Gujarat Main

ઉપલેટામાં અરેરાટીપૂર્ણ બનાવ, 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવી માતાએ પણ ગટગટાવ્યું

રાજકોટ(Rajkot): ઉપલેટામાં (Upleta) અરેરાટીપુર્ણ ઘટના બની છે. અહીં યુવાન પરિણીતાએ આપઘાત (Sucide) કર્યો છે. જોકે વધુ આઘાતજનક બાબત એ છે કે પરિણીતાએ પોતાની 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવી તેની હત્યાનો (Murder) પ્રયાસ કર્યો હતો. દીકરીને એસિડ પીવડાવ્યા બાદ પરિણીતાએ પોતે પણ એસિડ પી લીધું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉપલેટાના ભીમોરા ગામમાં રહેતા મનીષાબેન મકવાણા રવિવારે બપોરે ઘરમાં એકલા હતા. ત્યારે મનીષાબેને પોતાની 9 મહિનાની માસુમ પુત્રી ધાર્મીને એસિડ પીવડાવ્યું હતું અને ત્યાર બાદ પોતે પણ એસિડ ગટગટાવી લીધું હતું. આ બનાવ બાદ તેમણે વાડીએ કામે ગયેલા પતિને ફોન કરીને પોતે એસિડ પી લીધું હોવાની જાણ કરી હતી. જેથી પતિ ઘરે દોડી ગયો હતો.

બેભાન હાલતમાં માતા તથા પુત્રીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે મહિલાનું સારવાર મળતા પહેલા જ મોત થઈ ગયું હતું. જ્યારે બાળકી હાલ સારવાર હેઠળ છે. બાળકીની સ્થિતિ કટોકટ હોવાનું જાણવા મળ્યું છે. પરિણીતાએ આવું ઘાતક પગલું કેમ ભર્યું તેનું કારણ જાણી શકાયું નથી. પોલીસે તપાસ હાથ ધરી છે.

ચર્ચા અનુસાર ઘરકંકાસથી ત્રાસી જઈ પરિણીતાએ આત્યંતિક પગલું ભર્યું છે. આ મામલામાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલામાં પરિણીતાનો પતિ ફરિયાદી બન્યો છે.

બે વર્ષ પહેલાં થયા હતા લગ્ન
આ કેસમાં આપઘાત કરનાર પરિણીતાના પતિએ પોલીસ ફરિયાદ આપી છે. ફરિયાદી ગાંડાભાઈ મકવાણાએ પોલીસને જણાવ્યું કે તેઓ ઉપલેટાના ભીમોરા ગામના વતની છે. મજૂરી કામ કરે છે. બે વર્ષ પહેલાં મઘરવાડા ગામે રહેતા ઘનાભાઈ નારણભાઈ જાપડાની દીકરી મનિષા સાથે સમાજના રીતિરિવાજ અનુસાર લગ્ન થયા હતા. સંતાનમાં એક 9 મહિનાની દીકરી છે.

Most Popular

To Top