Dakshin Gujarat

ઘરની એંગલ બદલતી વખતે દંપતીને મળ્યું મોત, ત્રણ બાળકો બન્યા અનાથ

બીલીમોરા: બીલીમોરા (Bilimora) નજીકના તલોઘ ગામે રહેતા દેવીપૂજક દંપતી પોતાના ઘરની લોખંડની એંગલ બદલતું હતું, તે વખતે વીજ કરંટ (Electric current) લાગતાં પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ કરુણ મોત (Death) નીપજ્યું હતું. જેને કારણે દંપતીના ત્રણ સંતાનોના માથા ઉપરથી મા-બાપની છત્ર છાયા છીનવાઈ જતા બાળકો અનાથ બની ગયા હતા.

  • બીલીમોરા નજીકના તલોઘ ગામે માતા-પિતાના અચાનક મોતથી ત્રણ સંતાનો અનાથ બન્યા
  • પત્નીએ ઘરની અંદરથી અને પતિએ ઘરની બહારથી એંગલ પકડી હતી જે વીજ તારને અડીં જતાં કરંટ લાગ્યો
  • મૃતકના ભાઈએ લાકડના સહારે દંપતીને એંગલના સંપર્કમાંથી છુટા પાડ્યા

તલોઘ ગામના દેવીપુજક વાસમાં રહેતા દિલીપ ભગવાનભાઈ ભીડભિડીયા (ઉ.39) અને તેની પત્ની સંગીતાબેન દિલીપ ભીડભીડીયા (ઉ.39) કાપડની ફેરીનો વ્યવસાય કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પોતાના ઘરમાં લોખંડની એંગલ બદલવાનું કામ તેઓ જાતે જ કરતા હતા ત્યારે વખતે સંગીતાબેને લોખંડની એંગલ ઘરની અંદરથી પકડી હતી, જ્યારે પતિ દિલીપે એંગલ બહારથી પકડી રાખી હતી.

આ દરમિયાન એંગલ ઘરના જીવંત વીજ વાયર સાથે અડી જતા બંનેને જોરદાર ઝટકો લાગતા પતિ પત્નીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવ સ્થળે દિલીપભાઈનો ભાઈ હાજર હોય લાકડાના સહારે દિલીપભાઈ અને સંગીતાબેનને એંગલના સંપર્કમાંથી છુટા પાડી તાત્કાલિક અત્રેની મેંગુષી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ઇન્ચાર્જ ડો. આશિષ અનાજવાલાએ બંનેને મૃત જાહેર કર્યા હતા. દિલીપભાઈ અને સંગીતાબેનના અચાનક નીપજેલા આકસ્મિક મોતથી તેઓના બે પુત્રો અને એક પુત્રી અનાથ થઇ ગયા હતા. બનાવની જાણ બીલીમોરા પોલીસને કરાતા આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે.

ઝારખંડના મજૂરો વચ્ચે જમવા બનાવવા બાબતે ઝઘડો થતાં પથ્થર મારી એકને પતાવી દીધો
ઉમરગામ : ઉમરગામના સોળસુંબામાં એક યુવાનની પથ્થર મારી હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી. ઝારખંડથી આવેલા મજૂરો વચ્ચે જમવાની બાબતે ઝઘડો થતાં હત્યા કરવામાં આવી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે

ઉમરગામ તાલુકાના સોળસુંબા ભાઠી રોડ ઉપર ગ્રીન ફિલ્ડ ડ્રીમ રો હાઉસની ચાલી રહેલી કન્ટ્રકશન સાઈટ ઉપર ઝારખંડથી આવેલા મજૂરો વચ્ચે રાત્રિના અઢી વાગ્યેરે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો ઉશ્કેરાયેલા આરોપી પાસ્કલ અલ્ફન સિંદૂરિયા (ઉંમર વર્ષ ૨૨)એ પોતાની સાથેના મજુર અનિલ ઠેભા ડુગડુગ (ઉ.વ.૩૬ મૂળ રહે ઝારખંડ)ને માથાના ભાગે પથ્થરો મારી ગંભીર ઇજા પહોંચાડી હતી ઇજાગ્રસ્ત અનિલને સારવાર માટે ઉમરગામ સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ બનાવ સંદર્ભે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થતાં પોલીસે આરોપી પાસ્કલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે

Most Popular

To Top