Columns

મૈસૂરના ગેન્ગરેપ પછી રાજકીય પક્ષો પોતાના રોટલા શેકી રહ્યા છે

દર વખતે દેશના કોઈ પણ ભાગમાં ગેન્ગરેપની ગમખ્વાર દુર્ઘટના બને તે પછી રાજકીય પક્ષો ભવિષ્યમાં તેવી દુર્ઘટના ન બને તેની વિચારણા કરવાને બદલે પોતાના રાજકીય રોટલા શેકવામાં લાગી જાય છે. દિલ્હીમાં વર્ષો પહેલાં નિર્ભયાનો કિસ્સો બન્યો હતો, જેણે દેશને ઢંઢોળી કાઢ્યો હતો. થોડા સમય પહેલાં ગોવાના બીચ ઉપર મધ્યરાત્રિએ ૧૪ વર્ષની કન્યા પર ગેન્ગરેપ કરવામાં આવ્યો હતો ત્યારે સવાલ કરવામાં આવ્યો હતો કે ૧૪ વર્ષની કન્યાએ પોતાના બોયફ્રેન્ડ સાથે અડધી રાતે બીચ પર જવાની અને દારૂ પીવાની શું જરૂર હતી? તે સવાલનો જવાબ આપ્યા વિના વિપક્ષો એક જ ગાણું ગાતા હતા કે સરકારે દરેક નાગરિકને સુરક્ષા આપવી જોઈએ. સરકારની ફરજ જેમ દરેક નાગરિકને સુરક્ષા આપવાની છે તેમ લોકોની ફરજ પણ પોતાની જાતની સુરક્ષા કરવાની છે. લોકો જો જાણી જોઈને પોતાની જાતને જોખમમાં મૂકી દે તો સરકાર તેમનું રક્ષણ કેવી રીતે કરે?

દિલ્હીમાં અને ગોવામાં બન્યો હતો તેવો કિસ્સો હવે કર્ણાટકના સાંસ્કૃતિક પાટનગર ગણાતા મૈસૂર શહેરમાં પણ બન્યો છે. મુંબઈથી મૈસૂર ફરવા આવેલી ૨૨ વર્ષની કોલેજકન્યા મંગળવારે રાતે લગભગ સાડા સાત વાગ્યે પોતાના સ્થાનિક બોયફ્રેન્ડ સાથે બાઇક પર ફરવા નીકળી હતી. ફરતાં ફરતાં તે મૈસૂરની વિખ્યાત ચામુંડી હિલની તળેટીમાં આવેલા ગાઢ જંગલમાં પહોંચી ગઈ. ત્યાં કેટલાક યુવાનો દારૂની પાર્ટી કરી રહ્યા હતા. દારૂના નશામાં ચકચૂર તેમણે બોયફ્રેન્ડને માર્યો હતો અને તેની નજર સામે જ યુવતી પર ગેન્ગરેપ કર્યો હતો. તેમની હિંમત એટલી બધી હતી કે તેમણે મોબાઇલ વડે ગેન્ગરેપનો વીડિયો બનાવ્યો હતો અને કપલ પાસે ત્રણ લાખ રૂપિયાની માગણી કરી હતી. જો રૂપિયા ન આપે તો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. લગભગ બે કલાક સુધી અત્યાચારો ગુજાર્યા પછી તેમણે કપલને છોડી દીધું હતું. તેમણે કોઈ કારમાં લિફ્ટ લીધી હતી. યુવતીને વહેલી સવારે દોઢ વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ખરેખર આ ઘટના કમનસીબ હતી.

આ ગેન્ગરેપની ઘટનાની બુધવારે પોલીસને જાણ થઈ હતી. ઘટનાની જાણ થયા પછી કર્ણાટકના ગૃહ પ્રધાન અરાગા જ્ઞાનેન્દ્રે ટિપ્પણી કરી હતી કે ‘‘યુવતીએ તેવી સૂમસામ જગ્યાએ રાતના સમયે જવાની શું જરૂર હતી?’’ ગૃહ પ્રધાને જાણે કોઈ ભયંકર વાત કરી દીધી હોય તેમ કોંગ્રેસના નેતાઓ તેમની પર તૂટી પડ્યા હતા કે ‘‘તમે ગેન્ગરેપનો ભોગ બનનારી યુવતીનો વાંક કાઢી જ કેમ શકો? સરકારની જવાબદારી તેનું રક્ષણ કરવાની હતી. ’’ કોંગ્રેસના નેતાઓએ ગૃહ પ્રધાન પર એવી પસ્તાળ પાડી કે તેમનાથી બોલાઈ ગયું કે ‘‘કોંગ્રેસના નેતાઓ હવે મારા પર રેપ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા ડી. શિવકુમારે આ વાક્ય પકડી લીધું અને સામે પડકાર કર્યો કે જો ગૃહ પ્રધાન પર ખરેખર અમે રેપ કર્યો હોય તો તેઓ અમારી ધરપકડ કરાવી શકે છે. કોંગ્રેસના નેતાઓ જાણી જોઈને ભાજપ સરકારને નીચું દેખાડવા ગૃહ પ્રધાન પર તૂટી પડી હતી. છેવટે મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઇને ગૃહ પ્રધાનના બચાવમાં આવવું પડ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ ગૃહ પ્રધાનના નિવેદનને સમર્થન આપતા નથી; પણ ગુનેગારોને પકડવાના તમામ પ્રયાસો કરવામાં આવશે. જો કે આ લખાઈ રહ્યું છે ત્યારે મૈસૂરની પોલીસ ગુનેગારોને પકડવામાં સફળ થઇ હોવાની માહિતી નથી.

દેશમાં બનેલી ગેન્ગરેપની એક વધુ ઘટનાને પગલે કેટલાક સવાલો ઉપસ્થિત થાય છે : (૧) દરેક શહેરમાં કેટલીક એવી જગ્યાઓ હોય છે, જ્યાં ગેરકાયદે ધંધાઓ ચાલતા હોવાની સરકારને અને પોલીસને પણ જાણ હોય છે. મુંબઈના કમલા મિલના કમ્પાઉન્ડમાં વર્ષો પહેલાં આવો કિસ્સો બન્યો હતો, જ્યાં યુગલો પ્રેમાલાપ કરવા આવતા હોય છે. આ જગ્યાઓ પર સૂર્યાસ્ત પછી શરાબની પાર્ટીઓ ચાલતી હોય છે અને જાહેરમાં વેશ્યાવ્યવસાય પણ ચાલતો હોય છે. શા માટે પોલીસ દ્વારા આ સ્થળો પર ચોકીપહેરો રાખવામાં આવતો નથી? કોઈ નાગરિકે માસ્ક ન પહેર્યો હોય તો દંડ ઉઘરાવવા પહોંચી જતી પોલીસ આવી જગ્યાએ કેમ ગેરહાજર હોય છે?

(૨) આ જગ્યા પર જવામાં ભારોભાર જોખમ છે તેવું જાણતા હોવા છતાં કેટલાંક પ્રેમી યુગલો પોતાના જાનનું જોખમ ખેડીને પણ અંગત પળો માણવા તેવી જગ્યા પર પહોંચી જતાં હોય છે. તે જગ્યા પર કદાચ કોઈ હવાલદાર હાજર હોય તો પણ તે યુગલને સાવચેત કરવાને બદલે તેમની પાસેથી રૂપિયા ઉઘરાવતા જોવા મળે છે. જે યુગલો આવી જગ્યા પર રાતના સમયે જાય છે તેમણે જોખમ સમજીને જવું ન જોઈએ. જવું જ હોય તો સરકાર તેમને સંરક્ષણ આપે તેવી અપેક્ષા રાખવી ન જોઈએ. માતાપિતાએ પણ પોતાનાં બાળકો ક્યાં જાય છે? તેના પર વોચ રાખવો જોઈએ.

મૈસૂરની ઘટના પર પાછા ફરીએ તો પોલીસે ઘટના સ્થળ પરથી દારૂની ખાલી બોટલો અને બિયરના ખાલી કેન પણ કબજે કર્યા છે. પોલીસને લાગે છે કે તેઓ સાંજ પડી તે પહેલાંથી તે જગ્યા પર પાર્ટી કરી રહ્યા હતા. પોલીસે શંકાના આધારે એક વ્યક્તિની અટકાયત કરી છે અને યુવતી તથા તેના બોયફ્રેન્ડે કરેલા વર્ણનના આધારે આરોપીઓના સ્કેચ બનાવ્યા છે. ઘટનાની વધુ વિગતો આરોપીઓની ધરપકડ કર્યા પછી જાણવા મળશે. જો કે ઘટનાની વિગતો પરથી એટલું નક્કી છે કે ગુનો કરનારને પોલીસનો કે કાયદાનો બિલકુલ ડર નહોતો. આ કારણે જ તેઓ લગભગ બે કલાક સુધી ગેન્ગરેપ કરતા રહ્યા હતા અને મોબાઇલ વડે વીડિયો બનાવતા રહ્યા હતા. તેમને ખબર હતી કે તે જગ્યા તદ્દન નિર્જન હોવાથી યુવતીને બચાવવા કોઈ આવવાનું નથી. હકીકતમાં તેવું જ બન્યું હતું. યુવતીની અને તેના બોયફ્રેન્ડની ચીસો સાંભળીને પણ તેને બચાવવા કોઈ આવ્યું નહોતું.

તાજેતરમાં ગોવામાં ગેન્ગરેપની ઘટના બની હતી; પણ થોડા દિવસોમાં તે ભૂલાઈ જશે. તેવી જ રીતે દિલ્હીની ઘટના પણ હવે લગભગ ભૂલાઈ ગઈ છે. તેવી જ રીતે મૈસૂરની ઘટના પણ થોડા દિવસમાં ભૂલાઈ જશે, પણ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કાંઈ કરવામાં આવશે નહીં. મારા મતે રાજ કુંદ્રાની ધરપકડ અને ગેન્ગરેપની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સીધો સંબંધ છે. આજકાલ ઓટીટી પ્લેટફોર્મ પર જે પોર્નોગ્રાફી બેધડક બતાવવામાં આવે છે તેનો ભોગ મોટા પ્રમાણમાં યુવાનો અને યુવતીઓ બની રહ્યાં છે.

આ ફિલ્મો જોયા પછી તેમની કામવાસના કાબૂમાં રહેતી નથી. આજકાલ યુવતીઓનાં લગ્ન મોડાં કરવામાં આવે છે, કારણ કે તેણે ભણવાનું હોય છે અને કેરિયર બનાવવાની હોય છે. દરમિયાન શરીર શરીરનું કામ કરે છે. યુવતીઓ કોલેજમાંથી બોયફ્રેન્ડ શોધી લે છે અને તેની સાથે શારીરિક સંબંધો બાંધવા લાગે છે. હોટેલમાં જવાના રૂપિયા નથી હોતા; માટે સાંજ પછી એકાંત સ્થળો શોધે છે, જેમાંથી મૈસૂરમાં બની તેવી ઘટનાઓ આકાર ધારણ કરે છે.

ઓટીટી પ્લેટફોર્મ પર પોર્નોગ્રાફિક ફિલ્મો જોઈને પુરુષોની કામવાસના પણ બેકાબૂ થઈ જાય છે. તેમાં શરાબનો નશો ભળે છે. તે માટે તેઓ એકાંત સ્થળે પહોંચી જાય છે. રાજ કુંદ્રાનો કેસ બન્યા પછી તેનું પોર્નોગ્રાફી બતાડતું ઓટીટી પ્લેટફોર્મ તો બંધ કરાવી દેવામાં આવ્યું છે, પણ બીજાં બે ડઝન પ્લેટફોર્મ પર પોર્નોગ્રાફીનું વિતરણ બેરોકટોક ચાલી રહ્યું છે. મુંબઈની પોલીસને તેને બંધ કરાવવામાં બિલકુલ રસ નથી. જો આવતી કાલે મુંબઈમાં પણ કોઈ ગેન્ગરેપની ઘટના બનશે તો સરકારના માથે માછલાં ધોવામાં આવશે, પણ પોર્નોગ્રાફી સામે કોઈ આંદોલન કરવામાં આવશે નહીં.

Most Popular

To Top