશિયાના કેન્દ્રિય આયોજન અને લગભગ સામ્યવાદી મોડલ તરફ આકર્ષાયા હતા. એટલે લગભગ પાયાની જરૂરિયાત અને નાગરિક ઘડતર માટે અગત્યના શિક્ષણ તંત્ર પર સામ્યવાદી અસર દેખાઇ. મેકોલેના સમયથી શિક્ષણ વ્યવસ્થા સત્તાકેન્દ્રી રહી છે.

૧૯૯૧ ના ખાનગીકરણ પછી શિક્ષણ ક્ષેત્રે પણ સંસ્થાઓ ખાનગી ઢબે સ્થપાવાનું શરૂ થયું અને શિક્ષણ ક્ષેત્રે પણ નીતિ – નિયમોમાં પરિવર્તન આવવા લાગ્યા. આપણે જાણીએ છીએ કે શિક્ષણના નીતિ – નિયમો આજે પણ અધિકારીઓ નકકી કરે છે અને છેલ્લાં વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રે આવેલાં પરિવર્તનો પર અમેરિકાની ઘેરી છાપ છે. જેમકે અત્યાર સુધીની શિક્ષણનીતિમાં સત્તાવાર રીતે સરકારે બાળકના શિક્ષણની લાયકાત પાંચ વર્ષ પતાવે પછી જ નકકી કરી હતી. બાળ મંદિરની વ્યવસ્થા હતી. પરંતુ તે માત્ર બાળકને ઘરથી છૂટા પાડવા અને વ્યકિતગત બાબતોમાં આત્મનિર્ભર બનવા પૂરતી પ્રવૃત્તિ કરાવવા માટે જ હતી. પણ હવે નવા ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણના જમાનામાં માતા – પિતા બન્ને નોકરી કરતાં હોય ત્યારે બાળકોને સાચવવાનો પ્રશ્ન ઊભો થવા લાગ્યો છે. બાળકને પાંચ વર્ષનું થાય એ પહેલાં જ જૂદું મૂકવાના પ્રશ્નો ઊભા થયા. શહેરોમાં આ માટે પ્લેગૃપ શરૂ થયાં. K.G. શરૂ થયા. ચાર વર્ષની ઉંમરથી જ સિનિયર કે.જી. અને જુનિયર કે.જી.ના વર્ગોમાં બાળક ભણવા લાગ્યું. આ શરૂ તો થઇ જ ચૂકયું હતું પણ સરકારે નવી શિક્ષણનીતિમાં સ્પષ્ટ રીતે આને સત્તાવાર સમર્થન આપ્યું.

ત્રણ વર્ષ પૂરાં કરે તે બાળકને હવે આવી સંસ્થાઓમાં મૂકી શકાય. આવી સંસ્થાઓ સત્તાવાર લાયસન્સ મેળવવા પ્રાપ્ત બને! મૂળમાં આ અમેરિકાની બજાર વ્યવસ્થામાંથી ઉદભવેલી જરૂરિયાત હતી. અહીં બજારને બાળકો જોઇતાં હતાં અને મા-બાપને બાળકો રાખવાવાળું. બાકી બાળકને પાંચ વર્ષ તો મા-બાપનો સાથ જોઇએ જ! વળી બાળકને ભલે ચાર વર્ષથી જ જૂદું પાડો, પણ લખવા-વાંચવાના ઔપચારિક શિક્ષણને તો પાંચ પછી જ વિચારવું જોઇએ, પણ હવે આપણે ત્યાં તો કે.જી. પ્લે-ગૃપમાં પણ બાળકોને લખતાં-વાંચતાં શીખવાડાય છે. આ અમેરિકાની અસર છે.  બાકી જે અંગ્રેજોએ ભારતમાં આ આધુનિક શિક્ષણ પધ્ધતિ શરૂ કરી તે અંગ્રેજોના બ્રિટનમાં કે આખા યુરોપમાં પ્રાથમિક શિક્ષણ ખરેખર હસતાં-રમતાં અપાય છે. બ્રિટન અને અનેક યુરોપના દેશોમાં પ્રાથમિક શાળામાં બાળકે કોઇ પુસ્તક – નોટ લઇ જ જવાનાં નથી. તે હાથ ઉલાળતું જાય-હાથ ઉલાળતું પાછું આવે! તેની જરૂરિયાત બધી શાળામાં જ હોય! અહીં શિક્ષકોએ સતત અપડેટ રહેવું પડે છે. ખૂબ ઓછી સંખ્યામાં બાળકો વચ્ચે એક શિક્ષક હોય છે. બોલવું અને સાંભળવું આ બે જ આયામ બાળકના શરૂઆતના શિક્ષણમાં હોય છે. આપણે શિક્ષણ માટે યુરોપના દેશોમાંથી પ્રેરણા લેવા જેવી છે. જયાં શિક્ષણ વર્ષના બે ચક્ર ચાલે છે જૂનથી મે અને જાન્યુથી ડિસે.

આમ તો શિક્ષણમાં આવેલી સેમેસ્ટર સિસ્ટમ પણ વિદેશોની સેમેસ્ટર સિસ્ટમ સાથે મેળ બેસાડવા માટે જ છે અને ચોઇસ-બેજ ક્રેડિટ સિસ્ટમ (સી.બી.સી.એસ.) જેનો આપણે ઘડો લાડવો કરી નાખ્યો છે તે ખરેખર ત્યાં છે જ! કેમ્પસ યુનિવર્સિટીની નિર્ણાયક સ્વતંત્રતા, દેશભરના તજજ્ઞોનો યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે ઉપયોગ, નિયુકત અધ્યાપક અઠવાડિયાનાં સત્તર લેકચર લે તેવું નહીં, પણ તજજ્ઞ વ્યકિત આખા વરસમાં વીસ બેસ્ટ લેકચર આપવા આવે. યુનિ.ના જ ઉપરના વર્ગના તજજ્ઞ વિદ્યાર્થીઓ પણ ભણાવી શકે. આ નિયુકત અધ્યાપકો મોટો સમય સંશોધન – લેખન માટે મુકત જ હોય! આ માળખાને ધીરજપૂર્વક ચકાસીને અમલમાં મૂકવા જેવું છે. આ બધા જ દેશોમાં શિક્ષણ ક્ષેત્રે સરકાર માત્ર આર્થિક મદદ પૂરી પાડે છે. વધારે પડતાં નિયંત્રણો અને નિયમોથી શિક્ષણને ગુંગળાવતી નથી. ખાનગીકરણ અને ઉદારીકરણનાં ત્રીસ વર્ષ પછી આપણે આ દિશામાં વિચારવાની જરૂર છે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top