Gujarat

પરંપરાગત દવાની વિવિધતાનો વારસો ટકાવી રાખવો જરૂરી છે : પ્રવિન્દ જગન્નાથ

ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે આજથી શરૂ થયેલી ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટમાં મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જગન્નાથે કહ્યું હતું કે, WHOના અંદાજ પ્રમાણે વિશ્વની ૮૦ ટકા વસ્તી પરંપરાગત દવાઓનો (Medicine) ઉપયોગ કરે છે. ભારત (India) પરંપરાગત દવા પ્રણાલીમાંથી ઉદ્દભવતા ઉપચારની સત્તાવાર રીતે માન્યતા દર્શાવી રહ્યું છે. સામાજિક – સાંસ્કૃતિક પ્રથાઓ અને ટ્રેડીશનલ દવાની વિવિધતાનો વારસો ટકાવી રાખવો તેના વિકાસ માટે ખુબ જ જરૂરી છે.

જામનગર ખાતે વિશ્વના સૌ પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન-GCTMનું ભૂમિપૂજન સફળતાપૂર્વક સંપન્ન થયું તેના માટે ગુજરાતને અભિનંદન પાઠવતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, COVID-19ની મહામારીના સમયગાળા દરમ્યાન ભારત દ્વારા મોરેશિયસને જે આયુર્વેદ ક્લિનિકની સુવિધાઓ પૂરી પાડી હતી તેના માટે તેઓએ ભારતના વડાપ્રધાન મોદી અને ભારતીયોનો આભાર માન્યો હતો. ભારત અને મોરેશિયસ ટ્રેડીશનલ મેડિસિનની ઉપયોગીતા વિશે સમાન મૂલ્યો ધરાવે છે. દર વર્ષે ધનતેરસની ઉજવણી સમગ્ર મોરેશિયસમાં આયુર્વેદ દિવસ તરીકે કરવામાં આવે છે તેની ભૂમિકા પણ તેમણે આપી હતી. ગુજરાતમાં ભવ્ય સ્વાગત બદલ તેમણે સૌ ગુજરાતીઓનો આભાર માન્યો હતો.

આપણને વિરાસતમાં મળેલા પરંપરાગત દવાના જ્ઞાનથી સૌને લાભાન્વિત કરવા જોઈએ : ડૉ. ટેડ્રોસ ગેબ્રેયેસસ
ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે બુધવારથી શરૂ થયેલી ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ ગેબ્રેયેસસે ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરીને લોકોના દિલ જીતી લીધા હતા. તેમણે પોતાનું સંબોધન શરૂ કરતા પહેલા પૂજ્ય ગાંધી બાપુને યાદ કર્યા હતા અને કહ્યું કે, મને મહાત્મા ગાંધીની ભૂમિ પર આવવાનું સૌભાગ્ય મળ્યું છે.

ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ-૨૦૨૨માં ઉપસ્થિત મહાનુભાવોને સંબોધતા જનરલ ટેડ્રોસ ગેબ્રેયેસસે જણાવ્યું હતું કે, વિશ્વ એક પરિવાર છે ત્યારે આપણા સમાજને વિરાસતમાં મળેલા સ્વાસ્થ અંગેના જ્ઞાનથી તમામ લોકોને લાભાન્વિત કરવા જોઈએ. વિશ્વ આરોગ્ય સંગઠન તેનું પાલન પણ કરી રહ્યું છે.

ડૉ. ટેડ્રોસ ગેબ્રેયેસસે કહ્યું હતું કે, અમે પરંપરાગત દવાઓ અંગે, તેના અમલીકરણ તેમજ ક્લિનિકલ ટ્રાયલ, વૈજ્ઞાનિક પુરાવા અને પદ્ધતિઓ પર ભાર મૂક્યો છે. આ વર્ષે આ ઉદ્યોગ ૨૩ અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી શકે છે. પરંપરાગત દવાઓ અંગેના ક્ષેત્ર વિશે વાત કરતા ડૉ. ટેડ્રોસે જણાવ્યું હતું કે, આ ક્ષેત્રને આગળ લઈ જવા માટે મુખ્ય ત્રણ બાબતો ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. જેમાં પ્રથમ ઇનોવેશન ઇકોસિસ્ટમને ટેકો આપવા માટે લાંબા ગાળાના વ્યૂહાત્મક રોકાણની જરૂર છે. બીજું તેનો વિકાસ ટકાઉ રીતે થવો જોઈએ અને જે લોકો આમાં સહયોગી અને ભાગીદાર બન્યા છે તેમને પણ આ લાભ મળવો-આપવો જોઇએ.

જામનગરમાં WHO સેન્ટર વિશ્વભરમાં પરંપરાગત દવાઓમાં ગુજરાતને અગ્રેસર બનાવશે
ડો. ટેડ્રોસે કહ્યું હતું કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન – WHO ૭૫ વર્ષનું થવા જઈ રહ્યું છે. ભારત પણ ૭૫મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પરંપરાગત દવાઓ પર ‘એન્યુલ ગ્લોબલ મીટ’નો પ્રસ્તાવ મૂક્યો હતો. જેના માટે અમે સહમત પણ થયા છીએ અને આવતા વર્ષે પ્રથમ બેઠક પણ યોજાશે, એમ તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. ડો. ટેડ્રોસે જામનગરમાં WHOના સેન્ટર અંગે પણ માહિતી પૂરી પાડીને કહ્યું હતું કે જામનગરમાં WHO સેન્ટર વિશ્વભરમાં પરંપરાગત દવાઓમાં ગુજરાતને અગ્રેસર બનાવશે.

Most Popular

To Top