Gujarat

યોગ-પ્રાણાયામ પછી ભારતની પ્રાચીન ઉપચાર પદ્ધતિ વિશ્વમાં શ્રેષ્ઠ પ્રસ્થાપિત થઈ છે : સીએમ

ગાંધીનગર: ગાંધીનગરમાં (Gandhinagar) મહાત્મા મંદિર (Mahatma mandir) ખાતે આયોજીત ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટને સંબોધન કરતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) કહ્યું હતું કે ભારતમાં (India) પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિઓ પ્રાચીનકાળથી પ્રચલનમાં રહી છે ત્યારે આ પ્રાચીન ઉપચાર પદ્ધતિઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) વૈશ્વિક ફલક પર પ્રસ્થાપિત કરી છે. જેના પરિણામે જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં WHOના ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ની સ્થાપના થઇ છે જે સેન્ટર આવનારા સમયમાં ટ્રેડિશનલ મેડિસિન ક્ષેત્રે ગ્લોબલ નોલેજ એપી સેન્ટર બનશે, તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે જ યોગ-પ્રાણાયામને વિશ્વભરમાં આગવી ઓળખ મળી છે. યુનાઇટેડ નેશન્સ સમક્ષ આંતરરાષ્ટ્રીય યોગદિનની ઉજવણીનો તેમનો પ્રસ્તાવ સૌથી વધુ દેશોએ હર્ષભેર સ્વિકારી લીધો હતો. યોગ-પ્રાણાયામ પછી ભારતની પ્રાચીન ઉપચાર પદ્ધતિઓ પણ વૈશ્વિક ફલક પર સુપેરે પ્રસ્થાપિત થઈ છે.
સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાઓ માટેનું પ્રથમ અને એક માત્ર ગ્લોબલ સેન્ટર ગુજરાતને મળ્યું એ આપણા સો માટે ગૌરવરૂપ છે, તેમ જણાવી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પ્રિવેન્ટીવ મેડિસિનના મહત્વને આખી દુનિયાએ સ્વીકારીને યોગ-પ્રાણાયામ-આયુર્વેદ પ્રેરિત સ્વસ્થ જીવનશૈલી સ્વીકારી છે. યોગ, આયુર્વેદ, હોમિયોપેથી, યુનાની, સિદ્ધ જેવી ચિકિત્સા પદ્ધતિઓ લાઈફસ્ટાઈલ આધારિત છે. તે માત્ર માનવીના શરીરનો જ નહિ પણ તેના મનનો પણ વિચાર કરે છે. તે દર્દીની આસપાસના વાતાવરણને અને તેના કર્મોને પણ ધ્યાનમાં લઈને ઉપચાર કરે છે. ચિકિત્સાના આ હોલિસ્ટીક એપ્રોચ પ્રત્યે હવે દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચાયું છે.

તેમણે જણાવ્યું હતું કે દુનિયાભરના લોકો ધીરે-ધીરે વૈકલ્પિક સારવાર તરીકે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને અપનાવી રહ્યા છે ત્યારે રોગનો ઉપચાર જ નહિ, પણ રોગ થાય જ નહિ તેવી પ્રિવેન્ટીવ મેડિસિનની હિમાયત ભારતના પ્રાચીન શાસ્ત્રોમાં કરવામાં આવી છે. હવે સમય આવી ગયો છે કે રોગની ટ્રીટમેન્ટ કરતાં વધુ ભાર રોગના પ્રિવેન્શન પર મુકાય તો રોગ થતા જ અટકે. પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના બહોળા અનુભવ થકી ભારત આ દિશામાં સમગ્ર વિશ્વને નેતૃત્વ પૂરું પાડશે એવો મને વિશ્વાસ છે.

આઝાદીના અમૃત મહોત્સવે યોજાઈ રહેલા આ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટમાં થનારૂં વિચારમંથન વિશ્વભરના લોકોની હેલ્થકેરનો અમૃતકાળ બનશે અને આત્મનિર્ભર ભારતના નિર્માણને પ્રેરક બળ પરૂ પાડશે. ભારતને ટ્રેડિશનલ મેડિસિનનું હબ બનાવવામાં “ગુજરાત” મહત્વની ભૂમિકા અદા કરશે તેવો આશાવાદ તેમણે વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યના નાગરિકોમાં યોગ, પ્રાકૃતિક ઔષધો અને પરંપરાગત ચિકિત્સા પ્રત્યે આદર અને અભિરૂચિ છે. એટલુ જ નહી ગુજરાત સદીઓથી તજજ્ઞ વૈદોની ભૂમિ રહી છે ત્યારે આ સમિટ મહત્વની પુરવાર થશે. ભારતને ટ્રેડિશનલ મેડિસીનનું હબ બનાવવામાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે. આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ ભારતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના જ્ઞાનના સમગ્ર વિશ્વમાં પ્રસાર માટેનો સ્વર્ણિમ અવસર બનશે. “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનામાં માનતી ભારતીય સંસ્કૃતિએ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને વિશ્વમાં દરેક વ્યક્તિ નિરામય જીવન જીવે તેવી કામના કરી છે. પરંપરાગત ઔષધ વિદ્યાના વિકાસથી વિશ્વને રોગમુક્ત બનાવવાની દિશામાં આ સમિટ મહત્વની ભૂમિકા ભજવશે.

Most Popular

To Top