છેલ્લા એક જ દાયકામાં દેશમાં રોકાણના મામલે ગુજરાતનો દબદબો વધ્યો છે. એક જ દાયકામાં ગુજરાતમાં વિદેશી રોકાણમાં 533 ટકાનો જંગી વધારો થવા પામ્યો છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ડેટા મુજબ, વિદેશી પ્રત્યક્ષ રોકાણને આકર્ષવામાં ગુજરાતે જે તેજ ગતિ જાળવી રાખી છે તેણે સાબિત કર્યું છે કે, વૈશ્વિક સ્તરે રોકાણકારોનો ભરોસો ગુજરાત પર અતૂટ છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડના અહેવાલ મુજબ, એપ્રિલ-ડિસેમ્બર 2024 દરમિયાન ગુજરાતે અંદાજે રૂ. 44,041 કરોડનું FDI આકર્ષીને દેશમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. વર્ષ 2014 થી 2024 ના દાયકા દરમિયાન રાજ્યમાં થયેલું રોકાણ તેના અગાઉના તમામ રેકોર્ડ તોડી ચૂક્યું છે.
નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ છ મહિનામાં જ ઇનફ્લો 3.95 અબજ ડોલર પર પહોંચી ગયો છે, જે પાછલા વર્ષના સમાન ગાળા કરતા નોંધપાત્ર રીતે વધારે છે. એપ્રિલ 2000 થી સપ્ટેમ્બર 2024 દરમિયાન, રાજ્યે કુલ 57.65 અબજ ડોલરથી વધુનું વિદેશી રોકાણ મેળવ્યું છે, જેમાંથી 86% રોકાણ માત્ર છેલ્લા દાયકામાં આવ્યું છે. વિદેશી રોકાણના મામલે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે, જ્યારે મહારાષ્ટ્ર પ્રથમ અને કર્ણાટક બીજા ક્રમે છે.
ભારતના કુલ FDI ઇનફ્લોમાં ગુજરાતનો હિસ્સો આશરે 10.4% છે. કુલ રોકાણનો આશરે 47% હિસ્સો કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેરના ક્ષેત્રમાં છે. જ્યારે ટ્રેડિંગમાં આશરે 9% હિસ્સો, બિન-પરંપરાગત ઉર્જામાં આશરે 8.75% હિસ્સો, વીજળી ક્ષેત્રે આશરે 7.4% હિસ્સો, સી ટ્રાન્સપોર્ટમાં આશરે 4% હિસ્સો છે. ઓક્ટોબર 2019 થી ડિસેમ્બર 2024 સુધીના ડેટા મુજબ ગુજરાતમાં રોકાણ કરનાર ટોચના દેશોમાં અમેરિકા 25.77% હિસ્સો, સિંગાપોર 19.36% હિસ્સો, મોરેશિય, 18.37% હિસ્સો અને યુએઈનો 16.99% હિસ્સો છે.
ગુજરાતમાં રોકાણ વધવાના કારણો એ છે કે હાલમાં ગુજરાતમાં સેમિકન્ડકટર હબ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત ભારતનું પ્રથમ સેમિકન્ડકટર હબ બનશે. સાથે સાથે સોલાર અને વિન્ડ એનર્જીમાં ગુજરાત આજે દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. ભવિષ્યના ઇંધણ માટે પણ રોકાણકારો ગુજરાતમાં રોકાણ કરવા માટે અત્યારથી તૈયાર થઈ ગયા છે. રોકાણકારો એવા સ્થળની પસંદગી કરે છે જ્યાં માળખાગત સુવિધાઓ તૈયાર હોય. ગિફ્ટ સિટી આજે આંતરરાષ્ટ્રીય નાણાકીય લેવડ-દેવડનું કેન્દ્ર બની ગયું છે. બીજી તરફ, ધોલેરા SIR જેવો મેગા પ્રોજેક્ટ વૈશ્વિક સ્તરના સ્માર્ટ સિટી અને ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે ઉભરી રહ્યો છે.
મજબૂત પોર્ટ કનેક્ટિવિટી અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરને કારણે લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થયો છે, જે FDI માટે આકર્ષણનું કેન્દ્ર છે. વાઈબ્રન્ટ ગુજરાતને કારણે પણ ગુજરાતમાં રોકાણોમાં મોટો વધારો થયો છે. રોકાણની આ હરીફાઈમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યો સાથેની સ્પર્ધા સતત વધી રહી છે. તાજેતરના કેટલાક મહિનાઓમાં FDIમાં વાર્ષિક ધોરણે આંશિક ઘટાડો પણ નોંધાયો છે, જે વૈશ્વિક આર્થિક મંદી અને ભૌગોલિક-રાજકીય તણાવનું પરિણામ હોઈ શકે છે. તેમ છતાં, ગુજરાતનું મોડેલ મજબૂત પાયા પર ટકેલું છે. આગામી સમયમાં, ગુજરાતે MSME સેક્ટરને વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે જોડવા પર વધુ ભાર મૂકવો પડશે. જો નાના ઉદ્યોગો મજબૂત બનશે, તો જ મોટા વિદેશી રોકાણનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચશે. હાલમાં જોવામાં આવે તો ગુજરાત માત્ર ‘રોકાણ આકર્ષતું રાજ્ય’ નથી, પરંતુ તે ભારતના $5 ટ્રિલિયન ઇકોનોમીના સ્વપ્નનું એન્જિન છે.
આગામી દાયકો ગુજરાત માટે ‘ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ’ બનવાનો છે, જેમાં FDI ની આ તેજ ગતિ સૌથી મહત્વની ભૂમિકા ભજવશે. ગુજરાતમાં જે રીતે વિદેશી રોકાણ વધી રહ્યું છે તે જોતાં આગામી સમયમાં ગુજરાત વિદેશી રોકાણના મામલે મહારાષ્ટ્ર અને કર્ણાટકને પાછળ છોડીને પ્રથમ નંબરે પહોંચવાની ક્ષમતા ધરાવે છે. મહારાષ્ટ્રને પણ અગ્રક્રમે રાખવામાં મુંબઈના ગુજરાતીઓનો જ મોટો ફાળો છે. જો ગુજરાતીઓ મહારાષ્ટ્રમાં રહીને િવદેશી રોકાણ લાવી શકતા હોય તો એજ ગુજરાતી ગુજરાતમાં તો મોટાપાયે રોકાણ લાવી શકે તેમ છે.
ગુજરાતમાં વિદેશી રોકાણના મામલે જો કોઈ સૌથી મોટું અવરોધ હોય તો તે દારૂબંધીની નીતિ છે. આ નીતિને કારણે વિદેશીઓ ગુજરાત આવતાં નથી. સરકારે ગિફ્ટ સિટીના માધ્યમથી દારૂબંધી હળવી જરૂર કરી છે પરંતુ જેને દારૂની પરમિટ લેવી હોય તે તમામને જો પરમિટ આપવાની પ્રથા અમલમાં મુકે અને તેની પર અંકુશો પણ રાખે તો ગુજરાતનો દરિયાકાંઠો પણ મોટાપાયે વિકસવાની સાથે સાથે ગુજરાતમાં વિદેશી રોકાણની સ્થિતિમાં પણ મોટો ફરક પડે તેમ છે. ગુજરાત સરકારે હવે દારૂબંધીના મામલે પણ વધુ છુટછાટ માટે તૈયારી કરવાની જરૂરીયાત છે. આ ઉપરાંત ગુજરાતમાં હજુ ધંધા-રોજગારના વિકાસ માટે પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ વધારવામાં આવે તે જરૂરી છે. ગુજરાતની આ સ્થિતિને જાળવવી હોય તો રાજ્ય સરકારે ઈન્ફ્રાસ્ટ્રકચર વધારવા પર સતત ભાર આપતાં રહેવું પડશે તો જ આ શક્ય બનશે તે નક્કી છે.