Comments

‘ત્રિશંકુ’ મોડેલની સફળતા કયાં સુધી ટકશે?

‘ત્રિશંકુ’ ભારતીય પુરાણકથાનું એક પ્રતીકાત્મક પાત્ર છે. માણસ જયારે ન ઘરનો ન ઘાટનો રહે ત્યારે તેની હાલત ‘ત્રિશંકુ’ કહેવાતી. વાર્તા મુજબ એક ઋષિમુનિએ રાજા ત્રિશંકુને સદેહે સ્વર્ગમાં મોકલવાનું વચન આપ્યું! હવે કુદરતના નિયમ મુજબ માણસ મર્યા વગર, દેહ છોડયા વગર સ્વર્ગ (કે નર્ક) માં જઇ શકતો નથી એટલે ત્રિશંકુનું સદેહે સ્વર્ગમાં જવું એ તો અકુદરતી હતું પરંતુ ઋષિને પોતાની તપસ્યાનો અહંકાર હતો તેમને કુદરતનો ક્રમ તોડવો હતો. રાજાને સદેહે સ્વર્ગમાં મોકલવો હતો. તેમણે પોતાનું તપોબળ કામે લગાડયું.

રાજાને સ્વર્ગમાં મોકલ્યો. પણ સ્વર્ગના દેવોએ તેને સ્વર્ગમાં પ્રવેશવા જ ન દીધો. શરીર સાથે માણસ સ્વર્ગમાં જઇ શકતો નથી! – જા તું શરીર પૃથ્વી પર છોડીને આવ! રાજાને પાછો પૃથ્વી પર ધકેલ્યો. હવે વાત વટમાં પડી! ઋષિએ રાજાને નીચે ન આવવા દીધો. સ્વર્ગના દેવોએ તેને ઉપર ન આવવા દીધો અને રાજા રહ્યા વચમાં! હવે ઋષિએ રાજાને કહ્યું, તું ચિંતા ન કર. વચમાં જ રહે! હું તારા માટે વચમાં જ સ્વર્ગ બનાવું છું અને ઋષિએ રાજાની આજુબાજુ એક નવું જ સ્વર્ગ બનાવ્યું.

રાજાને વચમાં જ રાખ્યો! રાજા ન પૃથ્વીલોકનો રહ્યો, ન સ્વર્ગલોકમાં ગયો. ‘વચમાં’ રહ્યો એટલે જેઓ આ-પાર ન રહે, પેલે પાર ન પહોંચે! તેવા માટે ‘ત્રિશંકુ’ જેવી હાલત થઇ તેમ શબ્દપ્રયોગ થાય છે! હવે આમ તો ત્રિશંકુ સ્થિતિ સારી ન કહેવાય! પણ ભારતમાં કરોડો ઉચ્ચ મધ્યમવર્ગીય લોકોએ વર્ષો પહેલાંનું આ ત્રિશંકુ મોડલ સહર્ષ સ્વીકારી લીધું છે અને તે પણ સા ગર્વ!
આર્થિક – સામાજિક સલામતી અને સમૃધ્ધિ વચમાં જીવવું તે જો ભૌતિક સ્વર્ગ હોય અને ગરીબી, રોગચાળો, ગંદકી, ભીડ, ઘોંઘાટ એ યાતનામય જિંદગી નર્ક હોય તો દેશમાં એક અતિ સમૃધ્ધ વર્ગ રહે છે, જે ખરેખર આ ભૌતિક આંગળીના વેઢે ગણાય એટલા જ છે! દુનિયાની રીતે જોઇએ તો એવા દેશો છે, જયાં વસ્તી ઓછી છે. ભૌતિક સુવિધાઓ અદ્‌ભુત છે. શાંતિ, સલામતી, સમૃધ્ધિનું ખરું સ્વર્ગ તે જ છે! પણ બધાના નસીબમાં તે નથી.

ભારતમાં એક ઉચ્ચ મધ્યમ વર્ગ મોટો થઇ રહ્યો છે. તેને જવું છે સ્વર્ગમાં પણ રહેવું પડે છે. ગરીબી, બેકારી, વસ્તીની ગીચતાવાળા દેશમાં. હવે તેણે પેલું આધ્યાત્મિક રીતે નિષ્ફળ ગણાયેલું ‘ત્રિશંકુ’ મોડલ સફળતાપૂર્વક સ્વીકારી લીધું છે.
1991 સુધી સમાજવાદી અર્થવ્યવસ્થામાં આવકની તો અસમાનતા હતી જ. ધનિકો ધનિક જ હતા ગરીબો ગરીબ હતા. પણ વપરાશની સમાનતા હતી. ખાસ તો ઊડીને આંખે વળગે તેવી તમામ બાબતો સામુહિક સેવાઓ શિક્ષણ, હોસ્પિટલ, વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર તમામમાં બધા સાથે હતા. સૌનાં બાળકો સાથે ભણતાં, સૌ મુસાફરી સાથે કરતાં, સૌ ફિલ્મ સાથે જ જોતાં. બહુ ઓછાં ધનિકો હતાં જેઓ આ બધાથી દૂર હતા.

પોતાના સુખમાં લીન હતાં. માટે જ શાળાના શિક્ષણ શિક્ષકની સૌને ચિંતા થતી, સરકારી દવાખાનાની સગવડ અને દાકતરનું ધ્યાન સૌ રાખતું. વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર માટે સૌ માંગણી કરતા. પણ હવે ઉચ્ચ મધ્યમ વર્ગે પોતાની એક અલગ નાનકડી દુનિયા બનાવી દીધી છે. લખલૂંટ રૂપિયાવાળી ફાઇવ સ્ટાર સ્કૂલો…. ખૂબ ઊંચી ટીકીટવાળાં સિનેમા-ઘરો, રજાઓને માણવાના રીસોર્ટ લકઝરીયસ ગાડીઓ, મોંઘાદાટ ફોન, કલબ હાઉસ… ભારતમાં રહેવા છતાં ભારતના રોજિંદા! જીવન સાથે તેમને કોઇ લેવાદેવા નથી. સત્તાને કરગરવાની પણ તેમને જરૂર નથી. બહુ જ બધું તો ‘ખરીદી’ શકાય છે! હવે તેમને વારેવારે રાજકારણીઓની પણ જરૂર નથી પડતી.

એમને ન સ્કૂલ ફીનાં આંદોલનો છે ન રીઝર્વેશન માટે લાગવગની જરૂર. એમની સ્પોર્ટસ કલબોમાં કે વિકેન્ડ હાઉસમાં કયાંય મધ્યમ વર્ગીય ચિંતા કે ચર્ચાઓ નથી! તેઓ સ્ટેટસપૂર્વક કહે છે ‘યુ.સી. હું ન્યૂઝ જોતો જ નથી.’ ગટરમાં ઊતરીને સફાઇ કામદાર ગુંગળાઇ મર્યો, પાલખ તૂટીને સાત મજૂરો માર્યા ગયા, મ્યુનિસિપાલીટી બગીચામાં રાઇડસ તૂટવાથી બાળકો મર્યાં કે હાઇ વે પર છકડો ઊંધો પડતાં કમકમાટીભર્યા મોતના સમાચાર તેમને ખલેલ પહોંચાડતા નથી કારણ તેઓ સુધી આ સમાચાર પહોંચતા જ નથી. તેઓ બસની ભીડમાં નથી, મંદિરોની દર્શન માટેની લાઇનમાં નથી.

નેતાઓની સભામાં નથી. રેલીઓમાં નથી. તેઓ તો સ્વિમીંગ પુલમાં, હાઉસીમાં, લાંબા પગ કરીને બેસાય તેવી ખુરશીમાં છે. એમના મનોરંજનમાં પણ દેશની સમસ્યાઓ કે ગરીબોની વાત નથી. તેમણે સાબિત કર્યું છે કે ભારતની ગરીબી, વસ્તી, ગંદકીથી દૂર રહેવા માટે યુરોપના દેશોમાં જઇને રહેવાની જરૂર જ નથી. જરૂર છે થોડી સંવેદનાને દૂર કરવાની. પાર્કીંગમાં વાહન પાર્ક કરો એ રીતે સંવેદનાઓ પાર્ક કરી દેવાની. બીજાની ચિંતા, આવતી કાલની ચિંતા, દેશની ચિંતા. આ બધું કોરે મૂકી દેવાનું અને માણવાનું ‘સ્વર્ગ’! સુખ, શાંતિ!પણ જેમ ત્રિશંકુની આજુબાજુ રચાયેલું સ્વર્ગ ભ્રામક હતું, ખોટું હતું તેમ આ ઉચ્ચ મધ્યમ વર્ગનું સ્વર્ગ પણ ખોખલું છે.

દેશનાં ખરાં ધનિકો, ઉદ્યોગપતિઓ, મૂડીપતિઓ ખરા ભૌતિક સ્વર્ગને માણે છે પણ દેખાદેખી અને રવાડે ચડેલાં લોકો છે જે પૂરા સ્વર્ગમાં તો નથી પહોંચ્યા. તેઓ આ મોલ-મલ્ટિપ્લેક્ષ, પ્રાઇવેટ સ્કૂલ, પાઇવેટ ગાડી, મોંઘા મોબાઇલ, કલબ હાઉસ, ફાર્મ હાઉસના રવાડે ચડયા છે! તેઓ પરાણે હકીકતની દુનિયાને ભૂલવાના દૂર જવાના પ્રયત્ન કરે છે. પણ તેમનું આ સ્વર્ગ બજારે ‘રૂપિયા ફેંકો તમાશા દેખો’ ના નિયમથી સર્જયું છે. જયારે તેમાંથી પડશે ત્યારે તેમને સમજાશે કે ભારતમાં ‘ત્રિશંકુ’ મોડલ કેમ બદનામ હતું!
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top