Madhya Gujarat

કાકરખાડમાં દારૂનો વેપલો કરતાં બે બૂટલેગર પર કાર્યવાહી

નડિયાદ: કઠલાલ તાલુકાના કાકરખાડ ગામના વેજલીયા વિસ્તારમાં દેશી-વિદેશી દારૂનો વેપલો કરતાં બે બુટલેગરોને ત્યાં દરોડા પાડ્યાં હતાં. જેમાં પોલીસે કુલ રૂપિયા ૪.૦૮ લાખનો દેશી-વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. જોકે, પોલીસની ટીમ બુટલેગરો અને તેના સાગરિતોને પકડવામાં નિષ્ફળ નિવડી હતી. કઠલાલ તાલુકાના કાકરખાડ ગામમાં આવેલ વેજલીયા વિસ્તારમાં રહેતો મફત પુજાભાઈ ડાભી તેના ઘરની બાજુમાં આવેલ જુવારના પાકવાળા ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી તેનું ખાનગી રાહે વેચાણ કરતો હોવાની બાતમી કઠલાલ પોલીસને મળી હતી.

જેથી પોલીસની ટીમે મંગળવારે મોડી રાત્રી બાતમી મુજબના ઠેકાણે દરોડો પાડ્યો હતો. પોલીસને ખેતર તરફ આવતી જોઈ બુટલેગર મફત ડાભી અંધારાનો લાભ લઈ કોતરો તરફના રસ્તે ફરાર થઈ ગયો હતો. જે બાદ પોલીસે ખેતરની તલાશી લેતાં પાર્ક કરેલ રજીસ્ટ્રેશન નંબર વગરના એક બાઈક પાસેથી વિદેશી દારૂની ૪૨ નંગ બોટલો, ૧૬૦ નંગ ક્વાર્ટરીયા તેમજ બિયરના ૧૦ ટીન મળી કુલ રૂ. કિંમત રૂ.૩૮,૦૦૦ નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો તેમજ બાઈક કિંમત રૂ.૪૦,૦૦૦ મળી કુલ રૂ.૭૮,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જેના ગણતરીના કલાકો બાદ બુટલેગર મફત ડાભી ખેતરમાં સંતાડેલા દેશી દારૂના કેરબા સગેવગે કરવા આવ્યાં હોવાની બાતમીને આધારે કઠલાલ પોલીસની ટીમે ફરીવાર દરોડો પાડ્યો હતો. તે વખતે પણ બુટલેગર મફત ડાભી પોલીસને ચકમો આપી ભાગી છુટવામાં સફળ થયો હતો. બીજી વખતના દરોડામાં પોલીસે ખેતરમાં ડાંગરના પુળા નીચે સંતાડેલા ૮ કેરબામાંથી રૂ.૪૮૦૦ કિંમતનો ૨૪૦ લિટર દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને ભાગી છુટેલા બુટલેગર મફત પુજાભાઈ ડાભી સામે ગુનો નોંધ્યો હતો

જ્યારે, કઠલાલ તાલુકાના કાકરખાડ ગામમાં આવેલ વેજલીયા વિસ્તારમાં રહેતાં દિલિપસિંહ ઉર્ફે મોટો ભયો ઘેલસિંહ ડાભી તેના ઘરની પાછળ આવેલ ખુલ્લા ખેતરની વિદેશી દારૂનો જથ્થો દાટી રાખી તેનો વેપાર કરતો હોવાની બાતમી કઠલાલ પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે રવિવારે બપોરના સમયે બાતમી મુજબના ઠેકાણે દરોડો પાડ્યો હતો. પોલીસ પહોંચી તે વખતે દિલિપસિંહ, મહેન્દ્રસિંહ ઉર્ફે નાનો ભયો ઘેલસિંહ ડાભી તેમજ અન્ય એક અજાણ્યો ઈસમ જમીનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રહ્યાં હતાં. જોકે, પોલીસને ખેતર તરફ આવતાં જોઈને આ ત્રણેય ઈસમો ત્યાંથી ભાગી ગયાં હતાં.

આ ત્રણેય ઈસમો જે જગ્યાએ માટી નાંખતાં હતાં તે જગ્યાએ ખાડો ખોદી પોલીસે તપાસ કરાવતાં તેમાંથી રૂ.૩,૪૯,૪૦૦ કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૩૯૦ નંગ બોટલો મળી આવી હતી. તદુપરાંત દિલિપસિંહના ઘરની ઓસરીમાંથી રૂ.૧૬,૭૦૦ કિંમતનો ૮૩૫ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે પોલીસે જપ્ત કર્યો હતો અને ભાગી છુટેલા દિલિપસિંહ ઉર્ફે મોટો ભયો ઘેલસિંહ ડાભી, મહેન્દ્રસિંહ ઉર્ફે નાનો ભયો ઘેલસિંહ ડાભી તેમજ અન્ય અજાણ્યાં ઈસમ સામે  ગુનો નોંધ્યો હતો.

Most Popular

To Top