પંજાબમાં ચન્નીને મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે રજુ કરવાનો કોંગ્રેસનો દાવ સફળ રહેશે ?

દેશના મોટાભાગના રાજ્યોમાં શાસન ગુમાવી ચુકેલી કોંગ્રેસ માટે પંજાબ વિધાનસભાની ચૂંટણી ખૂબ મહત્ત્વની બની રહેનાર છે. આ રાજ્યમાં પોતાની સરકાર જાળવી રાખવી એ તેના માટે આબરૂનો પ્રશ્ન બની ગયો છે. આવા સંજોગોમાં આ રાજ્યમાં કેટલાક મહિનાઓથી પક્ષનું આંતરિક રાજકારણ ખૂબ ડહોળાયેલું છે. પંજાબના મુખ્યમંત્રીપદેથી કેપ્ટન અમરિંદરસિંહને રાજીનામુ આપવાનું કહેવામાં આવ્યું. નવજોત સિધ્ધુને પ્રદેશ ભાજપના પ્રમુખ બનાવવામાં આવ્યાં તે પહેલાથી જ તેમને કેપ્ટન સાથે સંઘર્ષ હતો. કેપ્ટનના રાજીનામા પછી કોંગ્રેસે ચરણજીતિસંહ ચન્નીને પંજાબના મુખ્યમંત્રી બનાવ્યાં અને આ ચન્ની સાથે પણ સિધ્ધુને સંઘર્ષ શરૂ થયો. જો કે આમાંથી કોઇ મોટો ભડકો તો થયો નથી પરંતુ વાતાવરણ ઘુંઘવાયેલું તો રહ્યું જ છે અને આવા સંજોગોમાં કોંગ્રેસે આગામી ચૂંટણી માટે પક્ષના મુખ્યમંત્રીપદના ચેહરા તરીકે હાલના મુખ્યમંત્રીના નામની જ જાહેરાત કરી છે.

અન્ય કેટલાક રાજ્યોની સાથે પંજાબ વિધાનસભાની ચૂંટણીને પણ હવે થોડા દિવસોની જ વાર છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ રવિવારે જાહેરાત કરી કે આગામી વિધાનસભા ચૂંટણી માટે પંજાબમાં પક્ષનો મુખ્યમંત્રીપદનો ચેહરો ચરણજીતસિંહ ચન્ની જ રહેશે. ચરણજીતસિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવાયા ત્યાર પછી તેમની છાવણી નોંધપાત્ર મજબૂત બની ગઇ અને સિધ્ધુ છાવણીનો તેણે મક્કમ મુકાબલો કર્યો. મુખ્યમંત્રી બનાવાયા ત્યારે ચન્ની એક નબળા નેતા માનવામાં આવતા હતા અને એક કડપૂતળી મુખ્યમંત્રી તેઓ બની રેહશે એવી ધારણા ઘણા વિશ્લેષકો રાખતા હતા પરંતુ આ ધારણા ખોટી પડી. ચરણજીતસિંહ ચન્નીએ થોડા જ સમયમાં એક મજબુત પરંતુ ‘ડાઉન ટુ અર્થ’ નેતા તરીકેની પોતાની છાપ બહુ સફળ રીતે ઉભી કરી. તેમને અવગણવા એ કોંગ્રેસની કેન્દ્રિય નેતાગીરી માટે મુશ્કેલ બની ગયું.

મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપ્યા પછી કેપ્ટન અમરિંદરસિંહ ભાજપ તરફ ઢળવા માંડયા અને બીજી બાજુ અદકપાંસળી જેવી છાપ ધરાવતા સિધ્ધુએ ચન્ની સામે પણ બખાળાઓ કાઢવાનું ચાલુ રાખ્યું. આવા સંજોગોમાં સામી ચૂંટણીએ બંને છાવણીઓને રાજી રાખવાનું અને પ્રદેશ કોંગ્રેસ એકસમાં શાંતિ જાળવવાનું કામ પક્ષની કેન્દ્રિય નેતાગીરી માટે ખૂબ મુશ્કેલ હતું. પ્રદેશ એકમમાં શાંતિ રાખવાના પ્રયાસ તરીકે કેન્દ્રિય નેતાગીરી તરીકે એક પોલ યોજવામાં આવ્યો અને તેમાં મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે કોને રજૂ કરવો તેનો અભિપ્રાય પક્ષના કાર્યકરો પાસેથી માગવામાં આવ્યો અને આમાં બહુમતિથી ચન્નીનું નામ આગળ આવ્યું એવી જાહેરાત કોંગ્રેસ નેતાગીરી દ્વારા કરવામાં આવી અને રાહુલ ગાંધીએ જાહેરાત કરી કે વિધાનસભા ચૂંટણીમાં પક્ષનો મુખ્યમંત્રીપદનો ચેહરો ચરણજીતસિંહ ચન્ની રહેશે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ માટો નિર્ણય નથી. મેં પંજાબના લોકો, યુવાનો અને કારોબારી સમિતિના સભ્યોને પુછયું મારી પાસે પણ એક અભિપ્રાય હતો પરંતુ મારા અભિપ્રાય કરતા તમારો અભિપ્રાય વધુ મહત્ત્વનો છે. પંજાબીઓએ અમને કહ્યું છે કે અમને એક એવા માણસની જરૂર છે કે જે ગરીબોને સમજી શકે. એમ રાહુલ ગાંધીએ કહ્યું અને નિર્ણયની જવાબદારી પોતાની નથી એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો. એક ટેલિપોસ યોજયા પછી આ જાહેરાત કરવામાં આવી. હાલ તો વચલો રસ્તો કાઢવાનો પ્રયાસ કોંગ્રેસ નેતાગીરી દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ તે કેટલો સફળ રહેશે તે તો સમય જ બતાવશે.

આ ટેલિપોસ આને તેના પછી રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી જાહેરાત પછી પણ નવજોત સિધ્ધુએ ચન્ની પર પ્રહારો કરવાના ચાલુ રાખ્યા છે. ચન્નીના એક સગાના ઘરે દરોડો પડયો તે અંગે સિધ્ધુએ કહ્યું કે મુખ્યમંત્રીપદનો ઉમેદવાર પ્રમાણિક હોવો જોઇએ. વળી સિધ્ધુએ એવું ગતકડું પણ રજુ કર્યુ કે મુખ્યમંત્રીપદના ઉમેદવારને પક્ષના ઓછામાં ઓછા 60 ધારાસભ્યોનો ટેકો તો હોવો જ જોઇએ સિધ્ધુનું આ વર્તન જોતા લાગે છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં પંજાબમાં કોંગ્રેસ માટે ચઢાણ કપરા જ રહેશે.

Most Popular

To Top