Editorial

MBBSના ઓલ ઈન્ડિયા ક્વોટામાં EWSમાં 10 ટકા અનામત મામલે મદ્રાસ હાઈકોર્ટનો ચૂકાદો સીમાચિહ્નરૂપ

આઝાદી બાદ ભારતમાં બંધારણ અમલમાં આવ્યું ત્યારથી અનામત પણ અમલમાં આવી. ભારતમાં જાતિ આધારીત અનામત છે. હાલમાં જોકે કેન્દ્ર સરકારે નાણાંકીય હાલતને આધારે ઈડબલ્યુએસનું અનામત આપવાની પણ જાહેરાત કરી છે પરંતુ જાતિ આધારીત અનામત આઝાદીના 7 દાયકા બાદ પણ યથાવત છે. મૂળ તો અનામતનો હેતુ જે તે પછાત જ્ઞાતિને ઉપર લાવવાનો હતો. પરંતુ રાજકારણને પગલે ત્યારબાદ ઉત્તરોત્તર અનામતમાં વધારો જ થતો રહ્યો.

પહેલા અનુસૂચિત જાતિ-જનજાતિ માટે અનામત હતી. બાદમાં સામાજિક અને શૈક્ષણિક પછાત જ્ઞાતિ માટે અનામત જાહેર કરવામાં આવી. સામાજિક અને શૈક્ષણિક પછાત જ્ઞાતિ માટે અત્યાર સુધી અનામત જે તે રાજ્યો પૂરતી મર્યાદિત હતી પરંતુ હવે આ અનામત કેટેગરી કેન્દ્ર સરકાર દ્વારા પણ અપનાવી લેવામાં આવી અને બાકી હતું તે આવક આધારીત અનામત પણ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી. જ્યારે કેન્દ્ર સરકારે આ અનામત જાહેર કરી ત્યારે જ વિવાદ થયો હતો પરંતુ અનામતનો વિરોધ કોઈ રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવ્યો નહીં અને અનામત અમલી બની ગઈ.

કેન્દ્ર સરકારની એમબીબીએસમાં ઓલ ઈન્ડિયા ક્વોટામાં ઈડબલ્યુએસને 10 ટકા અનામતની સામે તમિલનાડુની ડીએમકે સરકાર દ્વારા મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ડીએમકે સરકાર દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે એમબીબીએસમાં ઓલ ઈન્ડિયા ક્વોટામાં ઓબીસીને 50 ટકા અનામત આપવામાં આવે અને ઈડબલ્યુએસની 10 ટકા અનામતને નાબૂદ કરવામાં આવે. ડીએમકે સરકારની અરજીને પગલે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા એવો મહત્વનો ચૂકાદો આપવામાં આવ્યો છે કે જેની અસર આખા દેશમાં પડી શકે છે.

મદ્રાસ હાઈકોર્ટે એમબીબીએસમાં ઈડબલ્યુએસ આધારીત અનામતને ફગાવી દીધી છે. હાઈકોર્ટે એવી મહત્વની ટિપ્પણી કરી છે કે દેશમાં અનામત અને જાતિ વ્યવસ્થાને નાબૂદ કરવી જોઈએ પરંતુ તેને બદલે તેમાં વધારો જ કરવામાં આવી રહ્યો છે. અનામત આપવાનું વલણ તેને વધારી રહ્યું છે. આનો અંત આવવો જોઈએ. અનામત પ્રણાલી ખરેખર થોડા સમય માટે હતી પરંતુ તેને સમયાંતરે વધારવામાં જ આવી છે. પ્રજાસત્તાક ભારતમાં અસમાનતા દૂર કરવા માટે અનામતની પ્રથા અમલી બનાવવામાં આવી હતી પરંતુ તેને ધ્યાને લેવામાં આવ્યું જ નથી. એમબીબીએસમાં ઈડબલ્યુએસ માટેની 10 ટકા અનામતને ફગાવી દેતા મદ્રાસ હાઈકોર્ટે એવું પણ કહ્યું હતું કે, આ 10 ટકા અનામતને કારણે 50 ટકા અનામતના ક્વોટાની મર્યાદા જ ખતમ થઈ જશે. જે ખોટું થશે.

મદ્રાસ હાઈકોર્ટ દ્વારા વ્યાજબી રીતે જ ટિપ્પણી કરવામાં આવી છે પરંતુ દેશમાં રાજકીય સ્થિતિ એવી છે કે કોઈપણ પક્ષ અનામતને નાબૂદ કરવા માંગતો નથી. ભૂતકાળમાં જે પક્ષ દ્વારા અનામત નાબૂદીના નારા લગાડવામાં આવ્યા હતા તે પક્ષ પણ હવે અનામતની તરફેણ કરવાની સાથે તેને વધારવાનો જ પ્રયાસ કરી રહ્યા છે. કોઈપણ જ્ઞાતિને સામાજિક અને શૈક્ષણિક રીતે આગળ વધારવાના પ્રયાસો ચોક્કસ થવા જ જોઈએ. પરંતુ અનામત આપવો એ કોઈ કાયમી ઉકેલ નથી. મદ્રાસ હાઈકોર્ટ દ્વારા કરાયેલી ટિપ્પણીને કેન્દ્ર અને જે તે રાજ્ય સરકારોએ ગંભીરતાથી લેવાની જરૂરીયાત છે પરંતુ રાજકારણ આગળ હાઈકોર્ટની ટિપ્પણી એળે જ જશે તે પણ નક્કી છે.

Most Popular

To Top