એક એવી વ્યક્તિ કે જેમને બે દેશના રાષ્ટ્રગીતો રચવાનું બહુમાન પ્રાપ્ત થયુ હોય, ભારત માટે સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ નોબલ પુરસ્કાર પોતાના પુસ્તક ગીતાંજલિ માટે જીતનાર, આજે પણ જેમનું સંગીત અને એમના ગીતો ભાવપૂર્વક પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં એક સરખા પ્રેમથી ગવાતા હોય, સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન મોટા ભાગના નેતાના સંતાનોએ જ્યાં શિક્ષણ લીધુ છે એ શાંતિ નિકેતન વિદ્યાસંકુલની સ્થાપના કરનારા અને જેમણે સૌ પ્રથમ વાર ગાંધીજીને મહાત્મા શબ્દથી સંબોધ્યા હતા એ ભારતભરમાં કવિવરના નામે જાણીતા એવા રાષ્ટ્રગીતના રચયિતા રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ જમીનદાર પરિવારમાં કલકત્તામાં 7/5/1861 ના રોજ થયો હતો.
તેમના મહાકાવ્ય ગીતાંજલિને 1913માં સાહિત્યનું નોબેલ પારિતોષિક મળ્યું હતું,જે અતિસંવેદનશીલ, સૌંદર્યયુક્ત, તાજગીભર્યું ગણાય છે. એમના કાવ્યોમાં અધ્યાત્મ અને સૌંદર્યનો સુમેળ છે છતાં એમના જાદુઈ અને ઉચ્ચ વર્ગના લોકો માટેના કાવ્યો બંગાળ બહાર એટલા લોકપ્રિય નથી. તેઓ કવિ, લેખક, નાટ્યલેખક, સંગીતકાર, દાર્શનિક, ચિત્રકાર, સમાજસુધારક હતા. ગીતાંજલિ, ઘરેબાહિરે, જનગણ મન, આમાર સોનાર બાંગ્લા જેવી જાણીતી કૃતિઓના આ સર્જકનું નિધન 80 વર્ષની વયે થયું હતું.
સુરત -સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.