Comments

તાજેતરની ભારત-પાકિસ્તાન અથડામણ મુદ્દે સરકારે વિપક્ષને વિશ્વાસમાં લીધો હોત તો એ વધુ ઉચિત રહેત

અમુક મુદ્દાઓ ખળભળાટ મચાવી રાજકારણના ડહોળાં પાણીને વધુ ડહોળવાનું કામ કરે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સશસ્ત્ર અથડામણમાં અમુક ચોક્કસ સમયે કામચલાઉ વિરામ મૂકાશે એવી જાહેરાત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરીને શાંતિ સ્થાપવામાં અમેરિકાએ ભજવેલ મહત્ત્વના ભાગ અંગે શેખી મારી હતી અને આ સમાચાર ભારતે કેમ પહેલાં જાહેર ન કર્યા અને દેશ બહારથી કેમ જાહેર થયા તે બાબતને લઈને વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. એવું જ કંઈક સાંગ્રીલા ડાયલોગ માટે સિંગાપુર પહોંચેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ દ્વારા અપાયેલ ઇન્ટરવ્યૂએ કર્યું છે. જનરલ ચૌહાણે ઑપરેશન સિંદૂર દરમિયાન ભારતના લડાકુ વિમાનોને તોડી પડાયાં અથવા નુકસાન થયું તેવી વાત કરી છે. જો કે પાકિસ્તાને ભારતનાં કેટલાં લડાકુ જેટ તોડી પાડ્યાં તેની સંખ્યા અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.

દેશના સમગ્ર વિરોધ પક્ષે એક અવાજે ભારતીય સશસ્ત્ર દળની કાર્યવાહી મંજૂર રાખી. આ કટોકટીના સમયમાં આખો દેશ ભારત સરકાર સાથે ઊભો છે, એવી એકતાનું પ્રદર્શન કર્યું હતું ત્યારે કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને કૉંગ્રેસના મુખ્ય પ્રવકતા જયરામ રમેશે આ જાહેરાત દેશમાં થવી જોઈતી હતી અને એ પહેલાં કમસેકમ સંરક્ષણ મંત્રીના સ્તરે વિપક્ષોને વિશ્વાસમાં લેવા જોઈતા હતા એવું કહ્યું છે.

તેના બદલે એ જાહેરાત જનરલ ચૌહાણ દ્વારા કરવામાં આવી એ સામે નારાજગી વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, યુદ્ધમાં આ પ્રકારે મિલિટરીને નુકસાન થાય ત્યારે એના સામરીક તેમજ રાજકીય પરિણામોનો અભ્યાસ કરવા માટે જેમ કારગીલ યુદ્ધની સમાપ્તિ બાદ ત્રીજા જ દિવસે યુદ્ધની સર્વાંગીણ સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય સમિતિ નિમાઈ હતી અને વિરોધપક્ષને વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો તે જ રીતે બે પ્રકારની કાર્યવાહી અપેક્ષિત હતી. પહેલીઃ આ વાત જનરલ ચૌહાણ દ્વારા સિંગાપુરમાં કહેવાઈ એ પહેલાં વિપક્ષોને વિશ્વાસમાં લઈ આ માહિતી સંરક્ષણ મંત્રીએ આપવી જોઈતી હતી.

બીજું: પૂર્વ વડા પ્રધાન વાજપેયીના શાસન દરમિયાન જે રીતે કારગીલ યુદ્ધની તટસ્થ સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિ નીમી યુદ્ધના મિલિટરીની દૃષ્ટિએ તેમજ રાજકીય સહિત દેશ સામે ઊભા થતા પડકારો અંગે અહેવાલ તૈયાર કરી એમાંથી સૈન્યને લગતી ગોપનીય બાબતો અલગ તારવી બાકીની માહિતી વિપક્ષો અને દેશ સામે વહેંચવી જોઈતી હતી. સામરીક વ્યૂહરચનાને લાગેવળગે છે ત્યાં સુધી એટલા પૂરતી ગોપનીયતા જાળવી રાખી શકાય પણ વિદેશ નીતિ, આર્થિક નીતિ, તેમજ રાજનૈયિક વ્યૂહરચનાના મુદ્દાઓ આ ઉચ્ચ સ્તરીય સમિતિના અહેવાલ આધારિત બહાર પડાયા હોત અને જે વાત જનરલ ચૌહાણ દ્વારા સિંગાપુરમાં કહેવાઈ તે વાત ભારતીય સંરક્ષણ મંત્રી દ્વારા એમના અધ્યક્ષસ્થાને મળેલ સર્વપક્ષીય સમિતિમાં જાહેર કરવાનું વધુ યોગ્ય અને ઉચિત રહ્યું હોત.

આ બધી માહિતી દેશ બહારથી આવે એના કરતાં કાં તો વડા પ્રધાને ઓલ પાર્ટી સંયુક્ત મિટિંગ બોલાવીને આ જાહેર કરવું જોઈતું હતું અથવા પાર્લામેન્ટનું બે-એક દિવસનું સેશન બોલાવી આની જાહેરાત કરવી જોઈતી હતી. પણ આવું થયું નથી. વાજપેયીએ કારગીલ અથડામણ સમાપ્ત થયાના ત્રીજા જ દિવસે સમિતિની જાહેરાત કરી હતી એટલું જ નહીં પણ એનો રીપોર્ટ કેટલાક સંવેદનશીલ મુદ્દાઓને ગુપ્ત રાખીને પાર્લામેન્ટ સમક્ષ મૂકવામાં પણ આવ્યો હતો. આ સાચી પદ્ધતિ છે. આ અહેવાલમાં કારગીલ યુદ્ધ કેમ થયું અને ભારતે તેમાંથી શું બોધ લેવા જેવો છે જેવી ઘણી અગત્યની માહિતી સપાટી પર મૂકી હતી.

‘ઑપરેશન સિંદૂર’ બાદ પણ આ જ પદ્ધતિ અનુસરી શકાઈ હોત અને જરૂર જણાય તો પાર્લામેન્ટનું ખાસ સત્ર પણ બોલાવી શકાયું હોત. કદાચ હાલની ભારત સરકાર વાજપેયીના નેતૃત્વ સમયથી ભારત સરકારની માફક વિપક્ષોને સાથે લઈ અને દેશમાં પ્રસ્થાપિત પ્રણાલીઓની સાથે ચાલવાનું ચૂકી છે, જે ડહોળાયેલાં પાણીને વધુ ડહોળવાનું કામ કરે એવું લાગે છે. એક બાજુ વિપક્ષના ડેલિગેશન ભારત સરકારે જે કર્યું તેના વિદેશોમાં પ્રચારવર્ણનમાં લાગ્યા છે ત્યારે ભારત સરકારની દાનત પણ ક્યાંક ખોરા ટોપરા જેવી છે એવું નથી લાગતું?.
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top