Madhya Gujarat

પેટલાદમાં તસ્કરો ગેસકટરથી ATM તોડી 20.22 લાખની રોકડ ચોરી ગયાં

આણંદ : પેટલાદના નડિયાદ રોડ પર આવેલા જીઈબી પાસે મોડી રાતે તસ્કરોએ ગેસ કટરથી એટીએમ તોડી તેમાંથી 20.22 લાખ રૂપિયાની રોકડ ચોરી ગયાં હતાં. લાંબા સમય બાદ એકાએક એટીએમ તોડતી ગેંગ સક્રિય થતાં પોલીસ વિભાગમાં પણ દોડધામ મચી ગઈ હતી. આ અંગે પેટલાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પેટલાદ શહેરના નડિયાદ રોડ પર જીઈબી પાસે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમને ગુરૂવારની મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ગેસ કટરથી એટીએમ તોડી તેમાંથી રોકડની ચોરી કરી નાસી ગયાં હતાં.

આ અંગે વ્હેલી સવારે પોલીસને જાણ થતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફુટેજ હાથ લાગ્યાં હતાં. પરંતુ તેમાં ખાસ કોઇ કડી મળી નહતી. બીજી તરફ બેંક સંચાલક દ્વારા એટીએમમાં નાણાં મુકનાર એજન્સીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે મોડી સાંજે આવી હતી, બેંક દ્વારા એટીએમમાં નાણા ઉપાડ્યાં હોય તે એન્ટ્રી ક્રોસ ચેક  કરતાં રૂ.20,22,100 ની થઇ હોવાનું જાણવા મળ્યું હતું. હાલ આ અંગે મોડી સાંજ સુધી પોલીસે ડોગ સ્ક્વોર્ડ, એફએસએલની મદદથી પગેરૂ દબાવવાની કોશીષ કરી હતી. પરંતુ તેમાં ખાસ કોઇ સફળતા મળી નહતી.

ATM તોડતી ગેંગ સક્રિય થતાં પોલીસ ચોંકી

આણંદ જિલ્લા અગાઉ પણ એટીએમ તોડતી ગેંગ સક્રિય થઇ હતી. આ ગેંગે પોલીસની ઉંઘ હરામ કરી નાંખી હતી. એટલે સુધી કે પોલીસને જે તે બેન્કના સંચાલકો સાથે બેઠક યોજી ખૂણે ખાચરે આવેલા એટીએમની જાણ કરવી, બેન્કમાં સિક્યુરીટી રાખવી સહિતના મુદ્દા પર ચર્ચા કરી હતી. જોકે, બાદમાં ગેંગ પકડાતાં રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ ખંભાતના ઉંદેલ અને પેટલાદમાં એક જ રાતમાં બે એટીએમ તુટતાં પોલીસ સફાળી જાગી છે અને તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top