National

ચૂંટણી પરિણામના 48 કલાકમાં બંગાળમાં ખેલાયો ખૂની ખેલ! સુવેન્દુ અધિકારીના PAનું મોત, ડ્રાઇવરની હાલત ગંભીર

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના માત્ર 48 કલાકમાં જ એક સનસનીખેજ ઘટના સામે આવી છે. ભાજપના દિગ્ગજ નેતા અને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીના નજીકના સહાયક ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હુમલામાં તેમના ડ્રાઇવર બુદ્ધદેવ બેરા ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને ત્રણ ગોળીઓ વાગી હોવાનું જાણવા મળ્યું છે અને હાલ તેમની કોલકાતાની એપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાએ સમગ્ર પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. બુધવારે મોડી રાત્રે ચંદ્રનાથ રથ પોતાની કારમાં ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યમગ્રામ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન હુમલાખોરોએ તેમની કારને નિશાન બનાવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે એક મોટરસાઇકલ પર આવેલા હુમલાખોરો તેમની હિલચાલ પર નજર રાખી રહ્યા હતા. જ્યારે તેમની કાર મધ્યમગ્રામના દોલતલા વિસ્તારમાં પહોંચી ત્યારે હુમલાખોરોએ અચાનક રસ્તો રોકી દીધો અને નજીકથી ગોળીબાર શરૂ કરી દીધો. હુમલામાં ચંદ્રનાથ રથને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે ડ્રાઇવર બુદ્ધદેવ બેરાને પણ ત્રણ ગોળીઓ વાગી હતી. હુમલા બાદ આરોપીઓ તરત જ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

સ્થાનિક લોકો અને પોલીસની મદદથી બંનેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચંદ્રનાથ રથને હોસ્પિટલ પહોંચાડતા જ ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ, બુદ્ધદેવ બેરાની હાલત ગંભીર બનતા તેમને કોલકાતાની એપોલો હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. હાલ તેઓ જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. ઘટના બાદ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભાજપના સ્થાનિક નેતાઓએ આ હુમલાને પૂર્વનિયોજિત રાજકીય હત્યા ગણાવી છે. કાર્યકરોનું કહેવું છે કે ચૂંટણી પરિણામો બાદ રાજ્યમાં રાજકીય હિંસા વધી રહી છે અને ભાજપના નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કેટલાક કાર્યકરોએ આ કેસની તપાસ કેન્દ્રીય એજન્સી પાસે સોંપવાની માંગ પણ કરી છે.

પશ્ચિમ બંગાળ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હુમલામાં વપરાયેલા વાહન પર નકલી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. ઘટનાસ્થળેથી કારતૂસના ખોખા અને અન્ય પુરાવાઓ પણ મળ્યા છે. પોલીસ આસપાસના CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે હુમલાખોરોની ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી સવાલો ઊભા કર્યા છે. ચૂંટણી બાદ વધતી હિંસાની ઘટનાઓને કારણે રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે. ભાજપ સતત રાજ્ય સરકાર પર નિશાન સાધી રહ્યું છે, જ્યારે પોલીસનું કહેવું છે કે સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ ચાલી રહી છે અને આરોપીઓને જલ્દી પકડી લેવામાં આવશે.

Most Popular

To Top