ચીનની આક્રમક વિસ્તારવાદી નીતિઓ ચાલુ જ રહેશે તો ભારતે પણ આક્રમક બનવું પડશે

ભારત સાથે ચીનને લાંબા સમયથી સરહદી વિવાદો ચાલતા આવ્યા છે અને હાલ છેલ્લા પાંચેક વર્ષથી તો ભારત સાથેની આંતરરાષ્ટ્રીય સરહદે અને વાસ્તવિક અંકુશ હરોળ પણ ચીન સાથે અનેક તનાવો પણ ઉભા થતા રહ્યા છે. સરહદે અને નિયંત્રણ રેખા પર ચીને ભારતની હદમાં ઘૂસણખોરી કરી હોય તેવા અનેક બનાવો બન્યા છે. ખાસ કરીને લડાખના ક્ષેત્રમાં આવા અનેક બનાવો નોંધાયા છે અને ભારત તથા ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ પણ સર્જાઇ છે ત્યારે હાલ ભારતના અરૂણાચલ વિસ્તારમાં ચીને પોતાની વસાહતો ઉભી કરી હોવાના અહેવાલ ખરેખર ચિંતાજનક છે.  હાલમાં એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ચીને અરુણાચલ પ્રદેશમાં ફરી પોતાનો નવો એન્ક્લેવ બનાવ્યો છે. સેટેલાઇટ દ્વારા પાડવામાં આવેલા ફોટોગ્રાફ્સ અનુસાર, નવા એન્ક્લેવમાં લગભગ 60 ઇમારતો છે. અને આ આવો પહેલો અહેવાલ નથી, આ પહેલા પણ ચીને અરૂણાચલ પ્રદેશમાં સરહદ નજીક એક ગામ વસાવી દીધું હોવાના અહેવાલ આવ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સાંસદે પહેલા જ અરુણાચલ પ્રદેશમાં ચીને સ્થાપેલા એન્ક્લેવ અંગે ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, અહીં પણ ડોકલામ જેવી ઘટના બની શકે છે. દેશના એક અગ્રણી મીડિયા ગૃહના અહેવાલ અનુસાર, સેટેલાઇટ દ્વારા ખેંચવામાં આવેલી તસવીરો પરથી જાણવા મળ્યું છે કે ચીને અરુણાચલ પ્રદેશમાં 60થી વધુ ઈમારતો સાથે વધુ એક એન્ક્લેવ બનાવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, અગાઉ આ એન્ક્લેવ વર્ષ 2019ની સેટેલાઇટ ઇમેજમાં જોવા મળ્યો નહોતો.

આ પહેલા ચીને અરૂણાચલ પ્રદેશમાં એક ગામ બાંધ્યુ હોવાના અહેવાલ પણ આ જ મીડિયા જૂથ દ્વારા આપવામાં આવ્યા હતા અને તે અહેવાલને અમેરિકાના સંરક્ષણ વિભાગે પણ સમર્થન આપ્યું હતું. અમેરિકી ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોન દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલમાં પણ કહેવામાં આવ્યું હતું કે ચીને તિબેટ સ્વાયત્ત ક્ષેત્ર અને અરુણાચલ પ્રદેશ વચ્ચેના વિવાદિત ભાગમાં લગભગ 100 ઘરો સાથે એક એન્ક્લેવ બનાવ્યો છે. ચીન દ્વારા બનાવવામાં આવેલ આ એન્ક્લેવ ભારતીય સરહદની લગભગ છ કિલોમીટર અંદર છે. આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય સરહદની નજીક છે.

નવા એન્ક્લેવના ફોટા વિશ્વની બે અગ્રણી સેટેલાઇટ ઇમેજ કંપનીઓ, મેક્સાર ટેક્નોલોજીસ અને પ્લેનેટ લેબ્સ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.  જો કે, એન્ક્લેવમાં લોકો રહે છે કે નહીં તે જાણી શકાયું નથી.ભારત સરકાર હેઠળના ભારતમેપ્સ દ્વારા પણ ચીન દ્વારા બનાવવામાં આવેલ એન્ક્લેવનું સ્થાન આંતરરાષ્ટ્રીય સરહદની અંદર ભારતની બાજુએ જોઇ શકાય છે એમ મીડિયા ગૃહ એનડીટીવીનો અહેવાલ જણાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એનડીટીવી દ્વારા જ અગાઉ ચીને ભારતીય હદમાં ચીને ગામ વસાવ્યું હોવાનો અહેવાલ આપવામાં આવ્યો હતો, જે અહેવાલને પેન્ટાગોને પણ સમર્થન આપ્યું હતું. જો કે આ ગામ અંગે ખુલાસો કરતા ભારતીય લશ્કરે જણાવ્યું હતું કે આ બાંધકામ અંકુશ હરોળની ઉત્તરે ચીની પ્રદેશમાં છે. જો કે આ ખુલાસામાં એ બાબતનો ઇન્કાર કરવામાં આવ્યો નથી કે આ બાંધકામ એલએસી અને આંતર રાષ્ટ્રીય સરહદની વચ્ચે છે અને તે રીતે જોતા ભારતની હદમાં છે.

જાહેર કરવામાં આવેલી સેટેલાઇટ તસવીરોમાં માત્ર મોટી સંખ્યામાં ઈમારતો જ નહીં, પરંતુ એક ઈમારતની છત પર ચીની ધ્વજ પણ દોરવામાં આવેલ જોવા મળે છે. જે દર્શાવે છે કે ચીન આ વિસ્તાર પર પોતાનો દાવો કરે છે. ભારત મેપ્સ મુજબ પણ આ એન્કલેવ ભારતની હદમાં જણાય છે. ભારત સરકારની ઓનલાઇન નકશા સેવા ભારત મેપ્સ મુજબ અભ્યાસ કરતા પણ ચીને બનાવેલ આ નવો એન્ક્લેવ ભારતની હદમાં જ જણાય છે. આ ઉપરાંત સર્વેયર જનરલ ઓફ ઇન્ડિયાએ વિગતવાર તૈયાર કરેલ એક ડિજિટલ મેપ પણ આ એન્ક્લેવનું સ્થાન ભારતની અંદર હોવાનું સૂચવે છે. ભારત સરકાર માટે ખરેખર આ એક મૂંઝવણની સ્થિતિ છે.

ભારત સરકારે દેશના પ્રજાજનો અને લશ્કરના મનોબળ પર વિપરીત અસર પડે નહીં તે પણ જોવાનું છે અને પોતાની શાખ પણ જાળવવાની છે અને તેથી જ દેખીતી રીતે તેણે ઢીલો ઢીલો પણ ખુલાસો તો કરવો પડ્યો છે. પણ આ ચીની એન્ક્લેવના નવા અહેવાલે ભારત સરકાર માટે ફરીથી મૂંઝવણ ઉભી કરી છે. હવે ચીન સામે ભારત પણ નોંધપાત્ર બળુકુ બન્યું હોવા છતાં સીધો લશ્કરી સંઘર્ષ હાલ પોષાય તેમ નથી, અને ચીન તથા ભારત જેવા બે બળવાન દેશો વચ્ચે લશ્કરી સંઘર્ષ, પુરા કદનું યુદ્ધ થાય તે આખી દુનિયા માટે ભારે ચિંતાની બાબત બની રહે તેમ છે અને સ્વાભાવિક રીતે તેથી જ ભારત ચીન સામે વધુ આક્રમક થવાનું ટાળી રહ્યું છે, પરંતુ જો ચીનની આક્રમક વિસ્તારવાદી નીતિઓ વધુ આક્રમક થતી જશે તો કમનસીબે ભારતનો પણ આક્રમક બન્યા વિના છૂટકો નહીં રહે.

Related Posts