Dakshin Gujarat

‘દિનેશભાઇની પ્રથમ પત્ની તો હું છું, તો તું કંઈ રીતે પત્ની બની’

સાપુતારા : આહવાની 29 વર્ષીય મહિલાનાં લગ્ન 2009માં વઘઇનાં માનમોડી ગામે થયા હતા. આ મહિલાને લગ્નજીવનમાં પુત્રનો જન્મ થયો હતો. મહિલાનો પ્રથમ પતિ નશો કરી મારઝૂડ કરતો હોવાથી બંનેનાં 2015નાં વર્ષમાં છૂટાછેડા થયા હતા અને બાદમાં મહિલા પોતાના પુત્ર સાથે અલગ જીવન વિતાવી રહી હતી. તેવામાં સને 2020નાં વર્ષમાં તહેવારની ઉજવણી માટે સસરા પક્ષમાંથી તેણીને તથા પુત્રને સાસરીમાં બોલાવવામાં આવ્યા હતા. તે અરસામાં મહિલાની મુલાકાત આહવાથી શામગહાન સુધી પેસેન્જર ભરી ફેરા મારતા જીપ ચાલક દિનેશભાઇ સુરેશભાઈ સાળવે સાથે થઈ હતી. અને બંનેએ મોબાઈલ નંબર આપલે કર્યા હતા તથા એકબીજા જોડે મોબાઈલ પર વાતચીત પણ કરતા હતા. બાદમાં બંને એકબીજાને પસંદ કરતા તેઓ વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. ત્યારે દિનેશભાઇ સાળવેએ મહિલાને હું તારી જોડે લગ્ન કરવા માગું છું. કહી બંનેએ લગ્ન કરવાનું નક્કી કરી શરીર સબંધ પણ બાંધ્યા હતા. બાદમાં મંદિરમાં લગ્ન કરી લગ્નની નોંધણી સુબિરનાં હનવતપાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં કરી હતી.

થોડા દિવસ પૂર્વે આ મહિલાની તબિયત ખરાબ થતા વાંસદા દવાખાને ગઈ હતી. જ્યાં દિનેશભાઇની પ્રથમ પત્ની સહિત તેણીનાં પિતા અને પાંચેક સ્ત્રીઓએ આવીને ઝઘડો કર્યો હતો. દિનેશભાઇની પ્રથમ પત્નીએ હું તેની પત્ની છું તો તું કઈ રીતે પત્ની બની કહેતા બીજી પત્નીએ આ બાબતની જાણ પતિ દિનેશભાઇને કરતા પતિએ તેણી સાથે ઝગડો કરી મોબાઈલ તોડી નાખી જતો રહ્યો હતો. આહવાનાં પટેલપાડાનાં દિનેશભાઇ પરિણીત હોવા છતાંય ડીવોર્સી મહિલાને કુંવારો હોવાનું જણાવી તથા લગ્ન કરી તેણીની સાથે છેતરપીંડી કરી મારઝૂડ કરતા મહિલાએ આહવા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

પતિ સાથે ઝઘડો થતા પત્નીએ બે બાળકોને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધા
સાપુતારા : ડાંગ જિલ્લાનાં વઘઇનાં ઝરીયા ડુંગરડા ગામે દંપતિનાં રસોઈ બનાવવાનાં ઝઘડાનાં વિવાદમાં પત્નીએ આવેશમાં આવી બે બાળકોને ઝેરી દવા પીવડાવીને જાતે પણ ગટગટાવી લેતા બંને બાળકો મોતને ભેટ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર શૈલેષભાઈ જયરામભાઈ વૈજલ વઘઇના લગ્ન તકીઆંબા ડોલવણની રાધા કોંકણી સાથે થયા હતા. લગ્ન જીવન થકી બે બાળકોનો જન્મ થયો હતો. જેમાંથી મિતેશ જે પહેલા ધોરણમાં અભ્યાસ કરતો હતો. જ્યારે હેત્વી બાળમંદિરમાં અભ્યાસ કરતી હતી. ગતરોજ પત્ની રાધાબેને રસોઈ બનાવી બંને બાળકોને શાળામાં મૂકી આવ્યા બાદ પત્ની રાધાબેન ખેતરમાં મજૂરીએ ગયા હતા અને પતિ પણ ખેતતલાવડીનાં કામે મજૂરીએ ગયો હતો. બંને મજૂરી કરીને 11 વાગ્યે ઘરે પરત ફર્યા હતા. બાળકો પણ સ્કૂલેથી પરત ફરતા પરિવારજનોએ બપોરનું ભોજન સાથે લીધુ હતુ. જમીને પરવાર્યા બાદ પત્ની મજૂરીએ ગઈ હતી. તથા શૈલેષભાઈ તળાવમાં માછલી પકડવા ગયા બાદ માછલી ઘરે મૂકી આવ્યો હતો. બાદમાં પત્ની જ્યાં મજૂરી કરવા ગઈ હતી તે ખેતરમાં જઈ પત્નીને ઘરે માછલી મૂકી હોવાનું જણાવી માછલીની રસોઈ બનાવવા જણાવ્યુ હતુ. જેથી પત્નીએ બપોરનાં સમયે માછલી બનાવવાની ના પાડતા પતિ સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ દંપતિ મજૂરી કામમાં પરોવાઈ ગયું હતું.

ત્રણેક વાગ્યાનાં અરસામાં ઘરમાં પીવાનું પાણી નહીં હોવાથી પતિ કૂવામાં પાણી ભરવા ગયો હતો અને પાણી ભરી ઘરે આવ્યા બાદ પત્ની અને બંને બાળકો રાત પડ્યા પછી પણ દેખાયા ન હતા. જેથી પતિએ ગામમાં શોધખોળ કરી હતી. પરંતુ પત્ની અને બાળકો મળ્યા ન હતા. જમવાનું બનાવવાનાં ઝઘડામાં પત્નીને ખોટું લાગી આવતા ભીંડામાં નાખવાની ઝેરી દવાને ગટગટાવી બંને બાળકોને પીવડાવી દીધી હતી. મોડી રાત્રે 1 વાગ્યાનાં અરસામાં પત્ની રાધાબેન અને બંને બાળકો મિતેશ અને હેતવી ઘર નજીક વાંસની દીવાલ પાસે સુતેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી પતિએ જગાડવાનો પ્રયત્ન કરતા ત્રણેયનાં મોઢામાંથી દવાની વાસ આવતી હતી અને પત્નીનાં શ્વાસ ચાલુ હતા, જ્યારે બાળકોનાં શરીર ઠંડા જણાતા 108 એમ્બ્યુલન્સથી ત્રણેયને વઘઇ સી.એચ.સી.માં ખસેડાયા હતા. જ્યાં બંને બાળકો મિતેશ અને હેતવીનાં શરીરમાં ઝેરી દવા પ્રસરી જતા ડોકટરોએ તપાસ કરી મૃત જાહેર કરતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. જ્યારે પત્ની બચી જતા વધુ સારવાર માટે વાંસદા ખસેડવામાં આવી હતી.

Most Popular

To Top