Comments

તેમની પાસે એક ડાયરી છે, જેમાં લખ્યું હતું હું સાબરમતી જેલના છોટાચક્કર ચાર નંબરની ખોલીમાં હતો

Gujarat: Some of 2008 blasts accused on hunger strike in Sabarmati jail -  Oneindia News

થોડા દિવસ પહેલાં મને મારા નવજીવનના સાથી સોહમ પટેલનો ફોન આવ્યો. તેણે મને કહ્યું કે મારા એક મિત્ર પ્રોફેસર તાના ત્રિવેદી  એક પુસ્તક ઉપર કામ કરી રહ્યો છું. ગાંધીજીએ અમદાવાદ આવી જે ચાર સંસ્થા શરૂ કરી તેમાં ગાંધી આશ્રમ , ગુજરાત વિદ્યાપીઠ, નવજીવન અને મજૂર મહાજન હતી. અમદાવાદમાં ત્યારે 80 કરતાં વધુ કાપડ મિલો હતી, મિલ માલિકો અને મજૂરો અનેક વખત સામસામે આવી જતા હતા, એટલે ગાંધીજીએ મજૂરો અને માલિકો વચ્ચે સુલેહ રહે તે માટે મજૂર મહાજનની શરૂઆત કરી, જેમાં માલિક તરફથી અંબાલાલ સારાભાઈ અને મજૂરોના પ્રતિનિધિ તરીકે અંબાલાલ ત્રિવેદી  રહેતા હતા, પ્રોફેસર તાના તેમનાં પૌત્રી થાય છે.  જો કે અંબાલાલ ત્રિવેદીનું 1938 માં નાની વયે નિધન થઈ ગયું, પરંતુ તાના પાસે પોતાના પિતા પ્રફુલ ત્રિવેદીના હાથે લખેલી એક ડાયરી છે, 1942 હિન્દ છોડો આંદોલન વખતે બંગાળના ક્રાંતિકારીઓને અમદાવાદના આશ્રય આપવાના ગુનામાં પ્રફુલ ત્રિવેદીની ધરપકડ થઈ હતી ત્યારે તેઓ અમદાવાદની એચ. એલ. કોલેજના વિદ્યાર્થી હતા.

17-18 વર્ષના પ્રફુલ ત્રિવેદીની ધરપકડ બાદ તેમણે નોંધેલી ડાયરીમાં તેઓ લખે છે અંગ્રેજ અધિકારીઓ  તેમને અમદાવાદમાં આવેલી ગાયકવાડ હવેલીમાં લઈ ગયા, જયાં એક સપ્તાહ સુધી પારાવાર યાતના આપી, ત્યાર બાદ તેમને અમદાવાદની સાબરમતી જેલમાં આવેલા છોટાચક્કરમાં આવેલી ચાર નંબરની ખોલીમાં 16 મહિના સુધી રાખવામાં આવ્યા હતા. અત્યંત સાંકડી ખોલી, વાસણના નામે એક તગારા જેવું વાસણ હતું. ખોલીમાં બાથરૂમ પણ નહીં. તે જ વાસણમાં બાથરૂમ કરવાનું અને ખોલી ખોલે ત્યારે તેને બહાર ફેંકી દેવાનું, તે વાસણ ધોઈ તેમાં જ પાણી પીવાનું અને તે જ વાસણમાં  જેલ અધિકારીઓ જમવાનું આપતા હતા. તેમની બાજુની ખોલીમાં ગાંધીના સાથી નરહરિ પરીખ પણ રહેતા હતા. આમ 16 મહિના તેમણે સાબરમતી જેલમાં પસાર કર્યા હતા. પ્રફુલ ત્રિવેદી પોતાની ડાયરીમાં નોંધે છે ખોલીમાં એક નાનકડો બલ્બ સળગતો હતો પણ તેનો પ્રકાશ એટલો ઓછો હતો કે તેમાં કંઈ પણ વાંચી શકાતું ન્હોતું.

જેલવાસ પૂરો કરી પ્રફુલ ત્રિવેદી બહાર આવ્યા અને પોતાનો આગળનો અભ્યાસ પૂરો કરી એચ. એલ. કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા ત્યારે આખી કોલેજમાં એક છોકરી અભ્યાસ કરતી તેનું નામ મધુ પટેલ, સમય જતાં પ્રફુલ ત્રિવેદી અને મધુ પટેલ પ્રેમમાં પડયાં અને તેમણે લગ્ન કર્યાં. તેમને સંતાનમાં બે દીકરી તાના અને રીરી, મધુબહેને  ત્રણ દાયકા સુધી ચાર્ટડ એકાઉન્ટ તરીકે પ્રેકટીસ કરી, 2013 માં પ્રફુલભાઈ પટેલનું નિધન થયું. હવે તેમનાં દીકરી પ્રોફેસર તાના ત્રિવેદી પોતાના દાદા અંબાલાલ ત્રિવેદી ઉપર એક પુસ્તક લખી રહ્યાં છે ત્યારે તેમના માટે પોતાના પિતા પ્રફુલ ત્રિવેદીની આ ડાયરી ખૂબ મહત્ત્વની સાબિત થઈ રહી છે. આ સંશોધન કાર્યમાં સહયોગ આપતા મારા સાથી સોહમ પટેલની મુલાકાત જયારે મધુબહેન પટેલ સાથે થઈ ત્યારે તેમણે ઈચ્છા વ્યકત કરી કે મારા પતિ પ્રફુલ ત્રિવેદીને 1942 માં જે બેરેકમાં રાખવામાં આવ્યા તે જગ્યા મારે એક વખત જોવી છે. આજે મધુબહેન પટેલની ઉંમર 85 વર્ષ છે.

મેં આ સંદર્ભમાં સાબરમતી જેલના સુપ્રીન્ટેન્ડન્ટ રાહુલ આનંદને વાત કરી ત્યારે તેમણે કહ્યું, દેશની આઝાદીમાં લડત આપનાર સ્વંતત્રતા સેનાનીઓ અંગે આપણને જાણવા મળે અને તેમના પરિવારને આપણે મળીએ તે તો આપણું સૌભાગ્ય છે. અમે સાબરમતી જેલમાં ગયા. મારી સાથે મધુબહેન, તેમની દીકરી તાના અને તાનાની દીકરી કિયારા હતી. જેલ અધિકારીના સહયોગને કારણે મધુબહેન, તાના અને કિયારાએ જયાં પ્રફુલ ત્રિવેદી જે બેરેકમાં રાખવામાં આવ્યા હતા. જો કે વર્ષો પુરાણી બેરેક હવે જર્જરિત થઈ ગઈ છે. હવે ત્યાં કોઈ કેદી રહેતા નથી, જયાં પ્રફુલ ત્રિવેદી રહેતા હતા. તે બેરેક જોઈ મધુબહેન અને તાના ભાવુક થઈ ગયાં હતાં. નાનકડી કિયારા પોતાના દાદા જે બેરેકમાં રહેતા હતા તે જોઈ તેની આંખોમાં કૌતુક હતું, પાછા ફરતી વખતે ગાંધી ખોલીમાં જઈ ગાંધીની પ્રતિમાને વંદન કર્યા  તેમજ  સરદાર યાર્ડ પણ જોઈ તમામની આંખમાં દેશના લડવૈયા માટેનો આદર જોવા મળતો હતો, જેલના કેદીઓને પણ મધુબહેન મળ્યાં, કેદીને મળ્યા પછી તેમણે મને પૂછયું, આ ખુંખાર કેમ નથી, મેં મજાકમાં કહ્યું જેલમાં તો તમારા અને મારા જેવા જ માણસો છે, ખુંખાર તો જેલની બહાર જ રહે છે.

હું છેલ્લાં પાંચ વર્ષથી વધુ સાબરમતી જેલના કેદીઓના શિક્ષણ અને સમાજમાં પુન:સ્થાપન માટે એક નાનકડો પ્રયત્ન કરું છું, પરંતુ આઝાદી માટે લડનાર પ્રફુલ ત્રિવેદી જેવા અનેકો કેટલી યાતનામય સ્થિતિમાંથી પસાર થયા હશે તેની મને સુધ્ધાં કલ્પના ન્હોતી, જેલમાં રહેલા કેદીઓને જયારે ખબર પડી કે મધુબહેનના પતિ એક ક્રાંતિકારી તરીકે 1942 માં જેલવાસ ભોગવી ચૂકયા છે ત્યારે તેઓ પણ મધુબહેનને વંદન કરી તેમનું રૂણ અદા કરતા હતા, સોહમ મારો જુનો સાથી છે, તે સંશોધક પણ છે, ખૂબ વાંચે છે અને સમજે છે, અમે સરદાર યાર્ડમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે સોહમે મને કહ્યું, આઝાદી આપણને ભીખમાં મળી નથી. મેં તેની સામે જોયું. તેના ચહેરા ઉપર સૂચક સ્મિત હતું.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top