ઘરેડ એટલે એક ધોરણ, નિયમ. રાહ, ધારી કે ચાલુ રૂઢિ કે પ્રણાલી. દરેક વ્યક્તિની પોતાની કામ કરવાની એક રીત, ઢબ હોય તે મુજબ તે કાર્ય કરે છે. એ કામ કરવાની જે ટેવ હોય તે સ્વભાવ સાથે સંકળાયેલ હોવાથી સરળતાથી છૂટી શક્તિ નથી. ઘરેડનું એક ઉદાહરણ આપી શકાય કે કૂવાના પરના પથ્થર ઉપર દોરડાના ઘસારાથી એક ખાડો કે દોરડાનો એક કાપો પડે એ ઘરેડમાં હોવાથી આમ થાય છે. એક જ ઘરેડમાં કાર્ય કરવાની ટેવથી ક્યારેક કાર્યમાં આળસ, કંટાળો આવવાનું ચાલુ થઈ જાય અને ધાર્યા પરિણામ મેળવી શકતા નથી. દિવસની ઘરેડમાંથી છૂટ મેળવવા વાતચીતની રીત અપનાવી શકાય. પુસ્તકોનો સહારો પણ આનંદ આપી શકે તેમ છે. મનગમતી વાતચીત કે મનગમતું વાંચન જે તે સમયમાં અનોખો આનંદ આપે જેથી માનસિક વલણમાં આપોઆપ બદલાવ આવે છે. ક્યારેક એમ થાય કે હાશ છૂટ્યા! જીવનમાં કડક બંધનો કામ લાગતાં નથી. સરળતાથી કોઈપણ બદલાવ સ્વીકારીને આગળ વધી શકાય છે. સંસાર છે તો સાંસરની સમસ્યાઓનું ચક્ર ચાલતું રહેવાનું. સરળતાથી જીવીએ તો મને લાગે છે કે જીવતરનો ભાર લાગતો નથી. ચાલો, એકની એક ઘરેડમાંથી બહાર આવીએ, વાંચન કરીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વ્યાજ ખોરોની ચુંગાલમાંથી બચો
તાજેતરમાં સમાચાર માધ્યમ દ્વારા જાણવા મળ્યું કે ગુજરાતના કોઈ જિલ્લામાં એક વ્યકિતએ 4 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. મુદ્દલ અને વ્યાજ સહિત અંદાજે મોટી રકમ ચુકવી દીધી હોવા છતા વ્યાજખોર તરફથી વધુ પૈસાની માંગણી કરવામાં આવી રહી હતી. વ્યાજ ખોરો પાસે વ્યાજે પૈસા માંગવા કરતા હવે તો બેન્કો, ક્રેડિટ સોસાયટી, ફાયનાન્સિયાલ સંસ્થા ઉપલબ્ધ છે તેઓ પાસે લોન મેળવવી જોઈએ. વ્યાજખોરો પર સરકારનું નિયંત્રણ હોવુ જરૂરી છે. કેમ કે મજબુરી વશ વ્યાજે પૈસા લેવા પડે એ માની શકાય પણ વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવ્યુંના પણ કિસ્સા નોંધાયા છે. જેથી કોઈ ચોક્કસ નીતિ ઘડવી જોઈએ કે જેથી સામાન્ય વ્યક્તિ વ્યાજખોરોની ચૂંગાલમાંથી બચી શકાય.
સુરત -ચંદ્રકાંત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.